60 વર્ષના વૃદ્ધોની સંખ્યા 15 કરોડને પાર

Spread the love

 

ભારતમાં પ્રજનન દર ઓછો થઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે

 

ભારત ભલે હાલમાં યુવાનોનો દેશ ગણાતો પણ ટૂંક સમયમાં જ ભારત કેટલાક જાણીતા દેશોની જેમ ઘરડાઓ અને વૃદ્ધોના દેશ તરીકે પણ જાણીતો થવાનો છે. માત્ર બે દાયકા બાદ ભારતમાં વૃદ્ધોની વસતી મોટા પ્રમાણમાં જોવા મળશે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં હાલમાં કુલ વસતીમાંથી 15 કરોડ લોકો 60 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના છે. આગામી સમયમાં આ આંકડો વધતો જશે.

વર્ષ 2050માં ભારતની વસતીમાંથી 21 ટકા લોકો એટલે કે અંદાજે 35 કરોડ લોકો વૃદ્ધો હશે. ભારતમાં પ્રજનન દર ઓછો થઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. દેશમાં વધતી વૃદ્ધોની સંખ્યા ભારતના વિકાસ અને અર્થતંત્ર ઉપર મોટાપાયે નકારાત્મક અસર ઊભી કરે છે. સૂત્રોના મતે આ જે સ્થિતિ ઊભી થઈ છે તે ભારતને વિકસિત દેશ બનવાની દિશામાં અવરોધ ઊભો કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતનો તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસ ઉજવાયો છે. 75 વર્ષના આ સમયચક્રમાં ખૂબ જ મોટા ફેરફાર આવ્યા છે. તે સમયે દેશની જે વસતી હતી તેના કરતાં અત્યારે તોતિંગ વસતી થઈ ગઈ છે. આ ઉપરાંત એ વખતે ભારતમાં લાઇફ એક્સપેક્ટન્સી એટલે કે સરેરાશ આયુષ્ય જે 41.2 વર્ષ હતું તે હવે 72 વર્ષ સુધી પહોંચી ગયું છે. આ આંકડો કોઈપણ સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિના સરેરાશ આયુષ્યના આંકડાને દર્શાવે છે. ભારત જેવા અધધ વસતી ધરાવતા દેશ માટે આમ તો આ આંકડો એક સિદ્ધિ સમાન છે. 1.40 અબજ લોકોની વસતી ધરાવતા દેશમાં સરેરાશ આયુષ્ય વૈશ્વિક સરેરાશ કરતાં માત્ર 1 જ વર્ષ ઓછું હોય તે મોટી બાબત છે.

હાલમાં ભારતની વસતીમાંથી અડધી વસતી 29 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની છે. એટલે કે અંદાજ 70 કરોડ લોકો યુવાન છે તેમ કહી શકાય. આ મોટી સંખ્યા જ ભારતના આર્થિક વિકાસને વેગ આપી રહી છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લાં અઢી દાયકામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ જીડીપીની વૃદ્ધિ વાર્ષિક 0.7 ટકાના સરેરાશથી થઈ છે. તેમાં હવે પરિવર્તન આવ્યું છે. ભારતમાં પહેલા વખત વૃદ્ધોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. હાલમાં ભારતમાં 15 કરોડ વૃદ્ધો છે જે અઢી દાયકા બાદ 35 કરોડની આસપાસ પહોંચી જશે. વૃદ્ધોની સંખ્યા અમેરિકાની હાલની વસતી કરતાં પણ વધારે હશે. તેના કારણે જ ભારતીય અર્થતંત્રની રફતાર ઘટવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

