ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી ચાર સીટ માટે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે. દર વખતની જેમ આ વખતે પણ BJPએ બધાને ચોંકાવ્યા છે. લિસ્ટનાં ચાર નામમાંથી બે નામ જે.પી. નડ્ડા અને ગોવિંદ ધોળકિયાને તો બધા ઓળખે છે, પણ મયંક નાયક અને જસવંતસિંહ પરમારનાં નામથી આશ્ચર્ય થયું છે.
નાયક-ભોજક સમાજમાંથી આવતા મયંક નાયકના મોટા ભાઈ ડૉ. અનિલ નાયક અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનમાં જનરલ સેક્રેટરીના હોદ્દા પર છે.
ડૉ. અનિલ નાયક પરિવારના સંઘર્ષના દિવસો યાદ કરતાં કહ્યું, ‘અમારા પિતા ટીચર હતા. એ વખતે તેમનો 1200 રૂપિયા પગાર હતો. અમે પાંચ ભાઈ-બહેન હતાં. બે બહેન પીટીસી કરતી હતી અને હું મેડિકલમાં ગયો. બે નાના ભાઈ જિતુ અને મયંકે પોલિટેક્નિકમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. મયંકમાં લીડરશિપના ગુણો પહેલાંથી જ હતા. તે વર્ષ 1989-90માં પોલિટેક્નિક કોલેજમાં જીએસ રહી ચૂક્યો છે. પિતાના નાના પગારમાં બધાને ભણાવવા પોસાય એમ નહોતું. મયંકે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી 200 રૂપિયામાં નોકરી શરૂ કરી, પણ એનાથી અમારી તકલીફો દૂર ન થઈ, આથી મહિને 200 રૂપિયામાં નોકરી કરવા કરતાં મયંકે રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું. તે માનતો કે રિક્ષા ચલાવવાથી મહિને 500 રૂપિયા મળશે તો પછી 200ની નોકરી કેમ કરવી? અમારા બધાની ફી ભરવા, બહેનોનાં લગ્ન કરાવવા તેમજ ઘરનું ગુજરાન ચલાવવા તેણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું.’
ડૉ. અનિલ નાયકે જણાવ્યું, ‘મયંક અમારા ગામ લાખવડથી મહેસાણાના રોજ ફેરા કરતો. રિક્ષાનો 4000 નંબર હતો અને એનું નામ લાડલી રાખ્યું હતું. તે વહેલી સવારે ઘરેથી નીકળતો અને મહેસાણાની ફેરી કરતો. એક પેસેન્જરનું 1 રૂપિયા ભાડું હતું. રિક્ષામાં વહેલી સવારે દૂધ અને શાકભાજી મૂકવા-લેવા પણ જતો. તેણે વર્ષ 1985થી 1988 સુધી એમ ત્રણ વર્ષ રિક્ષા ચલાવી. વચ્ચે વેકેશનમાં તે દુકાનોમાં નોકરી પણ કરતો. તે મહિને 50 રૂપિયા પોતાની પાસે રાખતો, બાકીના ઘરે આપી દેતો.’
તેમણે કહ્યું, ‘આ દરમિયાન તે મહેસાણા જિલ્લાના ભાજપના નેતાઓના સંપર્કમાં આવતાં તેણે પાર્ટી જોઇન કરી. મયંક પછી જયંતીભાઈ બારોટ અને અંબાલાલ પટેલ સાથે કાર્યકર તરીકે કામ કરવા લાગ્યો. એ વખતે ભાજપના નેતાઓએ તેને કહ્યું કે તું એન્જિનિયર થઈને રિક્ષા ચલાવે છે અને લોકો સાથે તારા સંપર્ક સારા છે તો ચૂંટણી લડ, આથી તેણે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું. તમને જાણીને નવાઈ લાગશે આ ચૂંટણીમાં ભાજપનો જિલ્લા અને તાલુકાની તમામ સીટો પર પરાજય થયો હતો. એટલું જ નહીં, જયંતભાઈ બારોટનાં પત્ની અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ અંબાલાલ પટેલ ખુદ હારી ગયા હતા, પણ માત્ર મયંક જ જીત્યો હતો. તેણે સૌથી વધુ 1700ની લીડથી ચૂંટણી જીતી ભાજપની લાજ રાખી હતી. ‘
‘આ પછી મયંક ક્યારેય ચૂંટણી લડ્યો નથી, પણ તેણે સંગઠનમાં દિલ દઈને કામ કર્યું હતું. સંગનઠમાં તે નાની જવાબદારીથી લઈને મોટામાં મોટી જવાબાદારી વિના સંકોચે ઉપાડી લેતો. પહેલા તે ભાજપ બક્ષીપંચ મોરચાનો સભ્ય બન્યો, પછી તેને પાટણનો પ્રભારી બનાવવામાં આવ્યો. નરેન્દ્ર મોદીની વિવેકાનંદ યાત્રા અને સદભાવના યાત્રા માટે તેને મહેસાણા પ્રભારી બનાવવામાં આવ્યો. આરસી ફળદુની કિશાનયાત્રા અને મેરી મિટ્ટી મેરા દેશ યાત્રામાં તેને આખા ગુજરાતના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યો. હાલ તે ભાજપ બક્ષીપંચ મોરચનો પ્રમુખ અને ગાંધીનગર લોકસભા સીટના પ્રભારીની જવાબદારી નિભાળે છે.’
