સિવિલ હોસ્પિટલના ઇન્ડોર અને ઓપીડીના દર્દીઓના દરરોજના 3000 લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવે છે. તેમાં દર્દીઓના રૂટિન લેબોરેટરી રિપોર્ટ 4થી 6 કલાકમાં મળી જાય તે માટે લેબોરેટરી ઇન્ફોરમેશન સિસ્ટમ શરૂ કરી છે. જેમાં દર્દીના કેસ પેપરના આધારે કોમ્પ્યુટર એન્ટ્રીથી તૈયાર થયેલા બારકોડને લેબોરેટરીના સેમ્પલની ટ્યુબ ઉપર લગાવાશે. સેમ્પલ ટ્યુબને લેબમાં મોકલતા બારકોડ સ્કેન કરીને સેમ્પલ રન થતાં જ દર્દીનો રિપોર્ટ તૈયાર થઇ જશે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી
સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓછી
તકલીફમાં લેબોરેટરી રિપોર્ટથી લઇને સારવાર તેમજ નિદાન
ઝડપી મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલના અધિક્ષક
ડો.નિયતી લાખાણીએ અભિયાન હાથ ધર્યું છે. જેના
ભાગરૂપે ઓપીડી અને ઇન્ડોર સારવાર લેતા દર્દીઓને
લેબોરેટરી રિપોર્ટ કરાવતી વખતે લેબ સેમ્પલ ટ્યુબ ઉપર
દર્દીનું નામ લખવાથી લઇને તમામ મેન્યુઅલ કામગીરી
પાછળ ત્રણેક કલાક જેટલો સમય થતો હતો. આથી આ
સમય ઘટાડવા માટે લેબોરેટરી ઇન્ફોરમેશન સિસ્ટમ શરૂ
કરી છે. એલઆઇએસ સિસ્ટમ અંગે સિવિલ અધિક્ષકે
જણાવ્યું છે કે ઓપીડી કે ઇન્ડોર સારવાર લેતા દર્દીઓને
મેડિસીન, ગાયનેક, પિડિયાટ્રીક, ડેન્ટલ, ઇએનટી, સ્ક્રીન,
આઇ, સર્જરી સહિતના વિભાગમાંથી જરૂરી તેવા પેથોલોજી,
માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી લેબોરેટરી ટેસ્ટ કરાવાય છે.
દરરોજના 2500થી 3000 જેટલા લેબોરેટરી ટેસ્ટ ત્રણેય
લેબમાં કરવામાં આવે છે. આથી મેન્યુઅલ કામગીરીથી દર્દીને
બીજા દિવસે રિપોર્ટ હાથમાં આવતો હતો. આથી રિપોર્ટના
આધારે જરૂરી નિદાન અને સારવાર માટે દર્દીને બીજા દિવસે
હોસ્પિટલમાં આવવું પડતું હતું.
પરંતુ એલઆઇએસ સિસ્ટમથી દર્દીને રૂટિન લેબોરેટરી રિપોર્ટ 4થી 6 કલાકમાં મળી જશે. આથી સવારે આવેલો દર્દી રિપોર્ટના આધારે સાંજે ઓપીડીમાં જરૂરી નિદાન અને સારવાર કરાવીને ઘરે જઇ શકશે. આથી દર્દીને બીજા દિવસે ઓપીડીમાં આવવું પડશે નહી. જોકે સાંજની ઓપીડીમાં આવેલા દર્દીને બીજા દિવસે આવવું પડશે. દર્દીના કેસના આધારે એન્ટ્રી કરતા તૈયાર થયેલા બારકોડને લેબના સેમ્પલ ટ્યુબ ઉપર લગાવાશે. લેબમાં ટ્યુબના બારકોડને સ્કેન કરીને તેનું સેમ્પલ મશીનમાં રન કરાશે. સેમ્પલનો રિપોર્ટ ઓટોમેટીક કોમ્પ્યુટરમાં આવી જશે. જ્યાં લેબોરેટરીના નિષ્ણાંત તબિબો અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર માટે મોકલી આપશે.
કોઇ દર્દીનો રિપોર્ટ ગંભીર આવે તો તેવા સેમ્પલની સ્લાઇડ બનાવીને માઇક્રોસ્કોપની મદદથી લેબોરેટરીના નિષ્ણાંત તબિબો અભ્યાસ કરીને તેનું તારણ રિપોર્ટમાં લખ્યા બાદ જ રિપોર્ટ કોપી માટે મોકલી આપવામાં આવશે. આથી દર્દીને સેમ્પલ જે માળે આપે છે તેજ માળેથી રિપોર્ટ પણ દર્દીને મળી જશે. જોકે આ કામગીરી રાઉન્ડ ધ ક્લોક પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયો કેમેસ્ટ્રી લેબમાં ચાલુ રહેશે.
દર્દીઓને લેબોરેટરી રિપોર્ટ ઝડપી મળી રહે તે માટે લેબોરેટરી ઇન્ફોરમેશન સિસ્ટમ શરૂ કરી છે. જોકે રિપોર્ટની કોપી આપવા માટે સ્ટેશનરીનો બચાવ થાય તે માટે આગામી સમયમાં દર્દીના મોબાઇલમાં રિપોર્ટ મોકલી આપવાની સુવિધા શરૂ કરાશે. આથી દર્દીને ઘરે બેઠા પણ રિપોર્ટ મળી જશે અને તેના આધારે દર્દીને લેબોરેટરીના રિપોર્ટ લેવાનો સમય બચવાથી ઝડપી સારવાર મળી શકશે.
હોસ્પિટલમાં લાગુ કરાયેલી લેબોરેટરી ઇન્ફોરમેશન સિસ્ટમથી લેબોરેટરીના રૂટિન રિપોર્ટ 4થી 6 કલાકમાં મળી જશે. પરંતુ સ્પેશ્યિલ રિપોર્ટ થાઇરોઇડ, વિટામીન બી-12, વિટામીન ડી-3, કલ્ચર કે બાયોપ્સિ સહિતના રિપોર્ટ તૈયાર કરવામાં જ સમય લાગતો હોવાથી તેના માટે નિયત કરેલા સમય લાગશે.