એક સમય એવો હતો, જેમાં ઘરના ઝગડા ઘરની ચાર દિવાલોની વચ્ચે રહેતા હતા. ઘરના મોભી કે સમાજના વડા પારિવારિક ઝગડાના ઉકેલ લાવતા હતા. આ રીતે ઘરની વાત ઘરમાં રહેતી હતી. પરંતું હવે મોટું પરિવર્તન આવ્યું છે, સમય બદલાયો છે. હવે પરિવારના ઝગડા કોર્ટ સુધી પહોંચી રહ્યાં છે. તેમાં પણ સુખી સંપન્ન પરિવારોના ઝગડા હવે કોર્ટમાં જઈ રહ્યાં છે.
ત્યારે આ કારણે ગુજરાતમાઁ ફેમિલી કોર્ટની સંખ્યા વધારવાની ફરજ પડી છે. ગુજરાતમાં 80 નવી ફેમિલી કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના માટે કાયદા વિભાગે જગ્યા ફાળવણી માટે લીલીઝંડી આપી દીધી છે.
ગુજરાતમાં હાલમાં ૩૨ ફેમિલી કોર્ટ કાર્યરત છે. જ્યાં પ્રત્યેક મહિને સરેરાશ બે હજારથી વધારે કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં તાલુકા સ્તરે પણ ઘરેલુ હિંસાના કેસ, છૂટાછેટાના પ્રશ્નો વધી રહ્યા છે. ત્યારે હવે જેટલી કોર્ટ છે તે આ પ્રકારના કેસના ભારણ માટે પૂરતી નથી. કેસનું ભારણ વધતા અને કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે નવી ફેમિલી કોર્ટ સ્થાપવાનું નક્કી કરાયું છે. ફેમિલી કોર્ટ ઉપર વધતુ ભારણ અને સમાજજીવનમાં સૌથી વધુ સંવેદનશીલ સ્થિતિના કાયદાકિય વિવાદોનો ઝડપી ઉકેલ આવે તેવા ઉદ્દેશ્યથી હાઈકોર્ટના પરામર્શમાં ગુજરાત સરકારે ત્વરિત અસરથી ૮૦ ફેમિલી કોર્ટ સ્થાપવા નિર્ણય કર્યાનું જાણવા મળ્યુ છે.
ગુજરાત સરકારના કાયદા વિભાગે એકસાથે 80 ફેમિલી કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે કાયદા વિભાગે 720 જગ્યાઓના મહેકમને મંજૂરી આપી છે. 28 ફેબ્રુઆરી, 2025 સુધી કોર્ટ શરૂ કરવાનું આયોજન કર્યું છે. 80 ફેમિલી કોર્ટ સ્થાપના માટે 80 જિલ્લા ન્યાયધીશ સાથે 80 રજિસ્ટ્રાર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, બેંચ અને સીનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ સહિત કુલ 720 જગ્યાઓ ભરવા માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં હાલમાં દરેક જિલ્લામાં ફેમિલી કોર્ટ કાર્યરત છે. પરંતુ, તે પૂરતી નથી. જે રીતે લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે, સામાજિક સ્થિતિ બદલાઈ રહી છે, તેમાં ઘરેલુ કંકાસ પણ વધી રહ્યાં છે. જેથી કોર્ટ પર વધતા કેસના ભારણને કારણે સરકારને આવા નિર્ણયની ફરજ પડી રહ્યાનું જાણવા મળ્યુ છે.