‘જ્યારે યાત્રાઓમાં ફરવાનું થયું ત્યારે આખા ગુજરાતના ભાજપના કાર્યકરો સાથે તેનો સંપર્ક વધ્યો. તેનામાં જરા પણ ઈગો નહોતો, એટલે કોઈની પણ સાથે તે ભળી જાય છે. તે અત્યારસુધી સંગઠનમાં જ કામ કરતો, સત્તાના રાજકારણમાં આવ્યો નહોતો. સવારે 7 વાગ્યે ઘરેથી નીકળી જતો અને તે રાત્રે 11-12 વાગ્યે પાછો આવતો. ગાંધીનગર લોકસભા સીટના પ્રભારી બન્યા પછી અઠવાડિયામાં બે દિવસ તો ત્યાં જ રહેતો. ચૂંટણી વખતે કોઈ ફિલ્મસ્ટાર કે સેલેબ આવતા હોય તો તેમના હેલિકોપ્ટર સહિતનાં વાહનોની જવાબાદારી પણ તે જ સંભાળતો.’
અનિલ નાયકે વધુમાં કહ્યું, ‘વર્ષ 2005 બાદ અમે બીજા ભાઈઓ નોકરીએ લાગી જતાં સ્ટેબલ થઈ ગયા. અમારી આર્થિક સ્થિતિ સુધરી, પછી તેમણે ઘરની જવાબદારી મૂકી પાર્ટી પર વધુ ફોકસ કર્યું. તે જે કામ હાથમાં લે એ પૂરું કરીને જ રહે છે. ‘
તેમણે આગળ કહ્યું, ‘આમ તો અમારું સંયુક્ત કુટુંબ છે, ખાલી અલગ રહીએ છીએ. ત્રણેય ભાઈઓ નજીક-નજીકમાં રહીએ છીએ. હું એકલો રહું છું અને માતા-પિતા મારે ઘરે રહે છે. હાલ પિતા 90 વર્ષ અને માતા 85 વર્ષનાં છે. જમવાનું મયંક કે જિતુના ગમે ત્યાંના ઘરેથી આવે. હું ઓલ ઈન્ડિયાનો સેક્રેટરી છું. મારે પ્રવાસ વધારે રહે છે. એટલે માતા-પિતા મારું ઘર સાચવે અને ખાવા-પીવાનું બે ભાઈઓનાં ઘરેથી આવી જાય છે.’
અંતમાં તેમણે કહ્યું, ‘આ દેશમાં અમારા નાયક-ભોજક સમાજની એક લાખથી ઓછી વસતિ છે. દેશના આઝાદીના ઈતિહાસમાં અમારા જ્ઞાતિનો પહેલો મયંક પહેલો સાંસદ બનશે. નાના કાર્યકરને આગળ લાવવાની નરેન્દ્ર મોદી અને અમિત શાહની નીતિનું આ ફળ છે.’
ડૉ. જશવંતસિંહ પરમાર ભલે આખા ગુજરાત માટે જાણીતું નામ ન હોય, પણ મધ્ય ગુજરાતના ગોધરામાં આ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ગોધરાના લાલબાગ પાસે વર્ષોથી ભાગ્યોદય હોસ્પિટલ ચલાવતા ડૉ જસવંતસિહ પંચમહાલ જિલ્લામાં જાણીતા છે. 23 વર્ષથી સર્જન તરીકે પ્રેક્ટિસ કરતાં ડૉ જસવંતસિહનો હોસ્પિટલના કારણે પ્રજા સાથે ઘેરો સંપર્ક છે. ઓબીસી સહિત તમામ વર્ગના 20 લાખ કરતાં વધારે લોકોના સંપર્કમાં હોવાનો દાવો પણ કરવામાં આવે છે. તેઓ 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે.
