સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર
ગાંધીનગર
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક શાળામાં ૧૭માં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કુલ ૧૦૬ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મહાન વિચારક બર્કેનું કથન ટાંકતાં મંત્રીએ કહ્યું કે, શિક્ષણ રાષ્ટ્રનું સૌથી મોટું સંરક્ષણ છે. શિક્ષણની ગુણવત્તા વધુ સુદ્રઢ બનાવી શિક્ષણનું સ્તર ઉચ્ચસ્તરે લઇ જઇ રાજ્યના તમામ વિદ્યાર્થીઓને શિક્ષિત કરી તેમને રાષ્ટ્ર વિકાસના કાર્યમાં જોડવા રાજ્ય સરકાર કટ્ટીબદ્ધ છે. શિક્ષણના આ પવિત્ર કાર્ય સાથે જોડાયેલા રાજ્યના તમામ શિક્ષકોને વંદન કરી આ કાર્યમાં તેમને શ્રેષ્ઠ પ્રદાન આપવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.આજે રાજ્યમાં ધોરણ ૧ થી ૮ માં કન્યાનો ડ્રોપ આઉટ રેશિયો ૨૨.૮૦ ટકાથી ઘટીને ૩.૪૬ ટકા સુધી લઈ જવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
શાળાના બાળકોએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા.
૧૦૦ ટકા નામાંકનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વર્ષ ૨૦૧૯-૨૦થી શિક્ષણ વિભાગની UDISE (યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન) આધારિત ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગના જન્મ નોંધણીના ડેટાને પણ એકીકૃત કરવામાં આવ્યો છે. શિક્ષણ કાર્યમાં શિક્ષકો બેદરકારી દાખવે નહીં તથા વિદ્યાર્થીઓ દરરોજ હાજર રહે તે માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી લેવામાં આવે છે.
મંત્રીએ કહ્યું કે, અનુસૂચિત જાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા બિન અનામત વર્ગના આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં સહાયભૂત થવા માટે અનેક યોજનાઓ કાર્યરત છે. જેમાં ચાલુ વર્ષે શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ. ૭૩૦ કરોડ ૩ લાખ અને વિકસતી જાતિ કલ્યાણની રૂ. ૧,૨૭૩ કરોડ ૩૫ લાખ મળી કુલ રૂા. ૨૦૦૩ કરોડ ૩૮ લાખ જેટલી માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની ૨૦ હજાર અને વિકસતી જાતિની અંદાજે ૧ લાખ ૫૦ હજાર કન્યાઓને વિના મુલ્યે સાયકલ આપવામાં
આવે છે.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યો, શિક્ષકો, જિલ્લા-તાલુકા શિક્ષણાધિકારીશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રીઓ ગામના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શ્રુંખલાના પ્રારંભ કરતા જણાવ્યું હતુ કે, રાજ્યમાં 32,013 શાળાઓમાં ત્રિ દિવસીય કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના મહાયજ્ઞમાં અધિકારીઓ, પદાધિકારીઓ સમાજના આગેવાનો બાળકો સાથે જોડાયા છે. રાજ્યમાં “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકોના મોનીટરીંગની વ્યવસ્થાની પહેલ ગુજરાતે કરી છે.
રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે. ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે સમાજનો બાળક મુખ્ય પ્રવાહમાં આવ્યો છે. શિક્ષણથી સમાજમાં આમુલ પરીવર્તન લાવવાનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ તેમ જણાવી સમાજના છેવાડાના માનવીમાં શિક્ષણ માટે વાતાવરણ ઉભુ થયું છે .
શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું છે. શિક્ષણમાં જાગૃતિને ભગીરથ કાર્યની અવિરત યાત્રા શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનશે. શિક્ષણ નિતિ ને પગલે ઉત્તમથી સર્વોત્તમ શિક્ષણનો માર્ગ ગુજરાતે અપનાવ્યો છે. રાજ્ય સરકારે વિધાર્થીઓના ઇનોવેશન, આઇડીયાને પ્રોત્સાહન મળે તે માટે રૂ.500 કરોડની જોગવાઇ કરી દેશમાં ગુજરાતે આગેવાની લીધી છે.