જાણકારોના મતે દેશની વસતીની સીધી અસર લોકોના લાભ અને તેમના યોગદાન ઉપર થાય છે. હાલમાં દેશમાં જે રીતે વસતી વધી રહી છે તથા વૃદ્ધોની સંખ્યા વધી રહી છે તે પ્રમાણે આગામી ક્વાર્ટરમાં જનભાગીદારી ઓછી થઈ જવાની છે. તેનાથી જીડીપીના વિકાસમાં માત્ર 0.2 ટકા જ લાભ થવાનો છે. આર્થિક જાણકારોના મતે હાલમાં ભારતમાં એક જ પેઢી વધી છે જે દેશને સમૃદ્ધ બનાવવા તરફ આગળ લઈ જઈ શકે છે. ત્યારબાદ દેશની વસતી એ સ્થિતિમાં આવશે કે જીડીપીની જનભાગીદારી ખૂબ જ ઓછી થઈ જશે. તેનું એક પરિણામ એવું પણ આવશે કે ભારત વિકસિત દેશ થતાં પહેલાં જ વૃદ્ધોનો દેશ થઈ જશે. ભારત વિકસિત દેશ થવાના લક્ષ્યથી ઘણો દૂર થઈ જશે. દેશમાં નિવૃત્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતનો પ્રજનન દર પણ ઘટી રહ્યો છે. આ દર ઘટીને 2.0 થવાની આરે છે. હાલમાં અંદાજે 1 વૃદ્ધ વ્યક્તિએ 10 યુવાન લોકો છે પણ આગામી સમયમાં તેમાં ઘટાડો થશે. આ આંકડો ઘટીને સાત કે આઠ આવી જશે. આગામી અઢી દાયકામાં યુરોપની જેમ જ ભારતમાં વૃદ્ધોની વસતી એકાએક વધી જવાની શક્યતા છે.

દેશમાં હાલમાં વૃદ્ધોની દેખરેખ અને સારસંભાળ માટે પૂરતી સંખ્યામાં પુખ્ત અને યુવાનો છે. આગામી સમયમાં તેમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે. કામ કરનારા અને આર્થિક જવાબદારી ઉપાડનારા લોકોની સંખ્યા ઓછી થશે તેના કારણે આવક અને બચતમાં પણ ઘટાડો થશે. તેના પગલે ભારતીય વૃદ્ધોને આર્થિક તંગી તથા એકલતાનો પણ અનુભવ કરવાનો વારો આવી શકે છે. સ્વાસ્થ્ય સેવાઓ ઉપર મોટો બોજ ઊભો થઈ શકે છે. વ્યક્તિગત અને સરકારી ધોરણે આવકનો એક મોટો ભાગ વૃદ્ધોની દેખરેખ અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચાતો હોવાથી યુવા પેઢીની બચત ઘટી જશે. જાણકારો તો એવું પણ માને છે કે, મહિલાઓ કે જેમનું સરેરાશ આયુષ્ય પુરુષો કરતાં વધારે છે. તેમને વધારે પીડા સહન કરવાની આવી શકે છે. સરકાર પાસે વૃદ્ધો માટે વિવિધ સરકારી યોજનાઓ છે અને કદાચ આવશે પણ તેમાંથી બધી જ યોજના લાગુ થાય તેવી હશે નહીં કે દરેકને લાભ મળશે નહીં.

