જેલમાં બંધ BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આજે બેઠક યોજાઈ હતી. બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેપસ હિંમતનગર ખાતે ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ‘વી સપોર્ટ BZ ના બેનર જોવા મળ્યા હતા. બેઠકમાં બીઝેડ ગ્રુપમાં રોકાણ કરનાર રોકાણકારો અને સમર્થકો હાજર રહ્યા હતા. સમર્થકો અમારી સાથે કોઈ છેતરપીંડી થઈ નથી’, ભુપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવાના અને ‘બીઝેડ ગ્રુપએ અમારો વિશ્વાસઘાત કર્યો નથી જેવા પ્લેકાર્ડ પણ જોવા મળ્યા હતા.
BZ ગ્રુપ કૌભાંડ શું છે? ગુજરાતમાં BZ ગ્રુપ કૌભાંડ એક મોટું નાણાકીય કૌભાંડ છે જેમાં BZ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને BZ ગ્રુપ નામની કંપનીઓએ લોકોને બેંકો કરતાં વધુ વ્યાજ (લગભગ 7% માસિક અથવા 84% વાર્ષિક) અને ઊંચું રિટર્ન આપવાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે BZ ગ્રુપનો CEO હતો. આ કંપનીએ એક પોન્ઝી સ્કીમ ચલાવી, જેમાં નવા રોકાણકારોના પૈસામાંથી જૂના રોકાણકારોને વ્યાજ ચૂકવવામાં આવતું હતું.
શરૂઆતમાં આ કૌભાંડનું કદ 6000 કરોડ રૂપિયાનું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ CID ક્રાઇમે જણાવ્યું કે ખરેખર આ રકમ લગભગ 172 કરોડ રૂપિયાની છે. આ રકમ 11,232 રોકાણકારો પાસેથી એક્ત્ર કરવામાં આવી હતી.
BZ ગ્રુપે ગુજરાત અને રાજસ્થાનમાં 17 શાખાઓ ખોલી હતી જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રણાસણ, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર (રાજસ્થાન), અને રાજુલા (અમરેલી) નો સમાવેશ થાય છે. આ શાખાઓ દ્વારા 3,000થી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું.
એક કેસમાં જામીન મળ્યા, CIDએ કરેલા કેસમાં જેલમાં બંધ….
BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા પર 3 કેસ નોંધાયેલ છે જેમાં 2 કેસ રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા અને એક કેસ CIDએ નોંધ્યો છે. રોકાણકારો દ્વારા કરાયેલ 2 કેસ પૈકી એક કેસમાં ભુપેન્દ્રસિંહ ઝાલાને નિયમિત જામીન મળ્યા છે જયારે અન્ય કેસમાં અરજી પછી ખેંચાઈ હોવાની માહિતી સામે આવી છે. જો કે ભુપેન્દ્રસિંહ ઝાલા પર CID દ્વારા કરવામાં આવેલ કેસ યથાવત છે જેના કારણે તે જેલમાં બંધ છે.
આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹4 કરોડથી વધુ ઉઘરાવ્યા જે વિષે ની ઘટના વિષે જણાવીએ, BZ ગ્રુપમાં આરોપી એજન્ટ મયુર દરજીને લઈને CID ક્રાઈમે જણાવ્યું હતું કે મુખ્ય એજન્ટ મયુર દરજીનાં SBI એકાઉન્ટમાં 20 લાખ 4 હજાર BZની માલપુર બ્રાન્ચમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેના બીજા SBI એકાઉન્ટમાં 60 હજાર રૂપિયા BZનાં એકાઉન્ટમાં ગયા હતા. મયુર દરજીની માતા મીનાબેનના BOB એકાઉન્ટમાં 9 લાખની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી આવી છે. આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી ₹.29.64 લાખથી વધુની હેરફેર થઇ છે. સર્ચ દરમિયાન આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹.4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોય તેવા રેકોર્ડ પોલીસને હાથ લાગ્યો છે. અન્ય પરિજનોનાં કહેવાથી ₹.9.90 લાખની પણ ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી છે. જુદા જુદા 3 ચેક મારફતે 29.60 લાખ રૂપિયાની ઉપાડ પણ CID ક્રાઈમની તપાસમાં સામે આવી છે. મયુર દરજીના એકાઉન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી 59 લાખ 24 હજાર રૂપિયાની હેરફેર મળી આવી છે.
