દેશમાં ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટ તેમજ રમી-લુડો સહિતની ગેમો પર ઓનલાઈન જુગારનું ચલણ વધી રહ્યું છે. જેના કારણે યુવા પેઢી ઓનલાઈન જુગારના રવાડે ચડી બરબાદી તરફ ધકેલાઈ રહી હોવાની ગૃહ વિભાગ સમક્ષ ફરિયાદ થતાં આ મુદ્દે ગૃહ વિભાગે સીઆઈડી ક્રાઈમને તપાસના આદેશ આપ્યા છે. ગુજરાતના સેવાભાવી નાગરિક રાજન ઠક્કર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય અને ગૃહ વિભાગ સમક્ષ ગુજરાતમાં ધમધમતા ઓનલાઈનના જુગારના હાટડા બંધ કરાવવા રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ સમક્ષ મળેલ આ ફરિયાદનાં આધારે સીઆઈડી ક્રાઈમના વડાને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે ગૃહ વિભાગના સેકશન ઓફિસરને સીઆઈડી ક્રાઈમના વડાને લેખિતમાં જાણ કરી છે.
મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ સમક્ષ મળેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓનલાઈન સટ્ટા અને જુગારની એપ્લીકેશનો જેવી કે ડ્રીમ ઈલેવન, જંગલ રમી, માઈ લેવન સર્કલ, તિનપત્તિ, એમ.પી.એલ. જેવી ગેમ્સનાં રવાડે ચડી આજની યુવા પેઢી બરબાદી તરફ આગળ વધી રહી છે.
વધુમાં જણાવ્યા પ્રમાણે ઓનલાઈન જુગાર રમના કારણે યુવાનો અને વિદ્યાર્થીઓના કરોડો રૂપિયા જુગારમાં ગુમાવી રહ્યાં હોય જેના કારણે આવા યુવાનો છેલ્લે આત્મહત્યા કરી લેતા હોવાના કિસ્સા પણ વધી રહ્યાં છે. જે અટકાવવા માટે ઓનલાઈન જુગારને બંધ કરવાની માંગણી કરવામા આવી છે.