રાજકોટમાં દસ્તાવેજ નોંધણી કરવા પહોંચેલા વકીલોના ખાતામાંથી ધડાધડ રૂપિયા ઉપડી ગયા હતા જેથી દેકારો બોલી ગયો ગયો હતો. દસ્તવેજ રજીસ્ટરની પ્રક્રિયામાં સાક્ષી હાજર કરતી વખતે વકીલો પોતાનો અંગૂઠો બાયોમેટ્રિક મશીનથી આપે છે. આ અંગૂઠો આપ્યા બાદ 15થી 20 વકીલોના બેંક ખાતામાંથી રૂપિયા ઉપડ્યા હોવાની જાણવા મળે છે.
ગઈકાલે બનેલા બનાવના આજે ઘેરા પડઘા પડ્યા હતા, વકીલો જિલ્લાના મુખ્ય નોંધણી અધિકારી સમક્ષ દોડી ગયા હતા અને તુરંત યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઉપરાંત રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ મથકે પણ જાણ કરાઈ હતી. રજિસ્ટ્રેશનની સિસ્ટમ કોઈએ હેક કરી કે અન્ય કોઈ કારણ? તપાસનો ધમધમાટ ચાલુ કરાયો છે.
આ અંગે વકીલોના સુત્રોએ જણાવ્યું કે, ગઇકાલે દસ્તાવેજ નોંધણી કરાવવા માટે ટોકન મુજબ એક બાદ એક વકીલ અને પક્ષકારોને વારો લેવામાં આવી રહ્યો હતો. દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં સાક્ષી રજુ કરતી વખતે વકીલોને પણ પોતાનો અંગુઠો બાયોમેટ્રીક મશીનમાં આપવો પડતો હોય છે. ત્યારે ગત રોજ આ અંગુઠો આપ્યા બાદ 15 થી 20 વકીલોના બેંક એકાઉન્ટમાંથી ધડાધડ રૂપિયા ઉપડવા લાગતા અને ટ્રાન્જેકશન મેસેજ આવવા લાગ્યા હતા.
સાંજે વકીલોમાં આ વાત ફેલાઇ જતા ભોગ બનનાર વકીલોએ સિનિયર વકીલ આગેવાનોને વાત કરતા આજે બપોરે રેવન્યુ બારના આગેવાન વકીલો જિલ્લાના મુખ્ય નોંધણી અધિકારી એઆઇજીઆર ચરેલ રજુઆત કરવા દોડી ગયા હતા. રેવન્યુ બાર એસોે.ના પ્રમુખ રમેશભાઇ ટી. કથિરીયા, ભાજપ લીગલ સેલના સહસંયોજક સી.એચ.પટેલ, વકીલ આગેવાનો અને રેવન્યુ બારના એડવોકેટ વિજયભાઇ તોગડીયા, નિખિલ ઝાલાવડીયા, ધર્મેશ સખીયા, પિયુષ સખીયા, વિમલ ડાંગર, સુમિત વોરા, વિરેન વ્યાસ, રાકેશ કોઠીયા, મનોજ સોજીત્રા, ભાર્ગેશ ખુંટ, વિજય રામાણી, અશ્ર્વિન વડગામા, કરણ બોરીચા નરેશ પરસાણા, રીતેષ ટોપીયા, વિક્રમ ગોંડલીયા, રમેશ કાપડીયા, પરેશ પાદરીયા, ભાસ્કર જસાણી, અનિલ ડોબરીયા વગેરે દોડી ગયા હતા.
વકીલોએ આ મામલે તુરંત જ કાર્યવાહીની માંગ કરી હતી અને વકીલોને અંગુઠા ન આપવા પડે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજુઆત કરાઇ હતી. ઉપરાંત સાયબર ક્રાઇમ પોલીસમાં પણ રજુઆત કરાઇ છે. નોંધણીની સિસ્ટમથી આવું થયું છે કે અન્ય કોઇ કારણ છે ? તે જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. જાણવા મળ્યું છે કે કોઇ વકીલના ખાતામાંથી ર0 હજાર, કોઇમાંથી 10 હજાર એ રીતે રકમો ઉપડી છે.