ગુજરાતમાંથી છ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું, ક્યા મંત્રીની થઈ બાદબાકી,વાંચો..

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં નવી એનડીએ સરકારના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. કુલ 71 મંત્રીઓએ શપથ લીધા છે.ગુજરાતમાંથી પણ છ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.ગાંધીનગરથી સાંસદ અમિત શાહ, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા તથા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ એસ. જયશંકર અને જે.પી.નડ્ડાને મોદી કૅબિનેટમાં સ્થાન મળ્યું છે.

નવા ચહેરાઓની વાત કરીએ તો ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને પણ મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.ભાવનગરથી પહેલી વાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા મહિલા નેતા નીમુબહેન બાંભણિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

બીજી તરફ મંત્રીમંડળમાંથી પરશોત્તમ રૂપાલા, દેવુસિંહ ચૌહાણ જેવા કેટલાક ચહેરાઓની બાદબાકી પણ થઈ છે. તેની પાછળ શું કારણો છે? મંત્રીમંડળમાં થયેલા ફેરફારની ગુજરાતના સ્થાનિક રાજકારણમાં પણ અસર વર્તાશે તેવી વકી છે. ભાજપ સંગઠનમાં પણ બદલાવો અપેક્ષિત છે ત્યારે આ મંત્રીમંડળની પસંદગી શું સૂચવે છે?

મોદી સરકારના પ્રથમ બંને કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન પામનારા ભાજપના સિનિયર નેતા પરશોત્તમ રૂપાલાને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.

તેઓ વર્ષ 2014માં બનેલી કેન્દ્ર સરકારમાં કૃષિ અને કૃષકકલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી, પંચાયતી રાજ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા 2019માં રચાયેલી સરકારમાં ડેરી, પશુપાલન અને ફિશરીઝ મંત્રાલયના કૅબિનેટકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ખેડાથી ફરી એકવાર ચૂંટાયેલા સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.દેવુસિંહ ચૌહાણ ગત ટર્મમાં કૉમ્યુનિકેશન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.એ સિવાય ગુજરાતથી ગત ટર્મમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રતિનિધિત્ત્વ કરનારાં દર્શના જરદોશ અને ડૉ. મહેન્દ્ર મુંજપરાને તો આ વખતે ટિકિટ જ આપવામાં આવી નહોતી.

રૂપાલાને કેન્દ્ર સરકારની કૅબિનેટમાં સ્થાન ન મળવા પાછળ એક કરતાં વધુ કારણો છે.

આ વિશે રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “હાલની મોદીના નેતૃત્વ હેઠળનો ભાજપ કેન્દ્રમાં એનડીએની ગઠબંધન સરકાર બનાવે છે એટલે આ વખતનાં જે ઘટક પક્ષો છે એમને મંત્રીપદ આપવાં પડે. એટલે સ્વાભાવિક છે કે જે કોઈ મંત્રીઓ ઓછા થવાના છે એ ભારતીય જનતા પાર્ટીના થવાના છે. એટલે ભાજપના મંત્રીઓ પર કાપ મૂકવો પડે એ મૂકવો પડે.”

પરશોત્તમ રૂપાલાનું પત્તું કપાવા અંગે તેમણે કહ્યું કે “ગઠબંધનધર્મ નિભાવવા માટે થોડું બલિદાન આપવું પડે એના ભાગરૂપે તેમને (પરશોત્તમ રૂપાલા) સ્થાન નથી મળ્યું.”

તેઓ કહે છે કે “ક્ષત્રિય આંદોલનને લીધે પરશોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું એવું હું વ્યક્તિગત રીતે માનતો નથી.”

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી અગાઉ પરશોત્તમ રૂપાલાના એક નિવેદનને લીધે ગુજરાતમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. ક્ષત્રિયોએ એવી માગ કરી હતી કે રૂપાલાની ટિકિટ કપાવવી જોઈએ. જોકે રૂપાલા ચૂંટણી લડ્યા અને રાજકોટથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે.

ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિના નેતા કરણસિંહ ચાવડાએ પણ બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, “પરશોત્તમ રૂપાલા ભલે જીતી ગયા પરંતુ તેઓ મંત્રી નહીં બની શકે.”

