હમણાં જ મળી રહેલા તાજા સમાચાર મુજબ વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકાથી આ દેશના લોકો ધ્રુજી ઉઠ્યા હતા અને જીવ બચાવવા ઘની બહાર ભાગ્યા હતા. તાઈવાનમાં શુક્રવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના આંચકા બાદ લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ, તાઈવાનના પૂર્વી શહેર હુઆલીનના દરિયાકાંઠે શુક્રવારે સવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે, અત્યાર સુધી આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
કહેવામાં આવી રહ્યું છે કે 24 કલાકની અંદર બીજી વખત દેશમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર હુઆલીનથી 34 કિલોમીટર (21 માઇલ) દૂર 9.7 કિમીની ઊંડાઇએ હતું. આ ભૂકંપના આંચકા રાજધાની તાઈપેઈમાં પણ અનુભવાયા હતા, જ્યાં ઘણી ઈમારતો ધ્રૂજી ગઈ હતી. જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને પોતાના ઘર અને એપાર્ટમેન્ટમાંથી બહાર આવી ગયા હતા.
તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે મોડી રાત્રે તાઈવાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠે 5.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તમને જણાવી દઈએ કે તાઈવાનમાં આવા જ ભૂકંપ વારંવાર આવે છે. જેનું મુખ્ય કારણ બે ટેક્ટોનિક પ્લેટના જંક્શનની નજીકનું દેશનું સ્થાન છે. તાઈવાનમાં ઘણી વખત ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાય છે.