ગાંધીનગરનાં કુડાસણમાં શ્યામાપ્રસાદ મુખર્જીનગરમાં ટુ બીએચકે મકાન ભાડે આપવાના બહાને સરગાસણનાં ઈસમે 28 હજાર એડવાન્સમાં પડાવી લઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાન સાથે છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત એક યુવતીને પણ મકાન ભાડે આપવાના બહાને રૂપિયા 41 હજારથી વધુની છેતરપિંડી આચરી હતી. જેને પગલે સેક્ટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદના દેવગઢ બારીયાનો 22 વર્ષીય ધવલ ભૂપેન્દ્રસિંહ રાઠવા હાલમાં સેક્ટર – 7/ડી ખાતે પી.જીમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. આજથી આશરે ત્રણેક મહીના પહેલા ધવલ ગાંધીનગર આવ્યો હોવાથી ભાડાના મકાનની શોધમાં હતો. આથી ગત તા. 9 મી જુલાઈના રોજ તેના મિત્રએ સરગાસણનાં નીશીત વાઘેલા સાથે સંપર્ક કરાવ્યો હતો. જેણે કૂડાસણ ખાતે શ્યામાપ્રાસાદ મુખર્જીનગરમાં ટુ-બી.એચકે મકાન ધવલને બતાવી માસિક રૂ. 12,500 ભાડું, એક મહિનાનું એડવાન્સ ભાડું તેમજ એગ્રીમેન્ટ ખર્ચ મળી કુલ 28 હજાર એડવાન્સ માંગ્યા હતા. મકાન પસંદ આવી ગયું હોવાથી ધવલે વિશ્વાસ રાખીને નીશીતને ગૂગલ પેનાં માધ્યમથી રૂપિયા પણ આપી દીધા હતા એટલે નીશીતે 15 મી જુલાઈના રોજ મકાન ભાડે મળી જશે એવો વિશ્વાસ આપ્યો હતો, પરંતુ મકાન નહીં મળતા ધવલે ફોન કરતા તેણે બે દિવસનો વાયદો કર્યો હતો. પરંતુ અવારનવાર સંપર્ક કરવા છતાં આજદિન સુધી મકાન મળ્યું ન હતું. આથી ધવલે ગઈકાલે ફરીવાર ફોન કરતાં નીશીત કહેવા લાગેલો કે, તારા પૈસા નહી મળે જે થાય એ કરી લે.
આ સિવાય પણ તેણે રેશમીબેન આમિરને પણ મકાન ભાડે આપવાના બહાને રૂ. 41 હજાર 500 પડાવી લઈ છેતરપિંડી આચરી હોવાનું ધવલને જાણવા મળ્યું હતું. જેનાં પગલે ધવલની ફરીયાદના આધારે સેકટર – 7 પોલીસે મકાન ભાડે આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતાં નીશીત વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.