સત્તા અને પદ રાજ્યની સેવા માટે છે. સરકારે ગામડામાં પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ મળે તે માટે વિશેષ ચિંતા કરી છે. સુજલામ સુફલામ યોજનાથી ખેતર નવપલ્લિત થયા છે જેનાથી ગ્રામીણ રોજગારીનું સર્જન થયું છે. ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકારે કામ કર્યું છે. ચાર હજાર કરોડની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી 1000 દિવસ પોષણક્ષમ આહાર આપી સુપોષિત માતાનું લક્ષ્ય સાકાર થઇ રહ્યું છે. રાજ્યના નાગરિકોને આરોગ્યની સલામતી માટે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના એ આજે નવી સિદ્ધિ હાંસલ કરી છે.
સ્કુલ ઓફ એક્સલન્સથી ૨૦ હજાર શાળાઓનું અપગ્રેડેશન ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે.આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારીત નિપુણ ભારતના અભિયાનની પહેલ માટે બાળકોમાં સારા સ્વાસ્થ અને સુખાકારી નિર્માણ માટે અપીલ કરી હતી. શાળામાં ધોરણ 3 થી 8 સુધી પ્રથમ, દ્રિતીય અને તૃતીય આવનાર બાળકોનુ સન્માન કરાયું હતું. શાળામાં સો ટકા હાજરી આપનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા.
મંત્રી સહિત મહાનુભાવો દ્વારા આ ત્રણેય ગામના બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. મંત્રીએ બાળકો સાથે વાતો કરી શાળામાં પ્રવેશતા નાના ભૂલકાઓને મંત્રીએ તેડીને શાળામાં પ્રવેશ અપાયો હતો.વિધાર્થીઓ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, બેટી બચાઓ સહિતના વિષયો પર વક્તૃત્વ રજુ કરાયું હતું. આ પ્રસંગે આસજોલ ગામે પાંચ ઓરડાઓના નવીન મકાનનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત રાતેજ ગામમાં પણ સાત નવીન ઓરડાના નવીન મકાનનું લોકાર્પણ કરાયું હતું. મંત્રી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વગૃહમંત્રી રજનીકાન્ત પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશ પટેલ, અગ્રણી ભગાજી ઠાકોર, બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખ સોનલબહેન પટેલ, અગ્રણી કેશુભાઇ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, મયુરભાઇ પટેલ, ઉધોગ સેલના મહેન્દ્રભાઇ પટેલ, પ્રથામિક શિક્ષણના નિયામક એમ.આઈ.જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગ વ્યાસ, જિલ્લા શિક્ષણાધિકારી મોઢ, ગામના સરપંચશ્રીઓ, પદાધિકારીઓ, અઘિકારીઓ, ગ્રામજનો વાલીઓ વિધાર્થીઓ અને ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સચિવ પંકજકુમાર
ગાંધીનગર જિલ્લાના રાંદેસણ, સરગાસણ અને તારાપુર ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય સચિવ પંકજકુમારે બાળકોને આવકારીને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. મુખ્ય સચિવ પંકજકુમારે પ્રવેશોત્સવના શુભારંભે કહ્યું હતું કે, પ્રવેશોત્સવની જેમ બાળકો માટે શાળાનો પ્રત્યેક દિવસ ઉત્સવ બની રહે એ પ્રકારે શિક્ષકો ઉત્સાહપૂર્વક શિક્ષણ આપે. શિક્ષકોએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, શાળામાં પ્રત્યેક દિવસ ઉત્સવ બનશે તો બાળકનું જીવન ઉત્સાહ અને ઉમંગથી હર્યું-ભર્યું રહેશે, અને તો જ બાળક પણ આ સમાજને અને રાષ્ટ્રને ઉત્સાહ અને ઉમંગથી ભરી દેશે. શિક્ષકો બાળકો માટે પ્રેરણાદાયી હોય છે, શિક્ષકોની નિયમિતતા, નિષ્ઠા અને વ્યવહાર બાળકોને પ્રભાવિત કરે છે. એટલે ‘પ્રેરણાદાયી શિક્ષક’ બનવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
રાંદેસણ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં ૭ વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં ૮ ભૂલકાઓએ શાળામાં પહેલી પગલી પાડી હતી. મુખ્ય સચિવ પંકજકુમારે ભૂલકાંઓને દફતર અને પુસ્તકો આપીને આવકાર્યા હતા. ગ્રામજનોની બનેલી શાળા વ્યવસ્થાપન સમિતિ (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી)ની ભૂમિકા પર કહ્યું કે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ શાળાના શિક્ષણની ગુણવત્તા સુધરે એ માટે સકારાત્મક યોગદાન આપવું જોઈએ. તેમણે બાળકોને પ્રશ્નો કર્યા હતા કે, ‘તમારે મોટા થઈને શું બનવું છે?’ ઘણા બાળકોએ ઉત્સાહભેર જવાબ આપ્યા હતા કે, તેમને ડોક્ટર બનવું છે, કોઈએ પોલીસ બનવું છે એમ કહ્યું, તો કોઈએ સોફ્ટવેર એન્જિનિયર. કેટલાક બાળકોએ શિક્ષક બનવું છે એમ પણ કહ્યું. પંકજકુમારે બાળકોના સપનાઓ અને બાળકોની કલ્પનાને સાકાર કરવામાં મદદ કરવા ગ્રામજનોને પણ અપીલ કરી હતી. ગ્રામજનો પણ પોતાના ગામની પ્રાથમિક શાળામાં રસ લે. શાળાની અને બાળકોની જરૂરિયાતો પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપે એ જરૂરી છે.
રાંદેસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શીતલ ગોહિલે ‘બેટી બચાવો બેટી પઢાઓ’ વિશે વક્તવ્ય આપ્યું હતું અને અર્પિત ગોહિલે ‘પાણી બચાવો’ વિશે વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય સચિવ પંકજકુમારે આ બંને ભૂલકાઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે, મહિલાઓને સમાન હક્ક આપવા માટે આપણે સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આણવું પડશે.
વર્ષ ૧૯૬૧થી જેનું અસ્તિત્વ છે તે રાંદેસણ પ્રાથમિક શાળામાં ભણેલા અને સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપી રહેલા બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ પંકજકુમારે સન્માન કર્યું હતું. ૭૫ વર્ષના વડીલ શ્રી ગાંડાજી પ્રતાપજી ગોહિલ અને અત્યારે સાબરકાંઠા જિલ્લામાં કલેકટરના ચિટનીસ તરીકે ફરજ બજાવી રહેલા રાંદેસણ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કનકસિંહ ગોહિલનું મુખ્ય સચિવશ્રીએ સન્માન કર્યું હતું.
સાબરમતી નદીને કિનારે આવેલુ રાંદેસણ પ્રાથમિક શાળાનું પરિસર નિહાળીને મુખ્યસચિવ પંકજકુમારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે શાળાના પ્રાંગણમાં લીમડાનું વૃક્ષ વાવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર શ્રીમતિ તેજલબેન નાયી, મીનાબેન પટેલ અને પોપટસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યા શ્રીમતી જેતલબેન પંડ્યાએ આભારદર્શન કર્યું હતું.
ગાંધીનગર જિલ્લાની સરગાસણ પ્રાથમિક શાળામાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે ૨૫ કન્યા અને ૧૦ કુમાર ; એમ કુલ ૩૫ વિદ્યાર્થીઓનો ધોરણ-૧ માં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે આંગણવાડીમાં નવ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો. ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સરગાસણ પ્રાથમિક શાળામાં મોટી રકમનું દાન આપનારા ગામના દાનવીરોને મુખ્ય સચિવ પંકજકુમારે સન્માન પત્રો આપ્યા હતા. ગામના દાતાઓનો આભાર માનતાં તેમણે કહ્યું હતું કે, દાન કરવા માટે પાકીટ ભરેલું હોવું જોઈએ, સાથોસાથ દિલ પણ મોટું હોવું જોઈએ. ગ્રામજનોના દાનથી શાળાનો વિકાસ અને શાળાની સાથોસાથ ગામનો વિકાસ પણ સાચી દિશામાં થઈ રહ્યો છે.
