અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સૂચવેલા કામોમાં ફેરફાર કરી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે. આ અંગે સામાન્ય સભામાં મંજૂરી મેળવી લીધી હોવાનો સમિતીના સદસ્યોએ દાવો કર્યો છે.કારોબારી સમિતીના ચેરમેન માટે એક ચેમ્બર હોવા છતાં નવી ચેમ્બર માટે લાખોનો ખર્ચ કરવાનો કારોબારી સમિતીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
કારોબારી ચેરમેનની ચેમ્બરનું કામ પણ શરુ થઇ ગયું છે. ડીડીઓ તેમજ પ્રમુખ સહિતના પદાધિકારીઓ નાની મિટીંગો માટે હોલનો ઉપયોગ કરતાં હતાં, તેના બે ભાગ કરીને બહુમત ધરાવતા સત્તાપક્ષના સદસ્યએ નવી ચેમ્બર પાછળ લાખોનો ખર્ચ કરતાં ભાજપના જ સભ્યોમાં નારાજગી જોવા મળી છે.
ભાજપના કેટલાક સદસ્યાઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સામાન્ય સભામાં જુવાલ રૂપાવટી ગામે રસ્તાના કામમાં, સાલજડા ગામે રસ્તાના કામમાં, બદરખા ગામે ગટર લાઇના કામ અને રસ્તાના કામમાં ફેરફાર કરીને જુવાલ રૂપાવટીગામે અને સાલજડા ગામે હાઇમસ્ટ ટાવરનું કામ, સરોડાગામે રસ્તાના કામ અને આંબલીયારાગામે સર્વે નં.131 સરકારી પડતર જમીનમાં ફેસીંગ માટેની કુલ 20 લાખની રકમ ફાળવી દેવાઇ છે. કેટલાક સદસ્યો દ્વારા કામો સૂચવવામાં આવ્યા છે. સામાન્ય સભામાં મળેલી સત્તાના આધારે કારોબારી સમિતીએ 15માં નાણાપંચની ગ્રાન્ટની 20 લાખની રકમના કામોમાં ફેરફાર કર્યો હોવાનું મનાય છે. તેને મંજૂરી પણ આપી છે. કેટલાક સદસ્યોએ રોષ ઠાલવ્યો હતો કે, ચેમ્બરો પાછળ ખર્ચ કરવાનો કોઇ અર્થ નથી. કારણ કે જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં ભાડે આપેલી બે સિવાયની 13 દુકાનોનો કબજો મળી ગયો છે. હવે બે દુકાનનો પણ કબજો ટુંક સમયમાં મળી જશે. ભોંયતળીયે આવેલી દુકાનો મોટી હોવાથી ચુંટાયેલી પાંખની ચેરમેનોની ઓફીસ ભોંયતળીયે બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. ત્યારે હાલ નવી ચેમ્બર બનાવવાનો ખર્ચ ખોટો કરાઇ રહ્યો છે.પ્રજાના પૈસા વેડફવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખને વિશ્વાસમાં રાખીને નિર્ણય લેવાયો છેકે, તેને લઇને પણ ચર્ચાએ વેગ પકડયો છે. ચેમ્બરમાં બેસવા માટે નવી 40 ખુરશીઓ ખરીદાશે. જુની ખુરશીઓ હોવા છતાં નવી ખુરશીઓ ખરીદવાનું ગણીત સદસ્યોના મગજમાં બેસતું નથી. જિલ્લામાં ચુંટાયેલા સદસ્યો પોત પોતાના સ્વાર્થ પ્રમાણે નિર્ણય કરે છે. પ્રજા હિતની વાતો જાહેરમાં કરે છે.
પરંતુ જિલ્લા વહીવટમાં પ્રજા હિતના કામો જોવા મળતાં નથી. નવી ચેમ્બર સામે ડીડીઓએ પણ ચુપકિદી સેવી છે. જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓને બજેટમાં કરાયેલા સુધારા મુજબ સભ્ય ફીની રુપિયા ત્રણ લાખ અને વાર્ષિક અનુદાની કુલ રૂ. 2,10,000 ચૂકવી આપવાનો પણ નિર્ણય કરાયો છે.
દેત્રોજના રામપુરામાં હવે પીવાના પાણી માટેના બોરના કામને મંજૂરી અપાઇ છે. આખો ઉનાળો જતો રહ્યો ત્યાં સુધી સદસ્યોએ કોઇ રસ લીધો નથી. જિલ્લા પંચાયત વિપક્ષે કહ્યું કે, સત્તાપક્ષને પ્રજાના કામોમાં રસ નથી. રોડ અને પેવરના કામો ભલામણ હોય તો જ કરાય છે. આ કામમાં મોપાપાયે ગેરરીતિ ચાલી રહી હોવા છતાં રાજકીય પીઠબળ ધરાવતા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓ કાંઇ જ કહી શકતા નથી.