મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર અર્થે અમેરિકા જવાની શક્યતાએ જોર પકડ્યું છે, જેને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો છે. સંઘવીએ જણાવ્યું કે, સર્વ પ્રથમ તો આ વાત સંપૂર્ણ ખોટી છે. જે કોઈ લોકોએ આ વાત ફેલાવી છે તે તમામને નોટિસો મોકલવામાં આવી રહી છે. કોઈપણ આધાર-પુરાવા વગર માત્રને માત્ર વિપક્ષ અને માત્ર ને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ખુબ જ ગંભીરતા પૂર્વક હું કહું છું કે, આ બાબતે પગલા લેવામાં આવશે. બેજવાબદારી પૂર્વક માત્રને માત્ર વિપક્ષના ઈશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવી છે તે તમામ લોકોને નોટિસો મોકલવામાં આવી રહી છે. અને ખાસ કરીને કોઈના દીકરાને વચ્ચે રાખીને અફવા ફેલાવવામાં આવી રહી છે જે ખૂબ જ ગંભીર વાત છે. અફવા ફેલાવનાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.
PM મોદી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. ત્યારે ગુજરાત પ્રવાસે તેમણે કેટલી મહત્વની બેઠકો પણ કરી છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના દીકરાની સારવાર અર્થે અમેરિકા જવાની શક્યતાઓએ જોર પકડ્યું હતું. મુખ્યમંત્રીએ PM મોદી પાસેથી રજાની માંગણી કર્યાની અફવાઓ ચાલી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિકરાને એપ્રિલ 2023માં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેની સારવાર અર્થે મુખ્યમંત્રીને અમેરિકા જવુ પડે એમ હોવાનું તેમજ આગામી દોઢ સપ્તાહમાં એટલે કે 25 સપ્ટેમ્બર આસપાસ મુખ્યમંત્રી પટેલ પોતાના દીકરા સાથે અમેરિકા જવાની અફવા વિશે હર્ષ સંઘવીએ કહ્યું કે આ વાત તદ્દન ઉપજાવી કાઢેલ છે. અને આ માત્ર ને માત્ર વિપક્ષના ઈશારે કરવામાં આવી રહ્યું છે.