સ્વ.રાજીવ ગાંધીનો કાલે જન્મદિન : ભારતને આધુનિક- રાષ્ટ્ર બનાવવામાં રાજીવ ગાંધીનું યોગદાન અમૂલ્ય

Spread the love

રાજીવ ગાંધીના સમયકાળમાં ભારતે ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય કર્યો ત્યારે વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો, એ હકીકત છે

આર્ટિકલ : ડૉ.મનીષ દોશી

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય કન્વીનર અને પ્રવક્તા ડૉ .મનીષ દોશીએ સ્વર્ગીય રાજીવ ગાંધીના આવતીકાલે જન્મદિવસ નિમિત્તે સંસ્મરણોને યાદ કરતા એક આર્ટીકલમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને આત્મસાત્ કરનાર સ્વ. રાજીવ ગાંધીનો ૨૦ ઓગષ્ટ જન્મદિન છે. રાજીવ ગાંધી ઉમદા માનવીની સાથે-સાથે એક વિચારશીલ રાજનેતા તરીકે જાણીતા રહ્યા. રાજીવ ગાંધીના હૃદયનો ભાવ સદાય પવિત્ર રહ્યો, એવી જ પવિત્રતા એક વડાપ્રધાન તરીકે જાળવી રાખી. રાજીવ ગાંધીએ દેશ-દુનિયા જોઈ હતી, એટલે જ તેમને ખબર હતી કે આ સમય ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજીનો છે. આજે સૌ કોઈ મોબાઈલ ક્રાંતિ કે ડિઝિટલ ઈન્ડિયાની વાત કરે છે, તેના મૂળમાં ઇ.સ.૧૯૮૪માં રાજીવ ગાંધીએ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ(સી-ડોટ)ની સ્થાપના કરી હતી અને હા, સી-ડોટના માધ્મયથી ભારતમાં દૂરસંચાર ક્રાંતિના પાયો નંખાયો હતો.આજે એકવીસમી સદીના ત્રીજા દાયકામાં ભલે મેટાવર્સ કે એઆઈ ટેકનોલોજીની વાત થતી હોય. પરંતુ રાજીવ ગાંધીના સમયકાળમાં ભારતે ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય કર્યો, ત્યારે વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો, એ હકીકત છે. રાજીવ ગાંધીની ‘કરની અને કથની’ એકસમાન હતી, એ જ રાજીવ ગાંધીની લોકપ્રિયતાનું મૂળ કારણ હતું. રાજીવ ગાંધી સાયન્સ અને ટેકનોલોજીનો મહિમા સમજતા હતા, એટલે જ ભારતની યુવાપેઢીને ધ્યાનમાં રાખીને આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમના પથ પર ભારતને આગળ લઈ જવા માટે ઉત્સુક હતા. આજે ભલે સૌ કોઈના હાથમાં મોબાઈલ છે, પરંતુ રાજીવ ગાંધીના વડાપ્રધાન કાર્યકાળમાં ટેલીફોનથી વાત કરવી એ એક કલ્પના જ કહેવાતી, પરંતુ સેન્ટર ફોર ડેવલપમેન્ટચ ઓફ ટેલીમેટિક્સ(સી-ડોટ)ની સ્થાપના બાદ રાજીવ ગાંધીની સરકારે શહેરોથી ગામ ટેલીફોનના પીસીઓ બુથ શરુઆત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેના થકી દેશ-દુનિયામાં પોતાના સ્નેહીજનો અને પ્રિયજનો સંવાદ કરી શકતા હતા. ત્યારબાદ 1986માં રાજીવ ગાંધીની પહેલથી એમટીએનએલની સ્થાપના થઈ, જેના થકી દૂરસંચાર ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ થઈ. જો કે આજે એમટીએનએલ – બી.એસ.એન.એલ. વેચવાની સરકાર તૈયાર કરી રહી છે, એ જુદી વાત છે. રાજીવ ગાંધી સ્પષ્ટ માનતા કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની મદદ વિના દેશમાં ઉદ્યોગોનો વિકાસ થઈ શકશે નહીં. રૂઢીચુસ્ત માનસિકતાવાળા લોકો દ્વારા કોમ્પ્યુટરનો ખુબ વિરોધ હોવા છતાં રાજીવ ગાંધીની સરકારે ભારતમાં સુપર કોમ્પ્યુટર અને દરેક ઓફિસમા અને ઘેર-ઘેર પહોંચાડ્યા, એટલું જ નહીં ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ફેલાવમાં મહત્વની ભૂમિકા નિભાવી. ભારતમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવવાનો શ્રેય રાજીવ ગાંધીને જાય છે. જેમાં આજે ભારત સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે.

