વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરતમાં આવી ગયા છે. તેમની સુરક્ષા વ્યવસ્થામાં પાંચ હજારથી વધુ અધિકારીઓ અને પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમ વિસ્તારનો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. પીએમ મોદીએ સુરતના એરપોર્ટ પર પહોંચીને નવા ટર્મિનલનું લોકાર્પણ કરી દીધું છે.
તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્કી દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રૂ.353 કરોડના ખર્ચે તૈયાર થયેલું સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ છે.
નોંધનીય છે કે, સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ 252થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત 15મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે.
સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે.
સુરત એરપોર્ટનું વિસ્તરણ સમજીએ તો, હાલનું ટર્મિનલ હાલમાં 8474 ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું છે, જે કુલ 17,046 ચોરસ મીટર છે. જેની સાથે જ નવો વિસ્તૃત ભાગ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25,520 ચો.મી. થઈ જશે. સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર બનશે. આ સાથે સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.