BZના નામે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદેલી પ્રોપર્ટી વિષે જણાવીએ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZના નામે મોડાસા શહેરમાં 10 વીઘા જમીન મોડાસાના સાકરિયા ગામમાં 10 વીઘા જમીન લિભોઇ ગામ પાસે 3 વીઘા જમીન માણસામાં 3 પ્લોટનું ફાર્મ હાઉસ હિંમતનગરના રાયગઢમાં 5 દુકાનનું એક કોમ્પલેક્સ હિંમતનગરના અડપોદરા ગામમાં 5 વીઘા જમીન હડિયોલ ગામમાં 10 દુકાન ગ્રોમોર કેમ્પસ પાછળ 4 વીઘા જમીન તલોદના રણાસણ ગામમાં 4 દુકાન મોડાસા ચોકડી પર 1 દુકાન, માલપુરમાં 1 દુકાનનો સમાવેશ થાય છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટો ખુલાસો થયો જેમાં, BZ પોન્ઝી સ્કીમ મામલે તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની FX ટ્રેડિંગ નામની કંપનીમાં કામ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ટ્રેડિંગ અને માર્કેટિંગની સ્કિલ શીખ્યો હતો. આ પહેલા M WAY નામની કંપનીમાં એજન્ટ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા કામ કરતો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સૌથી પહેલા YFI (Yearn Finance) કોઈનમાં રૂપિયા 10 કરોડ રોકાણ કર્યું હતું. જેમાં તેણે રોકાણ સામે 18 કરોડ મેળવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધી 422 કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવ્યા હતા. હજુ પણ 172 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની 17 શાખાઓ છે જેમાં, આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઇલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે, તેમજ પુછપરછ દરમ્યાન BZ FINANCIAL SERVICES ની કુલ- 17 શાખાઓ જેમાં (૧) પ્રાંતિજ શાખા (૨) હિંમતનગર શાખા (૩) વિજાપુર શાખા (૪) પાલનપુર શાખા (૫) રાયગઢ શાખા (૬) ભીલોડા શાખા (૭) ખેડબ્રહ્મા શાખા (૮) ગાંધીનગર (૯) રણાસણ શાખા (૧૦) મોડાસા શાખા (૧૧) માલપુર શાખા (૧૨) લુણાવાડા શાખા (૧૩) ગોધરા શાખા (૧૪) બાયડ શાખા (૧૫) વડોદરા શાખા (૧૬) ડુંગરપુર (રાજસ્થાન) (૧૭) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી. આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેહી કરોડો રૂપિયા ઉઘરાવી લીધેલ હોવાની માહિતી મળી આવી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાયસન્સ….
ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા CIDએ કોર્ટમાં જણાવ્યું હતું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથી. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
આ એજન્ટોને BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. 7 થી 18% વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.
CID ક્રાઇમની તપાસમાં થયા મોટા ખુલાસા
1) ભૂપેન્દ્રસિંહ ઝાલાની વેબસાઇટમાં રોકાણકારોની એન્ટ્રી મુજબ 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ 422.96 કરોડ મહિને 3% વ્યાજ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપવાનું વચન આપી 11232 રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં આવ્યા હતા.
2) CIDએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા બાકી આપવાના નીકળ્યા છે.તો આ નાણા ક્યા વાપરવામાં આવ્યા તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવાની બાકી છે.
3) ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને આકર્ષવા માટે BZ સ્કિમમાં એજન્ટોની કમિશન પર નિમણૂક કરી હતી. જો કોઇ એજન્ટ BZમાં રોકાણ કરાવે છે તો તેને 0.5% થી 1 ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું આ એજન્ટોને પાંચ અલગ અલગ લેવલે સેટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ હરોળના એજન્ટો કરોડો રૂપિયાનું રોકાણ લાવી આપતા હતા.
4) એજન્ટો અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલુ રોકાણની નોંધ એક લેપટોપમાં રાખવામાં આવતી હતી. આ લેપટોપ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો મહત્ત્વનો પુરાવો હોઇ આ લેપટોપ કબ્જે કરવા માટે CID ક્રાઇમ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરી હતી.
5) રોકાણકારોને 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાવીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.CIDની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, BZ ગ્રુપ દ્વારા 12518 સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા. વેબસાઇટમાં કૂલ 11232 રોકાણકારોની જ એન્ટ્રી છે પરંતુ 1286 જેટલા રોકાણકારોની એન્ટ્રી CID ક્રાઇમને મળી નથી અને તેની નોંધ પણ ક્યાય કરવામાં આવી > નથી.એગ્રીમેન્ટમાં લગાડેલા તમામ સ્ટેમ્પ ધી મોડાસા નાગરિક સહકારી બેંક લીમીટેડ અને સર્વોદય સહકારી નાગરિક બેંક મોડાસામાંથી મેળવ્યા હતા
6) ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ સ્ક્રીમમાં 230 જેટલા રોકાણકારોએ 25 લાખથી લઇને 4 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે. જોકે, CID ક્રાઇમના હાથે આ રોકાણકારોમાંથી મોટાભાગના રોકાણકારોના ટ્રાન્જેક્શન હાથ લાગ્યા નથી.CIDને શંકા છે કે આ 230 રોકાણકારોના વ્યવહારો કેશ એટલે કે બ્લેકમાં થયા હોઇ શકે છે.
7) CIDની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ સ્કીમના એજન્ટો અને ઊંચા રોકાણકારોને આઇફોન અને સ્માર્ટવોચ ગિફ્ટ કરી હતી. તપાસમાં CIDને 40 જેટલા ફોનની વિગતો બિલ સહિત મળી આવી છે.
8) BZ સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણ માટે રોકાણકારો પાસે એક ફોર્મ ભરાવવામાં આવતું હતું જેમાં રોકાણકારોની તમામ વિગતો દર્શાવવામાં આવતી હતી. જોકે, હજુ સુધી CID ક્રાઇમને આ મામલે કોઇ માહિતી મળી નથી જેને લઇને આવનાર સમયમાં મોટો ખુલાસો થઇ શકે છે.
સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓના ખાતામાં લાખોનું ટ્રાન્જેક્શન
BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા અને સામાન્ય પગાર ધરાવતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ અને પૂછપરછ કરતા ચોકાવનારી વિગતો સામે આવી છે. વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી હતી.
1) રાહુલ રાઠોડ… જેનો દર મહિને 10 હજાર રૂપિયા પગાર હતો. તેના બેંક ખાતામાં અત્યાર સુધી 10,91,472 અને રોકડ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી આવી છે.
2) વિશાલ ઝાલા… જેનો 12 હજાર 500 રૂપિયા પગાર હતો. વિશાલના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ વ્યવહાર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે.
3) રણવીર ચૌહાણ… જેમનો 12 હજાર રૂપિયા પગાર હતો. છેલ્લા 4 મહિનાથી તે કંપનીમાં જોડાયેલો છે. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 લાખનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.
4) સંજય પરમાર… જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરે છે. સંજયના બેંકમાં 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે.
5) દિલીપ સોલંકી… જેનો 10 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરે છે. દિલીપ સોલંકીના ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ વ્યવહાર મળી આવી છે.
6) આશિક ભરથરી… જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે સફાઈનું કામ કરે છે. આશિક ભરથરીના બેંકમાં 8400 અને 44,98,000 રોકડ વ્યવહાર અને 8,04,620 આંગડિયાની વ્યવહાર મળી આવી છે