ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીસીઆર વાન-7ના પોલીસ કોન્સ્ટેબલ જયદીપ આચાર્ય અને હોમગાર્ડ કિરણ પરમાર તેમજ તેમના સાથી ભૂષણ પાટીલ સામે રૂ.3500ની રકમની લાંચના કેસમાં ગુનો નોંધ્યો છે.રવિવારે રાત્રે વસ્ત્રાપુર ફાયર સ્ટેશનની સામે જ એક કારે ફરિયાદીના વાહનને ટક્કર મારી હતી. ત્યાર બાદ પીસીઆર વાન-7 આવી પહોંચી હતી અને આરોપી પોલીસ જયદીપ અને કિરણે વિવાદનો ઉકેલ લાવી દીધો હતો.ફરિયાદીને પતાવટમાં રૂ. 9500 મળ્યા હતા.
બાદમાં આરોપી કોન્સ્ટેબલ જયદીપ અને હોમગાર્ડ કિરણે અનુક્રમે ફરિયાદીને ફોન કરી લાંચ પેટે રૂ.3500ની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન આરોપી કિરણ પરમારે લાંચના પૈસા ચાંદખેડાની પટેલ કાર એસેસરીની દુકાને મૂકી દેવા ફરિયાદીને સૂચના આપી હતી. જોકે એસીબીના અધિકારીઓએ લાંચના પૈસા સ્વીકારતા સાથી ભૂષણને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી હોમગાર્ડ કિરણને પણ પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે કોન્સ્ટેબલ જયદીપ આચાર્ય ફરાર છે.