સરગાસણ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ૩૦૦-૪૦૦ વર્ષ જૂનું વડનું વૃક્ષ છે, તે જોઈ કહ્યું કે આ વટવૃક્ષ વિપરીત પરિસ્થિતિમાં પણ વિચલિત નહીં થવાનો સંદેશો આપે છે. બાળકોને આ વટવૃક્ષ જેવા અડગ બનવા તેમણે અનુરોધ કર્યો હતો. શાળાના શિક્ષકો બાળકોને એવા સંસ્કારો આપે કે બાળકો પણ આ વટવૃક્ષ જેવા અડીખમ બને. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ એક કલા છે, સર્જનશીલતા છે. અન્ય વ્યવસાયિકો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે જ્યારે શિક્ષકો એક વ્યક્તિનું નિર્માણ કરે છે. વ્યક્તિના નિર્માણથી સમાજનું નિર્માણ થાય છે અને એમ જ દેશનું નિર્માણ થાય છે. શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ કે, હું સમાજમાં મોટું પ્રદાન કરું છું. શિક્ષકો આવી ભાવનાથી ભણાવશે તો શિક્ષણમાં અસરકારકતા આવશે. શિક્ષકોએ સાવધાની અને સમર્પણથી બાળકોને ભણાવવા જોઈએ. કોઈ ઈમારત ચણાઈ જાય પછી તેની ઉપર બીજો કે ત્રીજો માળ બાંધવાનું સરળ છે, પણ ફાઉન્ડેશનમાં પછીથી કંઈ થઈ શકતું નથી. એમ પ્રાથમિક શિક્ષણ એ જીવનનું ફાઉન્ડેશન છે, એ જેટલું મજબૂત હશે એટલી ઇમારત ભવ્ય બનશે. તેમણે બાળકોની કુતુહલતા અને સહજતાને સાચવી રાખવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
સરગાસણમાં આંગણવાડીના બાળકોને મળીને મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું કે, ભૂલકાઓનાં પોષણનું પણ સતત પરીક્ષણ થતું રહેવું જોઈએ. સ્વસ્થ તન હશે તો જ મન સ્વસ્થ હશે. તેમણે બાળકોના પોષણના ટ્રેકિંગ માટે વિશેષ એપ બનાવવા ગ્રામજનોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કુપોષણ’ શબ્દને આપણા શબ્દકોશમાંથી કાયમને માટે કાઢી મુકવો છે, અને ‘સુપોષણ’ શબ્દ સતત રાખવો છે. શિક્ષકો પણ સ્વસ્થ અને પોષિત હશે તો સ્વસ્થ વાતાવરણનું નિર્માણ થશે.
સરગાસણ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં તેમણે ભુલકાઓની સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. ગામના દાતાઓને તેમણે સન્માનપત્રથી નવાજ્યા હતા. સરગાસણની વિશેષતા એ છે કે, સરકારી પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોએ પણ પોતાની શાળાના વિકાસ માટે માતબર રકમનું દાન આપ્યું છે. આ માટે તેમણે સરગાસણ પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપ્યા હતા.
સરગાસણ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વાત કરતાં પંકજકુમારે જાણ્યું કે, સમિતિના વરિષ્ઠ સભ્ય સુભદ્રાબેન ચુનીલાલ જોશી સરગાસણ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી, ભૂતપૂર્વ શિક્ષિકા અને ભૂતપૂર્વ આચાર્યા પણ છે. તેમણે સુભદ્રાબેનને સરગાસણ ઉપરાંત આસપાસની શાળાઓની સમયાંતરે મુલાકાત લેવા અને શિક્ષણની ગુણવત્તા વધુ સારી કરવા યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. સરગાસણની મુલાકાત દરમ્યાન કોર્પોરેટર છાયાબેન ત્રિવેદી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યા સ્તુતિબેન જોષીએ વિધા સમીક્ષા કેન્દ્ર વિશે માહિતી આપી હતી. મુખ્ય સચિવ પંકજકુમારે ગાંધીનગર જિલ્લાના તારાપુર ગામની પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. આ શાળામાં ૨૨ કુમાર અને ૨૦ કન્યાઓ સહિત ૪૨ વિદ્યાર્થીઓએ ધોરણ-૧ માં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે સાત ભૂલકાઓએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો. મુખ્યસચિવ પંકજકુમારે કન્યા કેળવણી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, મહિલાઓ શિક્ષિત હશે તો પરિવારને મોટી મદદ મળશે. પ્રાથમિક શાળા માટે દાન આપનાર દાતાઓનું બહુમાન કરતા પંકજકુમારે કહ્યું હતું કે, વધુ ને વધુ લોકો શાળા માટે દાન આપે એ પ્રશંસનીય છે. તેમણે તારાપુર પ્રાથમિક શાળાના બાળકોને સાયન્સ સિટીના પ્રવાસે લઈ જવા ગામના દાતાઓને અપીલ કરી હતી.
તારાપુર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યા પછી મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે શાળાના સ્માર્ટ ક્લાસ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ગાંધીનગર જિલ્લાની રાંદેસણ, સરગાસણ, અંબાપુર, તારાપુર, ભાઈજીપુરા અને કુડાસણ પ્રાથમિક શાળાઓના ક્લસ્ટરની સમગ્ર કામગીરીનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યું હતું .શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ગાંધીનગર પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. ભરત વાઢેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી શ્રીમતી અર્ચનાબેન પ્રજાપતિ, સી.આર.સી. શ્રીમતી દિપ્તીબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.