14 વર્ષ પહેલાં સુરત રેલ્વે પોલીસમાં નોંધાયેલા ગુનામાં જામીન મુક્તિ બાદ આરોપીએ બે સહ આરોપીઓને જામીનમુક્ત કરાવવા ખોટી એફીડેવિટ રજુ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવવાનો પ્રયાસ કરનાર આરોપીને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ(મ્યુનિસિપલ) અક્ષયકુમાર એસ. જાનીએ દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.
આજથી 14 વર્ષ પહેલાં વર્ષ- 2010 માં સુરત રેલ્વે પોલીસમાં નોંધાયેલા ગુનામાં આરોપી જગદીશ ધર્માજી બગાડા (રે.રામનગર , કોસાડ)ની પોલીસે ગઈ તા.21-3-2010ના રોજ રજાના દિવસે અરજન્ટ ચાર્જમાં રજુ કરીને તે જ દિવસે ઈન્ચાર્જ કોર્ટે આરોપીને રૃ.2 હજારના શરતી જામીન પર મુક્ત કર્યો હતો. ત્યારબાદ સુરત રેલ્વે પોલીસે તા.31-5-2010ના રોજ આ ગુનાના સહ આરોપી નિરુ બગાડા તથા મુકેશ દાયમાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા. જે દરમિયાન જામીન મુક્ત આરોપી જગદીશ બગાડાએ પોતે જાતે જ આ ગુનામાં આરોપી હોવા છતાં સહઆરોપીઓ નિરુ બગાડા તથા મુકેશ દાયમાના જામીનદાર તરીકે ખોટી એફીડેવિટ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આરોપી જગદીશ બગાડા વિરુધ્ધ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ(રેલ્વે)ના ફરિયાદી સુપ્રિન્ટેન્ડન્ટ અલય કે.શાહે ઈપીકો-199 સાથે વાંચતા કલમ-193ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં જુન-2017માં આરોપી વિરુધ્ધ પ્રોસેસ કાઢવા હુકમ કરીને ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે દરમિયાન સરકારપક્ષે એપીપી રાજેશ એસ.મોઢે આરોપી જગદીશ બગાડા વિરુધ્ધ ફરિયાદીની જુબાની સહિત અન્ય દસ્તાવેજી પુરાવા રજુ કરી ફરિયાદપક્ષનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો. ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ પોતે આ કેસમાં આરોપી હોવા છતાં સહ આરોપીઓને જામીન પર મુક્ત કરાવવા કોર્ટ સમક્ષ એફીડેવિટ કરી હતી. જે મુજબ કોઈ કેસમાં પોતે આરોપી છે કે કેમ ? જેની કોલમમાં તેણે ના જી લખીને કોર્ટને ગેરમાર્ગે દોરવીને સહઆરોપીઓને ખોટી રીતે જામીન મુક્ત કરાવી ગંભીર ગુનો કર્યો છે. આરોપીએ જ્યુડીશ્યલ પ્રોસિડીંગ્સમાં ખોટી હકીકતો જાહેર કરી હોઈ આરોપીને સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સજા અને દંડ કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપી જગદીશને ઈપીકો-199 સાથે વાંચતા કલમ-193ના ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.