કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ ભારતે કેનેડાથી આયાત થતી મસૂરની દાળની ખરીદી અટકાવી દીધી છે.ભારત મુખ્ય ખરીદાર હોવા સાથે દાળનું વેચાણ ઘટી જવાથી કેનેડામાં કઠોળના ભાવ ખુબ ઘટી ગયા છે જેના કારણે કેનેડાના ખેડૂતોના હાલ બેહાલ થઇ રહ્યા છે .
ખેડૂતોને પહેલા જેવા સારા ભાવ નથી મળી રહ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પોતાની સ્થિતિ બતાવવા માટે કેનેડા સાથેના વેપાર સંબંધોને મર્યાદિત કરી શકે છે. દરમિયાન, એવા સમાચાર છે કે દિલ્હી ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ કેનેડાથી કઠોળની આયાત પર પ્રતિબંધ મૂકવાની કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે.
CTIએ આ અંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને પત્ર પણ લખ્યો છે. પત્રમાં તેમણે કેન્દ્રીય મંત્રીને કેનેડા પર આર્થિક દબાણ બનાવવા માટે કઠોળની આયાત પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે. વાસ્તવમાં ભારતમાં 23 લાખ ટન દાળનો વપરાશ થાય છે. આ સામે અહીં માત્ર 16 લાખ ટન કઠોળનું ઉત્પાદન થાય છે. આવી સ્થિતિમાં માંગને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે વિદેશથી કઠોળની આયાત કરવી પડે છે.
ગયા વર્ષે, ભારત સરકારે કેનેડામાંથી 4.85 લાખ ટન કઠોળની આયાત કરી હતી, જેની કિંમત આશરે $370 મિલિયન હતી અને આ તેની કુલ કઠોળની આયાતના અડધા કરતાં વધુ હતી. આવી સ્થિતિમાં જો ભારત કેનેડામાંથી કઠોળની આયાત ઘટાડશે તો તેને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
ખેત ઉત્પાદનના વેપારી પેરિશ એન્ડ હેમ્બેકરના કેવિન પ્રાઇસ કહે છે કે ભારત કેનેડા સાથે મોટા પાયે કઠોળનો વેપાર કરે છે. આવી સ્થિતિમાં જો કઠોળની નિકાસને અસર થશે તો કેનેડાના વેપારીઓ માટે ચિંતાનો વિષય છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે જસ્ટિન ટ્રુડોના નિવેદનથી, કેનેડિયન સપ્લાય માટેની ભારતીય ઓફર 6% ઘટીને લગભગ $770 પ્રતિ મેટ્રિક ટન થઈ ગઈ છે.
મુખ્ય આયાતકાર ઓલમ એગ્રી ઈન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ અધિકારીઓ બંને દેશો વચ્ચેના તણાવને લઈને ચિંતિત છે. બંને દેશો વચ્ચેના વર્તમાન તણાવને કારણે જો સરકારો દ્વારા વેપાર પ્રતિબંધો લાદવામાં આવશે તો ઘણું નુકસાન થશે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે ભારત કઠોળની આયાતમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે. હવે તે કઠોળની આયાત માટે કોઈ એક દેશ પર વધુ પડતો નિર્ભર નથી. હવે તે વિવિધ દેશોમાંથી કઠોળની આયાત કરી રહ્યો છે.
ભારતે ઓસ્ટ્રેલિયાથી મસૂરની આયાત વધારીને લગભગ બે લાખ ટન કરી છે. દરમિયાન ભારતે પણ રશિયા પાસેથી કઠોળની આયાત શરૂ કરી દીધી છે. ઓગસ્ટમાં, રશિયન કઠોળનું એક કન્સાઈનમેન્ટ ચેન્નાઈ પોર્ટ પર ઉતર્યું હતું. જો ભારત કેનેડામાંથી મસૂરની આયાત કરવાનું બંધ કરે છે, તો તે કેનેડામાં ભાવમાં વધુ ઘટાડો કરી શકે છે અને કેનેડિયન ખેડૂતોએ ભારત સામે ટ્રુડોના બેદરકાર વલણની કિંમત ચૂકવવી પડશે.