દેશમાં વૃદ્ધોની સંખ્યા વધવાના કારણે હૉસ્પિટલો, સ્વાસ્થ્ય સેવાઓ, દવાઓ અને સારવાર તથા સંભાળ રાખનારા લોકોની સેવાઓની વધારે જરૂર ઊભી થશે. પરિવારોને વૃદ્ધોની સારસંભાળ માટે વધારે ખર્ચ કરવો પડશે તો તેમની બચત ઘટશે અથવા તો ઘરના લોકોએ સમય કાઢવો પડશે તો આવક ઘટશે. કોઈપણ રીતે સમય અને ધન મુદ્દે સમાધાન કરવાનું આવશે. યુવાનો આવક અને કામ માટે વિદેશો તરફ દોટ મૂકશે તો ભારતીય સમાજ વ્યવસ્થાને વધારે ડેમેજ થશે. તે ઉપરાંત આર્થિક મોરચે પણ સંકટ આવશે. ખાસ કરીને વૃદ્ધોની સંખ્યા વધશે તો વર્ક ફોર્સમાં ઘટાડો થશે. તેના કારણે ઉત્પાદકતા ઓછી થઈ જશે. પેન્શન, સ્વાસ્થ્ય સુવિધાઓ, સામાજિક સુરક્ષા જેવા મુદ્દે સરકારનો પણ ખર્ચ વધશે. યુવાનો નવા વિચારો અને ટૅક્નોલૉજી ઉપર કામ કરતાં હોય છે તેમાં પણ ઘટાડો જોવા મળશે. કામ કરનારા લોકોની સંખ્યા ઘટશે તો ઇન્કમ ટેક્સ અને અન્ય ટેક્સની આવકો પણ ઘટી જશે જેની અસર સરકારી તિજોરી ઉપર પણ દેખાશે. રાજકીય રીતે પણ દેશનો બોજ વધી જાય તેમ છે. વૃદ્ધોની વસતી વધે તો વિચારધારામાં પણ તફાવત જોવા મળે અને નવી નીતિઓ અને સુધારા પ્રત્યે ઉદાસિનતા જોવા મળે. યુવાનોની સંખ્યા ઘટે તો રોજગારના અવસરો પણ ઘટી જાય અને એકંદર પ્રજામાં અસંતોષ વધે જે રાજકીય રીતે પણ મુશ્કેલ સ્થિતિ છે.

દેશમાં વૃદ્ધોની વધતી સંખ્યાના કારણે જે સ્થિતિ ઊભી થવાની છે તેના નિકાલ માટે અત્યારથી જ પ્રયાસ કરવા પડે તેમ છે. સૌથી પહેલાં તો વિદેશથી લોકો પાછા આવે અથવા તો વિદેશીઓ ભારતમાં કામ કરવા અને રોકાણ કરવા વધારે આકર્ષાય તેવા પગલાં ભરવા પડે. તે ઉપરાંત આર્થિક અને સ્વાસ્થ્ય સ્થિતિઓને મજબૂત અને લોન્ગટર્મ કરવી પડે જેનાથી વૃદ્ધોની સારસંભાળ સરળ અને સસ્તી થઈ શકે. વર્તમાન સમયમાં યુવાનોની સંખ્યા વધારે છે ત્યારે જ એઆઈ અને ઓટોમેશન જેવી ટૅક્નોલૉજીના વિકાસ અને વપરાશમાં તબક્કાવાર વધારો કરવો જોઈએ. તેના દ્વારા ભવિષ્યમાં વર્કફોર્સની અછતને ખાળી શકાશે. તે ઉપરાંત જન્મદરમાં જે ઘટાડો થયો છે તેને પણ વધારવા માટે કામ કરવું પડશે. સરકારે તેના માટે પણ આર્થિક સહાય, સ્વાસ્થ્ય સહાય અને પ્રોત્સાહન સ્કીમ બહાર પાડવી પડશે. તેના દ્વારા વસતી વધશે અને યુવા પેઢી તૈયાર થશે.

 

 

આ દેશોમાં વૃદ્ધઓની સંખ્યા વધી ગઈ છે

જાપાન : જાપાનની સ્થિતિ એવી છે કે, ત્યાં હાલમાં 30 ટકાથી વધારે વસતી વૃદ્ધ લોકોની છે. તેમની સરેરાશ ઉંમર 65 વર્ષ કે તેનાથી વધારે છે. અહીંયા વૃદ્ધોની વસતી વધતાં વર્કફોર્સની મોટી અછત ઊભી થઈ છે. પેન્શન અને સ્વાસ્થ્ય સેવાઓ ઉપર વધારે ભારણ અને દબાણ આવ્યું છે. વસતીમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. સૂત્રોના મતે જાપાનની વર્તમાન સ્થિતિ પ્રમાણે તેની હાલની જે 13 કરોડ વસતી છે તે અઢી દાયકા પછી ઘટીને 8.5 કરોડ થઈ જશે. જાપાને આ સ્થિતિનો સામનો કરવા અને વર્કફોર્સ માટે એઆઈ અને રોબોટ્સના ઉપયોગ ઉપર ભાર મૂક્યો છે. તેઓ વિદેશીઓને આકર્ષવા ઉપર પણ ભાર મૂકી રહ્યા છે અને નીતિઓ બનાવી રહ્યા છે.

