સૌ કોઈ નાગરિકો અને યુવાનો ખાદી પ્રત્યે પ્રેરાય એ ઉદ્દેશી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત ખાદી ભવનમાંથી ખાદીની ખરીદી કરી
અમદાવાદ
અમદાવાદ ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે આવેલા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ સંચાલિત ખાદી ભવનના નવ નિર્મિત ભવનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ અવસરે સૌ કોઈ નાગરિકો અને યુવાનો ખાદી પ્રત્યે પ્રેરાય એ ઉદ્દેશી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત ખાદી ભવનમાંથી ખાદીની ખરીદી પણ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, આ ખાદી ભવન ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ખાદી ભવનનું સૌપ્રથમ ઉદ્ઘાટન તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના હસ્તે ૬ માર્ચ ૧૯૬૫માં કરવામાં આવ્યું હતું. આ ખાદી ભવનને રીનોવેશનની જરૂરિયાત હોવાથી આ ખાદી ભવનને વર્તમાન જરૂરિયાત મુજબ નવનિર્મિત કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, એલિસબ્રીજના ધારાસભ્ય શ્રી અમિત શાહ તેમજ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના મંત્રી પરાગ ત્રિવેદી, પ્રમુખ હિંમતભાઈ ગોડા, ઉપપ્રમુખ વલ્લભભાઈ લખાણી ઉપસ્થિત રહ્યા હતા.