રાજ્યમાં જયારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે ત્યારે નવા રાજકીય પક્ષની જાહેરાત થતી હોય છે. જોકે શંકરસિંહ વાઘેલા એ થોડા સમય પહેલા ગુજરાતમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત કરી હતી. જોકે હવે ગુજરાતમાં વધુ એક રાજકીય પાર્ટીની આગામી 1 મહિનામાં જાહેરાત થવા જઈ રહી છે. જે અંગે સામાજિક આગેવાને જાહેરાત કરતા કહ્યું હતું કે થોડા સમયમાં સમગ્ર રાજ્યનું સંગઠન જાહેર થશે.
ઋષીભારતી બાપુના નિવેદન બાદ કોળી સમાજની તૈયારી
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસ અગાઉ સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન ઋષીભારતી બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ગુજરાતમાં સૌથી વધુ ટેક્સ ભરનારો સમાજ કોળી સમાજ છે. જોકે તેમને વાત વાતમાં એવું પણ કહ્યું હતું કે કોળી સમાજનો એક રાજકીય પક્ષ હોવો જોઈએ જેથી અન્યાય સામે લડવું અને એ પક્ષ થકી ગુજરાતમાં કોળી સમાજનું વર્ચસ્વ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવે. જોકે તેમના નિવેદન બાદ કોળી સમાજના આગેવાનો આ અંગે સહમત થયા હતા અને અલગ અલગ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓ આ પક્ષ સાથે જોડાશે તેવી અટકળો વહેતી થઇ છે.
કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે કર્યું આહવાન
કોળી સમાજ હવે આગામી સમયમાં ગુજરાતમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી રાજકારણમાં જંપ લાવશે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોળી ઠાકોર સમાજના નવા રાજકીય પક્ષના નામની જાહેરાત પણ ગુજરાત કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર કરશે. આગામી દોઢ મહિનાની અંદર જ કોળી સમાજ અને ઠાકોર સમાજનું એક પોતાની પાર્ટીનું નામ જાહેર થવા જઈ રહ્યું છે જેને લઈને જયેશ ઠાકોરે સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ કરીને પોતાની વાત મૂકી હતી.
તાલુકા અને જીલ્લા લેવલના સંગઠન સાથે નવો પક્ષ આવશે !
કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આગામી દોઢ મહિનામાં કોળી અને ઠાકોર સમાજની એક રાજકીય પાર્ટીની શરૂઆત થશે જોકે આ પહેલા સમાજના આગેવાનોને પહેલ કરતા કહ્યું કે તાલુકા અને જિલ્લાના તમામ કમિટી મેમ્બરો દ્વારા કોળી અને ઠાકોર સમાજના જે જે લોકો સમાજના સંગઠન સાથે નથી જોડાઈ શક્યા તેમને એક કરવા માટેની પહેલ કરી છે. જોકે તમામ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 1 મહિનાની અંદર કોળી અને ઠાકોર સમાજની કમિટી નક્કી કરશે કે કોળી અને ઠાકોર સમાજની રાજકીય પાર્ટીનું નામ શું રાખવું અને તે નામ આગામી દોઢ મહિના બાદ જાહેર કરવામાં આવશે.