ઈટાલી : વૃદ્ધોની વસતી વધવામાં તો ઈટાલીનું પણ નામ આવે છે. હાલમાં તેની વસતીમાં પણ 24 ટકા લોકો વૃદ્ધ છે. અહીંયા જન્મદર ખૂબ જ ઓછો છે. તેમાંય યુવાનો વિદેશ પલાયન કરી રહ્યા છે તેના કારણે મંદીની સ્થિતિ છે. આ ઉપરાંત સામાજિક સુરક્ષા ઉપર પણ દબાણ આવ્યું છે. ફ્રાન્સ, સ્પેન અને કેનેડામાં પણ આવી જ સ્થિતિ છે. તેના કારણે સરકાર દ્વારા વિદેશીઓને વધારેમાં વધારે આવકારવામાં આવી રહ્યા છે. 

જર્મની : જર્મનીમાં કુશળ શ્રમિકોની સંખ્યામાં ઘટાડો થયો છે કારણ કે અહીંયા વૃદ્ધોની વસતી 22 ટકા થઈ ગઈ છે. પેન્શન સિસ્ટમ ઉપર મોટો બોજ પડી રહ્યો છે. તેના કારણે આર્થિક વિકાસ ઉપર પણ નકારાત્મક અસરો થઈ રહી છે. જર્મનીએ તેના કારણે જ ભારત, તુર્કી, પોલેન્ડ જેવા દેશોમાંથી શ્રમિકો અને બુદ્ધિધનને ખેંચવા માટે પ્રયાસ આદર્યા છે. આ ઉપરાંત ડિજિટલ ક્રાંતિ અને ઓટોમેશન સેક્ટરમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે.

સાઉથ કોરિયા : અહીંયા પણ દેશની 20 ટકા વસતી વૃદ્ધ થઈ ગઈ છે. અહીંયા દુનિયાનો સૌથી ઓછો જન્મ દર છે. અહીંયા પ્રતિ મહિલા જન્મદર 0.72 છે. તેના કારણે જ નવી જનરેશન ઘટી રહી છે અને વર્ક ફોર્સમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. તેમાંય યુવાનો લગ્ન નથી કરી રહ્યા અને પરિવાર વધારવામાં પણ તેમને રસ નથી. સરકાર દ્વારા આર્થિક મદદ આપીને યુવાનોને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત વિદેશીઓને પણ સ્થાયી થવા ઓફર અપાઈ રહી છે.

ચીન : ચીનમાં વૃદ્ધોની સંખ્યા અધધ છે. તેમાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા ખૂબ જ છે. ચીન દ્વારા દાયકાઓ સુધી એક જ બાળકની નીતિ અપનાવવામાં આવી હતી તેના કાણે વૃદ્ધોની સંખ્યા વધી છે. અહીંયા વર્ક ફોર્સ ઘટી રહી છે તેના કારણે આર્થિક વિકાસમાં પણ મુશ્કેલી આવી રહી છે. દેશમાં મંદીનો માહોલ સર્જાયો છે. વૃદ્ધોની સંખ્યા વધી છે તેથી તેમની સારસંભાળ પાછળ ખર્ચો વધ્યો છે. જન્મદર વધારવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હવે તો સરકાર પોતાના કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર પણ વધરવા માટે વિચારણા કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com