દેશમાં દર વર્ષે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને ગ્લોબલ વોર્મિંગની અસર દરેક ઋતુમાં જોવા મળી રહી છે. પર્યાવરણ બચાવવા માટે નિષ્ણાતો વિનંતી કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલને જણાવ્યું છે કે સરકાર 111 કિમી લાંબા કાંવડ યાત્રા માર્ગ માટે એક લાખથી વધુ વૃક્ષો કાપવા જઇ રહી છે.
જેમાં 33 હજારથી વધુ મોટા વૃક્ષોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે એક લાખથી વધુ વૃક્ષો કાપવાની મંજૂરી પણ આપી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ આ સમગ્ર મામલે આઠ જુલાઇએ વધુ સુનાવણી કરશે. જોકે યોગી સરકારના આ નિર્ણયથી પર્યાવરણ પર શું અસર થશે તેની ચિંતાએ જોર પકડયું છે.
રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ઉત્તર પ્રદેશ સરકારને ગાઝિયાબાદ, મેરઠ અને મુઝફ્ફરનગર સહિતના યોજના સાથે સંકળાયેલા વિસ્તારોમાં આશરે 1,10,000 વૃક્ષો કાપવાની અનુમતી આપી હતી. મોટા કદના આટલા બધા વૃક્ષોને કાપવાના નિર્ણયના અહેવાલોની સુઓમોટો દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે નોંધ લીધી હતી અને સમગ્ર મામલે જવાબ માગ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે પોતાના જવાબમાં ટ્રિબ્યૂનલને કહ્યું છે કે 111 કિમી લાંબો રોડ બનાવવા માટે 33776 મોટા વૃક્ષો અને 78946 નાના વૃક્ષો કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ રોડ ગાઝીયાબાદથી ઉત્તરાખંડ-ઉત્તર પ્રદેશ સરહદે આવેલા પુરકાજી સુધી બનાવવામાં આવી રહ્યો છે. ૧૩મી માર્ચે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે પ્રથમ સુનાવણી કરી હતી જે સમયે ઉત્તર પ્રદેશના ફોરેસ્ટ વિભાગ, ત્રણ જિલ્લાના મેજિસ્ટ્રેટ પાસેથી જવાબ માગ્યો હતો. જવાબમાં સરકાર દ્વારા રજુ કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આશરે 222 હેક્ટર જમીન પર વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને કાંવડ યાત્રા માર્ગ નામ આપવામાં આવ્યું છે. જેને એક કરોડ શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ શ્રદ્ધાળુઓ હરિદ્વારથી ગંગાજળ લઇને ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ અને વિવિધ શહેરો અને ગામડામાં પરત ફરે છે. હાલ જે રસ્તો છે તે આમ નાગરિકો અને શ્રદ્ધાળુઓ બન્ને માટે વધુ ભીડવાળો છે. જેને કારણે નવો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
શ્રાવણ મહિનામાં આ રોડ પર મોટી સંખ્યામાં કાંવડ યાત્રા નિકળે છે. કાવડ યાત્રા માર્ગ પ્રોજેક્ટને વર્ષ ૨૦૨૦માં મંજૂરી આપવામાં આવી હતી, આ માર્ગ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના જિલ્લાઓમાંથી પસાર થાય છે. જોકે આ પ્રોજેક્ટનો અમલ કરવા માટે સરકાર દ્વારા એક લાખથી વધુ વૃક્ષોને કાપવામાં આવશે. સરકારનો આ જવાબ એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશનું તાપમાન દિલ્હીમાં 53 ડિગ્રીએ પહોંચી ગયું હતું અને રાજસ્થાનમાં મે મહિનામાં તાપમાને તમામ રેકોર્ડ તોડયા હતા. વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગનો હાહાકાર છે અને દરેક ઋતુમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. નિષ્ણાતો નવા ગ્રીન ઝોન ઉભા કરવા પર ભાર મુકી રહ્યા છે.