ગુજરાતમાં એક જ મહિનાની અંદર બીજી વખત અંધાપાકાંડની સ્થિતિ સર્જાઈ છે. ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાંનાં ઓપરેશન બાદ દર્દીઓની આંખમાં ખામી સર્જાતાં 21 દર્દીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. બાદમાં હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી અને આ મામલે હાઇકોર્ટે સરકાર અને આરોગ્ય વિભાગને ખખડાવ્યાં હતાં, પરંતુ ફરી એક વખત અમદાવાદની સિવિલમાં આંખની હોસ્પિટલમાં રાધનપુરથી 5 દર્દીને મોતિયાંનાં ઓપરેશન બાદ 7 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેઓની આંખે દેખાવાની તકલીફ હોવાની ફરિયાદ છે.
ઉલ્લેખનીય છે કે માંડલમાં થયેલા અંધાપાકાંડના 9 દર્દી હજુ
સુધી અમદાવાદની સિવિલ હોસ્પિટલ આંખની હોસ્પિટલમાં
જ સારવાર લઈ રહ્યા છે. ત્યારે રાધનપુર હોસ્પિટલમાં
મોતિયાંનાં ઓપરેશન બાદ અમદાવાદ સિવિલ ખસેડાયેલા
5 દર્દીને આ જ઼ પ્રકારની ફરિયાદ સાથે દાખલ કરવામાં
આવ્યા છે, પરંતુ માંડલમાં થયેલાં મોતિયાંનાં ઓપરેશન બાદ
દર્દીઓની જે સ્થિતિ હતી તેના કરતાં રાધનપુરમાં થયેલા
મોતિયાંનાં ઓપરેશનના દર્દીઓની સ્થિતિ થોડે અંશે સારી
છે.
જોકે 48 કલાક બાદ તપાસના રિપોર્ટ મળતાં વધુ જાણકારી મળશે એમ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલમાં તમામ પાંચ દર્દીની ફરિયાદ છે કે તેમની આંખમાં દુખાવો રહે છે, આંખો લાલ રહે છે અને આંખમાંથી પાણી પડતું રહે છે. અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં તમામ પાંચ દર્દી પ્રાથમિક સારવાર હેઠળ છે. એમાં દિવસમાં બે વખત તેમને IV ઇન્જેક્શન આપવામાં આવે છે તથા દવા નાખવામાં આવે છે, દિવસમાં બે વખત તેમની આંખોની સોનોગ્રાફી કરીને તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર મામલાની જાણ કરવામાં આવે તો 2 ફેબ્રુઆરીના રોજ પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી સર્વોદય આંખની હોસ્પિટલમાં આશરે 13 દર્દીનાં આંખનાં મોતિયાંનું ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. તેના બે દિવસ બાદ પાંચ લોકોની આંખમાં ઓછું દેખાવાની ફરિયાદી સાથે રાધનપુરમાં જ પ્રાથમિક સારવાર બાદ તેમણે વિસનગરની જ્યોતિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમને એ સમયે પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી, પરંતુ દર્દીઓની સ્થિતિમાં સુધારો ન આવતાં તેમને 7 ફેબ્રુઆરીના રોજ મોડીરાત્રે અમદાવાદની સિવિલ હોસ્પિટલની આંખની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. 7 ફેબ્રુઆરીના રોજ ત્રણ પુરુષ અને બે મહિલાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક મહિલાની ઉંમર 45 વર્ષ છે, બાકીના તમામ દર્દીઓની ઉંમર 60થી 80 વર્ષ સુધી છે.
બે દિવસ પહેલાં જ માંડલ અંધાપાકાંડમાં હાઇકોર્ટે સરકારને
ખખડાવી હતી. કોર્ટે ટકોર કરી હતી કે જો સરકાર કોર્પોરેટ
જેવો પગાર ડોક્ટરોને આપતી હોય તો તેમને પણ કોર્પોરેટ
જેવું કામ કરવું જોઈએ, જે આપણે કરતા નથી. કોર્પોરેટમાં
લોકો 24×7 કામ કરે છે. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે જો
સિવિલની OPDમાં કોઈ વિદેશથી ડોક્ટર આવે તો દર્દીઓની
લાઈન અને કામના લોડથી જ આપઘાત કરી લે. ડોક્ટર્સ
સવારે 8થી રાત્રિના 9.30 કલાક સુધી કામ કરીને તેમને
અડધો કલાકનો લંચ બ્રેક મળે છે. કોર્ટ મિત્રે સરકારે ફાઈલ
કરેલી એફિડેવિટના અભ્યાસ માટે સમય માગતાં વધુ
સુનાવણી બે અઠવાડિયાં બાદ રાખવામાં આવી છે.
સરકારે કોર્ટને ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટમાં સુધારો કર્યો હોવાની માહિતી આપી હતી. સુધારા બાદ હવેથી ગમે તેટલાં બેડ હોય એવી ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું આ કાયદા અંતર્ગત રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે, જેથી કરીને આ કાયદાનાં તમામ નીતિ-નિયમો એ હોસ્પિટલને લાગુ પડશે. કોર્ટે પૂછ્યું હતું કે આ ઘટના નીચલી ગુણવત્તાની દવા, ફેસિલિટીનો અભાવ કે પછી મેડિકલ સાધનોની સારસંભાળના અભાવને કારણે સર્જાઈ છે કે કેમ? હજી સુધી કોઈપણ મેડિકલ કર્મચારી સામે FIR થઈ નથી. પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઘટના અંગે હેલ્થ વિભાગના સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને કોર્ટે નોટિસ કાઢી હતી, સાથે જ તપાસનો પ્રાથમિક અહેવાલ કોર્ટમાં જમાં કરાવવા હુકમ કર્યો હતો.