બિલકીસબાનો સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો દોષિતોને સજામાફીનો નિર્ણય રદ કર્યો ત્યાર બાદ ગુજરાત સરકારે અદાલતને તેમના ચુકાદામાં રાજ્ય વિરુદ્ધ કરવામાં આવેલી પ્રતિકૂળ ટિપ્પણીઓ કાઢી નાખવાની માગ કરી છે.ગુજરાત સરકારે 13મી ફેબ્રુઆરી એટલે કે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે રિવ્યૂ પિટિશન દાખલ કરી છે.
રાજ્ય સરકારે કહ્યું કે, “સર્વોચ્ચ કોર્ટના ચુકાદામાં સરકાર વિરુદ્ધ જે પ્રતિકૂળ ટિપ્પણી કરવામાં આવી છે તેનાથી તેમને ભારે પ્રતિકૂળ અસર થઈ છે.”
ગુજરાત સરકારે વધુમાં એવી દલીલ કરી છે કે રાજ્ય સરકારે કોર્ટે મે 2022માં આપેલા આદેશ મુજબ જ પગલાં લીધાં હતાં.
ગુજરાત સરકારે એક સમીક્ષા અરજીમાં જણાવ્યું હતું અમે સુપ્રીમ કોર્ટના મે 2022ના ચુકાદા મુજબ કામ કરી રહ્યા હતા, જેમાં કોર્ટે એક દોષિતની માફીની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
8 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે 2002નાં ગોધરા રમખાણો દરમિયાન બિલકીસબાનો પર કરવામાં આવેલા ગૅંગરેપ અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના આદેશને ફગાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકાર માફીના આદેશો પસાર કરવા સક્ષમ નથી પરંતુ મહારાષ્ટ્ર સરકાર છે.
ગુજરાત સરકારે રિવ્યૂ પિટિશનમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટની બીજી કો-ઑર્ડિનેટ બૅન્ચે CrPC ની કલમ 432(7) હેઠળ ગુજરાત રાજ્યને ‘યોગ્ય સરકાર’ ગણાવી હતી, અને ગુજરાત રાજ્યને આદેશ જારી કર્યો હતો કે તે જયારે આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા ત્યારે જે માફી નીતિ અસ્તિત્વમાં હતી (1992 માફી નીતિ) તેના પ્રમાણે ગુનેગારની માફીની અરજી પર નિર્ણય કરે.
સમીક્ષા અરજી દાખલ કરતી વખતે, ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતના અવલોકન સામે વાંધો ઉઠાવ્યો હતો કે ગુજરાત રાજ્યએ દોષિતો સાથે સંડોવાયેલી છે અને તેમના હિતમાં કામ કર્યું છે.
ગુજરાત સરકારે 11 આરોપી, જેમને આજીવન કેદની સજા થઈ હતી તેમને 15 ઑગસ્ટ, 2022માં મુક્ત કર્યા હતા. જયારે આ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા ત્યારે 2008ની માફી નીતિ લાગુ હતી અને તે મુજબ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
બિલકીસબાનો કેસના દોષિતોએ સરેન્ડર કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમયની માગણી કરી હતી.
આ માગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને દોષિતોને બે દિવસમાં જ એટલે કે 21 જાન્યુઆરી સુધીમાં જ સરેન્ડર કરવા કહ્યું હતું.
સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચના નિરીક્ષક એનએલ દેસાઈએ સમાચાર ઍજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “તમામ 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે જેલના સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દોષિતો 21મી જાન્યુઆરીની મધ્યરાત્રિ પહેલાં જેલમાં પહોંચી ગયા છે, 21મીએ આત્મસમર્પણની નિયત સમયમર્યાદા હતી.”
બિલકીસબાનો ગૅંગરેપ કેસના દોષિતોની સજામાફીને પડકારતી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટે તારીખ 8 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપ્યો હતો અને તમામ દોષિતોને બે અઠવાડિયામાં સરેન્ડર કરવા કહ્યું હતું.
પરંતુ તમામ દોષિતોએ વિવિધ કારણો આગળ ધરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને સરેન્ડર માટે વધુ સમય માગ્યો હતો.
જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયનની બૅન્ચે દોષિતોએ કરેલી આ અરજી આજે સાંભળી હતી અને ફગાવી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે, “સરેન્ડર માટે વધુ સમય આપવાની દોષિતોની માગણી અમે સાંભળી છે. પરંતુ તેમણે આપેલાં કારણોમાં કોઈ યોગ્યતા કે દમ નથી. અને આ કારણો તેમને અમારા નિર્દેશો અનુસાર ફરીથી જેલમાં જતા રોકી શકશે નહીં.”
અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો સાથે બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના 11 દોષિતોની સજામાફી આપીને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો.
ગત વર્ષે 15 ઑગસ્ટના રોજ ગુજરાત સરકારે આ દોષિતોની સજામાફીની અરજી પર કાર્યવાહી કરીને 11 દોષિતોને મુક્ત કર્યા હતા. નોંધનીય છે કે તમામ દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા.
એક દોષિત મિતેશ ચીમનલાલ ભટ્ટે સરેન્ડર કરવા માટે છ અઠવાડિયાના ઍક્સ્ટેન્શનની માગણી કરી હતી. મિતેશ ચીમનલાલ ભટ્ટે કહ્યું કે તે ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેથી તેને શિયાળાના પાકની લણણી માટે વધારાના સમયની જરૂર છે.
ગોવિંદ નાઈએ ચાર અઠવાડિયાંનો સમય માગ્યો હતો. ગોવિંદ નાઈએ કહ્યું હતું કે તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ અને કૌટુંબિક જવાબદારીઓ છે. તે પોતાના બીમાર, 88 વર્ષીય પિતાની એકમાત્ર સંભાળ રાખનાર છે. પિતા સંપૂર્ણપણે તેના પર નિર્ભર છે. તેણે વધુમાં કહ્યું હતું કે તેનાં બાળકો પણ આર્થિક અને અન્ય જરૂરિયાતો માટે તેના પર સંપૂર્ણપણે નિર્ભર છે.
નાઈએ કહ્યું હતું કે તે પોતે પણ વૃદ્ધ છે અને તબિયત ખરાબ છે. તેને અસ્થમા છે અને તેણે ઍન્જીયોગ્રાફી પણ કરાવી હતી અને તેનું હેમોરહોઇડ્સનું ઑપરેશન કરવાનું છે.
ત્રીજા ગુનેગાર રમેશ રૂપાભાઈ ચંદાનાએ છ અઠવાડિયાના ઍક્સ્ટેન્શનની માગણી કરી હતી. તેણે કહ્યું કે અત્યારે આત્મસમર્પણ કરવાથી તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર થશે. તેણે ઍન્જિયોગ્રાફી કરાવી છે અને તેને હૃદયની બીમારી છે. વધુમાં, તેના પુત્રની લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તેને આ કામ પૂર્ણ કરવા માટે સમયની જરૂર છે.
તેણે એમ પણ કહ્યું હતું કે તેમના ખેતરમાં પાકની સંભાળ રાખતા પરિવારનો તે એકમાત્ર સભ્ય છે અને તેને પાક લણવા માટે સમયની જરૂર છે. ચંદાનાએ એમ પણ કહ્યું કે તેનાં માતા અનેક બીમારીઓથી પીડિત છે અને તેના માટે સારવારની વ્યવસ્થા કરવા માટે સમયની જરૂર છે.
તો પ્રદીપ રમણલાલ મોઢિયાએ ચાર સપ્તાહની મુદત આપવાની માગણી કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે હાલમાં જ ફેફસાંની સર્જરી કરાવી છે અને તેને ડૉક્ટરોની નિયમિત સલાહની જરૂર છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેનાં પત્નીનું તાજેતરમાં કિડની ફેલ થવાને કારણે અવસાન થયું છે. તેની પત્નીના નોકરીના લાભો અંગેની પ્રક્રિયા પૂરી કરવા માટે તેને વધુ સમયની જરૂર છે.
બિપિનચંદ કનૈયાલાલ જોષીએ 6 સપ્તાહની મુદ્દત વધારવાની માગણી કરી હતી. તેણે કહ્યું હતું કે તેની પત્નીને કેન્સર છે અને તેના સપોર્ટની જરૂર છે. વધુમાં, તેનો ભાઈ 75 વર્ષનો અને અપરિણીત છે અને તેને તેની સહાયની જરૂર છે.
આ રીતે તમામ દોષિતો અલગ-અલગ કારણો આપીને સરેન્ડર માટે વધુ સમયની માગણી સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
બિલકીસબાનોએ કેસમાં ન્યાય માટે ખૂબ લાંબી લડાઈ લડી છે. ન્યાય માટેની બે દાયકાની આ લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.