ભારતના પ્રથમ યુવા વડાપ્રધાન રાજીવ ગાંધી સત્ય, પ્રેમ, કરુણાના ચાહક અને નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા સાથે કામ કરતા હતા. રાજીવ ગાંધી – એક શક્તિ, એક વિચારધારા, એક દૃષ્ટિકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે.. રાજીવ ગાંધી વારંવાર કહેતાં કે ભારતની એકતાને કાયમ રાખવા એ જ મારો ઉદ્દેશ્ય છે. ‘એકવીસમી સદીના ભારતનું નિર્માણ’ કરવું એ તેમનું પ્રમુખ મિશન હતું તેમજ ભારતને હાઈ-ટેકનોલોજીથી પરિપૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય હતું. જે આજે સફળ થતું અનુભવી શકીએ છીએ.

રાજીવ ગાંધી સત્ય, પ્રેમ અને કરુણાના ચાહક રહ્યાં. તેમને જાહેર જીવનમાં માનવીય મૂલ્યોને જાળવી રાખ્યા અને ક્યારેય દેશની પ્રજાને ખોટા વચન આપ્યા નહીં, હંમેશા જનકલ્યાણને ધ્યાનમાં રાખી યોજનાઓ અને સંસ્થાઓનું નિર્માણ સાકાર પણ કર્યું, એટલે જ રાજીવ ગાંધીનું નામ આજે પણ લોકોના હૃદયમાં અંકિત થયેલું છે. વિશ્વમાં રાજીવ ગાંધીની એક એવા યુવા-રાજનેતા તરીકે ગણના થાય છે, જેમણે ૪૦ વર્ષની વયે દેશનું નેતૃત્વ કર્યું હોય. દેશમાં પેઢીગત પરિવર્તનના અગ્રદૂત રાજીવ ગાંધીને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જનાદેશ પ્રાપ્ત થયો. રાજીવ ગાંધી એવા રાજનીતિક પરિવાર સાથે સંબંધિત હતા, જેમની ચાર પેઢીઓએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતની સેવા કરી, તેમ છતાં રાજીવ ગાંધી રાજનીતિમાં પ્રવેશ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ નિયતિએ તેમને રાજનીતિમાં પ્રવેશ કરાવી જ દીધો.

૩૧ ઓક્ટોબર ૧૯૮૩ના રોજ તેમના માતાની ક્રૃર હત્યા થઈ, બાદમાં રાજીવ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળ્યું અને દેશના વડાપ્રધાનની જવાબદારી સ્વીકારી. નવેમ્બર ૧૯૮૨માં જ્યારે ભારતને એશિયન ગેઈમ્સનું યજમાન પદ મળ્યું, ત્યારે સ્ટેડિયમના નિર્માણ અને અન્ય બુનિયાદી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજીવ ગાંધીને સોંપવામાં આવી હતી, રાજીવ ગાંધીએ ક્ષમતા અને સમન્વયતાથી સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી અને ભારતની ક્ષમતાનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. રાજીવ ગાંધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં મહત્વપૂર્ણ સુધારાનો આરંભ કર્યો જેના કારણે આજે અમેરિકા ભારતનું મજબૂત રણનીતિક ભાગીદાર છે. આ સંબંધના બીજ રાજીવ ગાંધીએ રોપ્યા હતા.

રાજીવ ગાંધીની વડાપ્રધાન તરીકેની કરેલા કામનોના કેટલાંક અંશ અહીં ટાંકવામાં આવેલ છે. જેના કારણે ભારત દેશએ તમામ શ્રેત્રમાં હરણફાળ ભરી. રાજીવ ગાંધી ‘આધુનિક ભારતના નિર્માતા’ હતા, એમાં કોઈ બેમત નથી.

૧૮ વર્ષે આપ્યો મતાધિકાર – લોકશાહીનું નવસર્જન

દેશમાં પહેલાં મતદાન કરવાની વયમર્યાદા 21 વર્ષની હતી. રાજીવ ગાંધીની સરકારે 1989માં 61મા સુધારા થકી મત (વોટ) આપવાની વયમર્યાદા 21થી ઘટાડીને 18 વર્ષની કરી. આમ, રાજીવ ગાંધીએ દેશની યુવાનોને અમૂલ્ય અધિકાર આપ્યો.કોમ્પ્યુટર ક્રાંતિઃ છેવાડાના માનવી સુધી પહોચવા કોમ્યુનિકેશન ક્રાંતિ, મોબાઈલ ટેકનોલોજી અને કોમ્પ્યુટર ક્રાંતિ થકી ભારતને વિશ્વમાં અગ્ર હરોળમાં લાવીને મૂકી દીધું.પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયા નાખ્યોઃ રાજીવ ગાંધી માનતા કે પંચાયતી રાજવ્યવસ્થા મજબૂત થશે નહીં, ત્યાં સુધી લોકશાહીનો લાભ ગામડાંઓને મળશે નહીં. રાજીવ ગાંધીની સરકારે પંયાચતી રાજ-વ્યવસ્થાને સંપૂર્ણ ડ્રાફ્ટ તૈયાર કર્યો. આમ, દેશમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજવ્યવસ્થાનો પાયા નાખવાનો શ્રેય રાજીવ ગાંધીને જાય છે.

લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપી સુનિશ્ચિત કરી. જેના પરિણામે ભારત દેશમાં એક લાખ કરતા વધુ મહિલાઓ ગ્રામ્ય પંચાયતમાં સરપંચ તરીકેની જવાબદારી સંભાળી રહી છે.

નવી શિક્ષણ નીતિ

રાજીવ ગાંધીની સરકારે 1986માં નવી રાષ્ટ્રીય શિક્ષણનિતિમાં જાહેરાત કરી. આ અંતર્ગત દેશભરમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાનું આધુનિકીકરણ અને વિસ્તરણ થયું.તેમજ દેશમાં કોમ્પુટર શિક્ષણ શરુ કરવામાં આવ્યું. વિશ્વભરમાં ‘ડિસ્ટન્સ એન્ડ ઓપન એજ્યુકેશન’નો કન્સેપ્ટ પ્રચલિત હતો, ત્યારે રાજીવ ગાંધીએ અભ્યાસ કરવા ઈચ્છતાં ભારતના યુવાનોને ધ્યાનમાં રાખીને ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(ઈગ્નૂ)ની સ્થાપના કરી. આજે ઈગ્નુમાં લાખો વિદ્યાર્થીઓ ઘેર બેઠાં અભ્યાસ કરી રહ્યાં છે.

નવોદય વિદ્યાલયનું સર્જન

રાજીવ ગાંધીની સરકારે ગામડાં અને શહેરોના પ્રતિભાશાળી બાળકોને શ્રેષ્ઠત્તમ શિક્ષણ મળી રહે એ હેતુથી નવોદય વિદ્યાલયની સ્થાપના કરી, આ અંતર્ગત બાળકોને ધોરણ 6 થી 12 સુધી નિ-શુલ્ક શિક્ષણ અને હોસ્ટેલમાં રહેવાની સુવિધા મળે છે. આજે હજારો ગરીબ બાળકો આઈ.આઈ.ટી. સહિતની અનેક સંસ્થામાં ઉચ્ચતમ શિક્ષણ મેળવીને ભારત નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે.

રસીકરણ કાર્યક્રમ

કોરોના મહામારીનો કપરો કાળ આપણે સૌએ જોયો છે આજ પ્રકારની બીમારીઓ માટે દેશમાં ઓરી-અછબડા શીતળા,મેલેરિયા, હિપેટાઈટિસ-બી, પોલીયો, સહીતની રસી વિદેશથી માંગવવી પડતી હતી જે મોંઘી અને વિલંબથી ઉપલબ્ધ થતી હતી. રાજીવ ગાંધીજીએ દેશના વૈજ્ઞાનિકોને રૂબરૂ બોલાવી ઉત્પાદન અને સંશોધન માટે તમામ વ્યવસ્થાપનની શરૂઆત કરાવી જેના પરિણામે આજે દેશમાં રસી(વેક્સિન)ના ઉત્પાદન શ્રેત્રે ભારત આત્મનિર્ભર બન્યું સાથોસાથ રસીકરણ રાષ્ટ્રીય કાર્યકમની ઝુંબેશને પરિણામે ઓરી-અછબડા શીતળામાંથી મુક્તિ મળી અને દેશ “પોલીયો મુક્ત ભારત” બન્યું.ટૂંકમાં, એટલું જ કહેવું રહ્યું કે, ૧૯૮૭માં ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની દુરન્દેશી નીતિઓને ટેકનોલોજી મિશન દ્વારા સાર્વત્રિક રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી, તેલબીયા, શિક્ષણ, ટેલીકોમ્યુનિકેશનના પાયાગત, માળખાકીય સગવડ – સુવિધાઓ ઉભી કરી અને આધુનિક ભારતના નિર્માણ તરફ શ્રેષ્ઠ પગલા ભર્યા. જેના ફળ સ્વરૂપ આજે દેશના યુવાઓના હાથમાં મોબાઈલ અને મોબાઈલમાં ઈન્ટરનેટ છે જેના થકી વિશ્વ સાથે સીધો સંવાદ સ્થાપી શકાયો છે. ભારત એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બન્યું છે. રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા. ભારતરત્ન, યુવા વડાપ્રધાન રાજીવજીની જન્મજયંતી નિમિતે દેશના કરોડો યુવાનો- ભારતીયો તેમને શત શત નમન-વંદન કરે છે.  ભારતવર્ષના એક મહાન વડાપ્રધાન તરીકે સદાય રાજીવ ગાંધીની ઓળખ કાયમ રહેશે

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com