અમેરિકાની આર્થિક મંદી વિશ્વભરના ટેક સેક્ટર પર ભારે પડી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં ચાલુ વર્ષે સમગ્ર વિશ્વમાં 1 લાખ 30 હજાર કર્મચારીઓની નોકરીઓ છીનવાઈ ગઈ છે. સિસ્કો, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ જેવી મોટી મોટી કંપનીઓે તેમના કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. ચિંતાની વાત એ છે કે છટણીનો આ સિલસિલો આગામી દિવસોમાં અટકે તેમ લાગતું નથી.
અમે આવું એટલા માટે કહી શકીએ છીએ કે કેમ કે અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તેનાથી ભારતમાં પણ IT સિવાયના ઘણા ક્ષેત્રોને અસર થઈ શકે છે. ખરેખર તો અમેરિકામાં કેટલાક મુખ્ય આર્થિક સૂચકાંક મંદીના સંકેત આપી રહ્યા છે. જાન્યુઆરીના નીચા સ્તરેથી બેરોજગારીના દાવાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને જુલાઈમાં બેરોજગારીનો દર વધીને 4.3 ટકાની ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ PMI 9 મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે.
આ દરમિયાન અમેરિકન અર્થતંત્રે મંદીમાંથી રિકવરીના સંકેતો પણ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય છે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે જીડીપી વૃદ્ધિના અંદાજમાં 2.6 ટકાથી 2.9 ટકાનો વધારો, પગાર વધારો ફુગાવાના દર કરતાં વધુ હોવો અને ઘરની કિંમતોમાં પણ વધારો થવો એટલે કે એકંદરે જોવામાં આવે તો અમેરિકન અર્થવ્યવસ્થા મિશ્ર સંકેતો આપી રહી છે જેના કારણે ત્યાંની આર્થિક નબળાઈ મંદીમાં ફેરવાશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. દરમિયાન સંભવિત મંદીના ડરથી અમેરિકન શેરબજારોમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. યુએસ ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ બજારની અપેક્ષાઓ વધી છે.
પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને પણ અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે. આઈટી, ફાર્મા અને ટેક્સટાઈલ સેક્ટર અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે. આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનશે. આ સાથે, અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં FDIમાં ઘટાડો કરી શકે છે. જો કે, આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જે ભારત માટે ફાયદાકારક રહેશે. આવી સ્થિતિમાં સ્થાનિક માંગ, મોટી નિકાસ અને મજબૂત નાણાકીય સ્થિતિ ચોક્કસપણે ભારતને મંદીમાં જતાં અટકાવી શકે છે.