ભાગ્યોદય હોસ્પિટલ ઉપરાંત તેઓ વાઘજીપુર પાસે ભાગ્યોદય પેટ્રોલપંપના માલિક પણ છે. તેમણે B J મેડિકલ કોલેજ-અમદાવાદમાંથી MBBS અને NHL મેડિકલ કોલેજ-અમદાવાદમાંથી MSની ડિગ્રી મેળવી છે. જશવંતસિહનાં પત્ની કલ્પાનાબેન લેબોરેટરી-ટેક્નિનિયન છે, જ્યારે 24 વર્ષીય દીકરો મંથન પરમાર પણ એમબીબીએસ ડોક્ટર છે. આ ઉપરાંત 16 વર્ષીય દીકરી પ્રનાલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે.
વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતાં ડો. જસવંતસિંહ પરમાર નારાજ થયા હતા. તેમણે ચૂંટણીમાં અપક્ષ તરીકે ઝુકાવ્યું હતું. ચૂંટણીમાં કપ-રકાબી તેમનું નિશાન હતું. આ ચૂંટણીમાં તેમણે એક સોગંદનામું કરી બધાને ચોંકાવ્યા હતા. જસવંતસિંહ પરમારે 20 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને જાહેર કર્યું હતું કે જો ધારાસભ્યની ચૂંટણી જીતી જઈશ તો પગાર હું લોકોના કલ્યાણ અર્થે વાપરીશ અને સજ્જન લોકોની એક સમિતિ બનાવીને તમને વહીવટ સોંપીશ.
આ ચૂંટણી પરિણામમાં ડો. જસવંતસિંહ પરમારે ત્રીજા નંબર પર રહ્યા હતા. તેમને અંદાજે 18 હજાર મત મળ્યા હતા. જ્યારે ભાજપના સી.કે.રાઉલજી 75 હજાર મત મેળવી વિજેતા મળ્યા હતા. બીજા નંબર પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારને 74 હજાર મત મળ્યા હતા. આમ, જસવંતસિહ પરમારે કોંગ્રેસના મત કાપી પરોક્ષ રીતે ભાજપને ફાયદો કરાવ્યો હતો. ત્યાર બાદ તેઓ ફરી ભાજપમાં જોડાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા ગોધરા ભાજપના ઉમેદવાર સી કે રાઉલજીએ જશવંતસિંહ પરમારના ઘરે જ બંધ બારણે બેઠક કરી હતી. જેમાં રાજ્યસભા સીટ માટે કમિટમેન્ટ આપવામાં હોવાનું કહેવાય રહ્યું છે. બાદમાં તેઓ પોતાની હોસ્પિટલ બંધ રાખીને ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.જસવંતસિંહે ગોધરા અને શહેરા બે સીટ પર ભાજપના ઉમેદવારને જિતાડવા માટે મહેનત કરી હતી.
ભાજપે પંચમહાલ જિલ્લામાંથી ઓબીસી ચહેરા તરીકે જસવંતસિંહને ઉમેદવાર બનાવી બીજા સમીકરણ સાધ્યા હોવાનું કહેવાય છે. પંચમહાલના લોકસભાના સાસંદ રતનસિંહ રાઠોડની આવતી ચૂંટણીમાં ટિકિટ કપાઈ શકે છે.
જશવંતસિંહનાં માતા-પિતા પંચમહાલ જિલ્લા ભાજપમાં ખૂબ સક્રિય હતાં અને અનેક હોદ્દા પર રહી ચૂક્યાં છે. તેમના સ્વર્ગીય પિતા સલામસિંહ સમરથસિંહ પરમાર વાઘજીપુરની સેકન્ડરી ગવર્નમેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ હતા. તેઓ બે ટર્મ માટે શહેરા તાલુકાના સભ્ય રહી ચૂક્યા હતા. તેઓ પંચમહાલ જિલ્લા પંચાયતની એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર પણ હતા. આ ઉપરાંત પંચમહાલ જિલ્લા બારિયા સમાજના પ્રમુખપદે પણ હતા.
જશવંતસિંહનાં માતા લલિતાબેન પરમાર પણ રાજકારણમાં સક્રિય રહી ચૂક્યાં છે. તેમણે પંચમહાલ જિલ્લા પંચાયતમાં ત્રણ ટર્મના સભ્ય તેમજ હેલ્થ કમિટીના ચેરમેનપદે સેવા આપી હતી.