ગાંધીનગરમાં મુસાફરોને બેસાડીને કિંમતી સર સામના ચોરી લેતી રીક્ષા ગેંગનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. અમદાવાદ મિત્રને મળવા જવા માટે નીકળેલા નિવૃત ડેપ્યુટી મામલતદાર ઘ – 1 થી શટલ રીક્ષામાં બેઠા હતા. દરમ્યાન કુડાસણ બસ સ્ટેન્ડ રોડ પર રીક્ષામાં પેસેન્જરનાં સ્વાંગમાં બેઠેલા ઈસમોએ ભીડ પડતી હોવાનું કહી નિવૃત ડેપ્યુટી મામલતદારને આઘા પાછા કરાવી નજર ચૂકવી ગળામાંથી 64 હજારનો સોનાનો દોરો સેરવી લેતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી કિંમતી સર સામના ચોરી લઈ રફુચક્કર થઈ જતી રીક્ષા ગેંગનો દિન પ્રતિદિન ત્રાસ વધી ગયો છે. આ વખતે રીક્ષા ગેંગનો ભોગ નિવૃતિ ડેપ્યુટી મામલતદાર બન્યા છે. સેકટર – 2/ડી સ્વામિનારાયણ મંદિરની સામે પ્લોટ નંબર – 1717/2 માં પરિવાર સાથે રહેતા 69 વર્ષીય નિવૃત ડેપ્યુટી મામલતદાર અશ્વિનભાઈ ચિમનલાલ ભાવસાર ગઈકાલે બપોરના સમયે અમદાવાદ સુરક્ષા બ્રિજ મિત્રને મળવા માટે ઘરેથી નિકળ્યા હતા.
બાદમાં તેઓ ઘ – 1 આવીને ઉભા હતા. એ વખતે અશ્વિનભાઈ સુભાષબ્રિજ જવા માટે એક શટલ રિક્ષા આવતાં તેમાં બેસી ગયા હતા. ત્યારે રિક્ષામાં પાછળની સીટમાં અગાઉથી બે ઈસમો બેઠેલા હતા. અને આગળ ડ્રાયવરની સાથે અન્ય એક ઈસમ પણ બેસેલ હતો. જે અશ્વિનભાઈનાં બેઠા પછી પાછલી સીટમાં જઈને બેસી ગયો હતો. અને ડ્રાઇવરે રીક્ષા હંકારી મુકી હતી.
દરમ્યાન પાછલી સીટમાં બેસેલા ત્રણેય ઈસમોએ ખેલ શરૂ કરી ભીડ પડી રહી હોવાનું કહી અશ્વિનભાઈને આગળ ઊંચા થઈ બેસવા આઘા પાછા થવાનું કહ્યું હતું. જેથી અશ્વિનભાઈ થોડા આઘા પાછા થયા હતા. ત્યારે કુડાસણ બસ સ્ટેન્ડ આવતાં જ ડ્રાઇવરે રીક્ષા રોકી દીધી હતી. અને પાછળ બેઠેલ પેસેન્જરને ઉતારી આવવાનું કહી અશ્વિનભાઈને નીચે ઉતારી દીધા હતા અને ડ્રાઈવર સહિત ચાર જણાંની ગેંગ રિક્ષામાં રફુચક્કર થઈ ગઈ હતી. આ દરમ્યાન રીક્ષા પરત આવવાની રાહ જોઈને ઉભેલા અશ્વિનભાઈએ ગળામાં હાથ ફેરવતાં માલુમ પડયું હતું કે, બે તોલાની સોનાની ચેઇન સેરવી લઈ રીક્ષા ગેંગ ફરાર થઈ ગઈ છે. જેનાં પગલે તેમણે પોતાના દિકરાને સમગ્ર ઘટના અંગે જાણ કરી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.