દેશભરમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ગરબાએ પરંપરાગત નૃત્યનો પ્રકાર છે. જેના માટે ગુજરાત વિશ્વભરમાં જાણીતું છે. ત્યારે હવે જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં ગરબા પ્રેમીઓએ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે.અમદાવાદના ગરબા પ્રેમીઓ વિવિધ ટ્રેડિશન ડ્રેસ તેમજ વાંજીત્રોની ખરીદી કરી રહ્યાં છે.
અમદાવાદ શહેરની બજારોમાં નવરાત્રીને લઈ રોનક છવાઈ છે. શહેરના ડબગરવાડમાં સંગીતના વિવિધ વાંજીત્રોની ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ ઉમટી છે. ઢોલ, નગારા, કેસીયો, ટિંબાલી સહિતના સાધનોની ખરીદી માટે ગ્રાહકો ઉમટ્યા છે. તો અવનવી રંગબેરંગી છત્રીઓની ખરીદી માટે ખૈલેયાઓની ભીડ જામી છે.
અમદાવાદમાં નવરાત્રિની ઉજવણીને લઈ ખેલૈયાઓ તૈયારી આરંભી દીધી છે. નવરાત્રિના કપડાને લઈ શહેરના કોટ વિસ્તારમાં ધૂમ ખરીદી ચાલી રહી છે. ચણિયાચોળી, કેડીયા, અલંકારો સહિતની વસ્તુઓ ખરીદવા ભીડ જામી છે. રાજ્યભરના લોકો નવરાત્રિને લઈ અમદાવાદમાં ખરીદી કરવા ઉમટ્યાં છે. જેને લઈ ભરતવાળી, કચ્છી, અને ડિઝાઈનર ચણિયાચોળીની બજારમાં માગ વધી છે.
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.