ગાંધીનગરના સુઘડ ગામના રહીશ દ્વારા રૂ. 1.40 લાખમાં ઓલા કંપનીનું ઈ બાઈક ખરીદવામાં આવ્યું હતું. જો કે માત્ર દસ મહિનામાં ઈ બાઈક સંપુર્ણ બંધ થઇ જતાં બેટરીની વોરન્ટી હોવા છતા સર્વિસ દરમિયાન તેમની પાસેથી બેટરી બદલવાના પૈસાની માંગણી કરાઈ હતી. જે મામલે કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ પહોંચતા બંને પક્ષકારોની દલીલોનાં અંતે કોર્ટે ઓલા કંપનીને ગ્રાહકના ડીપ ડિસ્ચાર્જ થયેલા ઇ-બાઇકમાં નવી બેટરી વિનામુલ્યે રિપ્લેસ કરી આપવા આદેશ કર્યો છે.
ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા હર્ષિકેશ કેતનભાઇ પતાણીએ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ઓલા ઈલેક્ટ્રીક ટેકનોલોજી પ્રા. લીમીટેડ અને તેનો ચાંદખેડામાં શો-રૂમ ધરાવતા શોએબ પઠાણ અને પ્રસાંત મેવાડ સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશનરમાં ફરિયાદ કરી હતી. જે મુજબ 2જી સપ્ટેમ્બર 2023 માં રૂ. 1.40 લાખમાં ઓલા કંપનીનુ ઈ-બાઈક ખરીદ કર્યુ હતું. જે બાઇક માત્ર દસ મહિનામાં જ ડીપ ડિસ્ચાર્જ થઈ જતા સંપુર્ણ બંધ થઈ ગયુ હતું.
સેલ્સમેને ખરીદી સમયે ડીપ ડિસ્ચાર્જ મામલે જે તે સમયે કોઈ જ મૌખિક કે લેખિત માહિતી આપી નહતી. કંપની વેબસાઈટમાં પણ આ ખામીનો કોઈ જ ઉલ્લેખ નથી. હર્ષિકેશને કંપનીએ આપેલા યુઝર મેન્યુઅલમાં પણ ડીપ ડિસ્ચાર્જ મામલે કોઇ જ ઉલ્લેખ કરાયો નહતો. કંપનીએ ગ્રાહકને ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતથી આકર્ષિત કરી સ્કુટર અંગે વિગતવાર માહિતી પુરી નહી પાડી વિશ્વાસનો ભંગ કર્યો છે.
આ ઉપરાંત બેટરીની આઠ વર્ષની વોરંટી હોવા છતા બેટરી રીપ્લેસમેન્ટ પેટે ફરીયાદી પાસેથી 56 હજાર 269 રૂપિયાની માંગણી કરી છે. આ કેસ ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી.ટી.સોની અને સભ્ય એસ.આર. પંડ્યાની સમક્ષ ચાલી ગયો હતો. બચાવપક્ષના વિકલે દલીલ કરી હતીકે, ગ્રાહકે ખરીદી બાદ વાહન ઓપરેટ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે. આ એપમાં યુઝર મેન્યુએલ મળે છે. તેમાં વાહનના તમામ એસ્પેક્ટ અને મેઈન્ટેનન્સ વિશે માહિતી ઉપલબ્ધ છે.
ગ્રાહકને ખરીદીના સ્ટેજ સમયે જ માહિતી આપવામાં આવી હતી. સ્કુટરના ડોક્યુમેન્ટેશન અને ઈસ્ટ્રક્શન ઓફ યુઝ જોવાની સમજવાની જવાબદારી ગ્રાહકની રહે છે.એપ પર ઉપલબ્ધ યુઝર મેન્યુઅલમાં સ્પષ્ટ જણાયુ છે કે, વાહન સતત લાંબા સમય સુધી લો બેટરી લેવલ પર ચલાવવાથી તે બેટરીને પ્રભાવિત કરી શકે છે.ફરિયાદીએ આ સુચનાનું પાલન નહી કરવાના કારણે ડીપ ડિસ્ચાર્જ થયેલ છે અને બેટરી સંપુર્ણ ડેમેજ થઇ છે. તેઓએ આ મામલે ફરિયાદ રદ્દ કરવા દલીલ કરી હતી.
બંને પક્ષની દલીલ બાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશને નોંધ્યુ હતુ કે, ગ્રાહકને ખરીદી સમયે જે યુઝર મેન્યુઅલ અપાયુ હતું. તેમાં ડીપ ડિસ્ચાર્જનો ઉલ્લેખ નથી. વિસ્તૃત વિગતવાર માહિતી આપવી તે કંપનીની નૈતિક અને કાયદાકિય જવાબદારી છે. આ ઉપરાંત બેટરીની 96 માસની વોરંટી છે. વોરંટી દરમિયાન યોગ્ય સર્વિસ મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. કંપની તે આપવા બંધાયેલી છે. વિનામુલ્યે બેટરી બદલવાનો ઈન્કાર કરવો તે સેવાકીય ખામી દર્શાવે છે. કંપની તરફથી ડીપ ડિસ્ચાર્જ અંગે ગ્રાહકને માહિતગાર કર્યા સબંધે કોઇ પુરાવા રેકર્ડ પર રજુ કર્યા નથી. જેથી આ કેસમાં કમિશને સામાવાળાને જવાબદાર ઠેરવી ફરિયાદીની ફરિયાદ મંજુર કરી સામાવાળાઓને ગ્રાહકના વાહનમાં વિનામુલ્યે નવી અસલી બેટરી રિપ્લેસ કરવા આદેશ કર્યો છે.