દક્ષિણ ગુજરાતના રાજકારણના જાણકાર રાજકીય વિશ્લેષક તંત્રી નરેશ વરિયા કહે છે કે, “ક્ષત્રિય આંદોલનના કારણે પરશોત્તમ રૂપાલાને મંત્રીપદ નહીં જ મળે તેવી સૌને ધારણા હતી. પરંતુ માત્ર આંદોલનને કારણે તેમની બાદબાકી થઈ નથી. એનડીએની સરકાર હોવાને લીધે ભાજપના મંત્રીઓની સંખ્યા પણ ઘટી છે. આથી, એક પાટીદાર ચહેરા તરીકે મનસુખ માંડવિયાને સ્થાન આપવામાં આવ્યું હોવાથી પણ રૂપાલાને મંત્રીપદ નથી મળ્યું.”

નવસારીથી સતત ચોથીવાર સંસદસભ્ય તરીકે ચૂંટાયેલા સી.આર.પાટીલને નવી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.તેઓ નવસારીથી 7.73 લાખની સરસાઈ સાથે જીત્યા હતા.છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત ભાજપનું અધ્યક્ષપદ સંભાળી રહેલા પાટીલ હવે મંત્રી બનતાં ગુજરાત ભાજપના સંગઠનમાં પણ મોટા ફેરફારો થાય તેવી શક્યતા છે.

આ વિશે નરેશ વરિયા કહે છે કે, “મંત્રીમંડળમાં પાટીલનો સમાવેશ થવો એવી પહેલેથી જ સૌને અપેક્ષા હતી. કારણ કે દક્ષિણ ગુજરાતથી કોઈ નેતાને મંત્રીપદ વર્ષોથી અપાતું રહ્યું છે. ગત ટર્મમાં દર્શના જરદોશને પણ મંત્રી બનાવાયાં હતાં. સુરત એ દક્ષિણ ગુજરાતના રાજકારણનું કેન્દ્ર રહ્યું છે. વળી, સુરતનો સૌરાષ્ટ્ર સાથે પણ સીધો સંપર્ક રહ્યો છે. પાટીલનો પ્રભાવ નવસારી, સુરતના વિસ્તારોમાં સૌથી વધુ છે. ”

સી.આર. પાટીલને કેન્દ્રીય કૅબિનેટમાં મંત્રીપદ મળતાં હવે ગુજરાતમાં ભાજપના અધ્યક્ષપદે કોણ રહેશે તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જો સી.આર. પાટીલને સ્થાને નવા અધ્યક્ષ બનાવાય તો ભાજપના ગુજરાત સંગઠનમાં પણ મોટાપાયે ફેરફારો થશે તેવુ જાણકારોનું કહેવું છે.જે રીતે ગુજરાતમાંથી મંત્રીઓની પસંદગી થઈ છે, તેના પરથી પણ આ વાતનો અંદાજ લગાવી શકાય તેમ છે.

નરેશ વરિયા કહે છે, “દક્ષિણ ગુજરાતથી સી.આર. પાટીલ, પાટીદાર ચહેરા તરીકે મનસુખ માંડવિયા, મધ્ય ગુજરાતથી અમિત શાહ તથા સૌરાષ્ટ્રથી મહિલા પ્રતિનિધિ તરીકે નીમુબહેન બાંભણિયાની પસંદગી થઈ છે આ રીતે સંતુલન સાધવામાં આવ્યું છે.”

તેઓ કહે છે, “આ લોકસભાની ચૂંટણીમાં વિપક્ષે જાતિગત જનગણના, અનામત જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસ વધુ મજબૂત બની હોય તેમ લાગે છે. આવી પરિસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ ઉત્તર ગુજરાતનો કોઈ ઓબીસી ચહેરો પણ હોઈ શકે છે.”

રાષ્ટ્રીય સ્તરે પણ જે.પી.નડ્ડાને કૅબિનેટ મંત્રી બનાવાયા હોવાથી અધ્યક્ષ બદલાશે તેવી ચર્ચા શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com