મે મહિનામાં યુનાઇટેડ કીંગ્ડમની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં યુકે સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આશ્રિતોના પ્રવેશને પ્રતિબંધિત કરવાની યોજના ઘડી કાઢી છે. સરકારની આ યોજનાની જાહેરાતે શૈક્ષણિક જગતમાં અને વ્યાવસાયિકો વચ્ચે ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આ નીતિ બદલાવાના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને યુકેના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર પર તેની અસર વિશે પ્રશ્નો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યોને પોતાની સાથે યુકેમાં લાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને યુકેમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે.
જણાવી દઈએ કે, વર્ષ 2023ના ઇનટેકમાં સ્ટડી વિઝા પર 42,381 ભારતીય વિદ્યાર્થીઓ યુકે ડિપેન્ડન્ટ વિઝા મેળવવાની સાથે ભારત છેલ્લા કેટલાક વર્ષોથી બીજા ક્રમે છે. ApplyBoard મુજબ, યુનાઇટેડ કિંગ્ડમમાં પોસ્ટગ્રેજ્યુએશન માટે એડમિશન લેતા વિદ્યાર્થીઓ ભારત, નાઇજીરીયા અને પાકિસ્તાનથી આવે છે, જેમાં વર્ષ 2024માં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે.
જાણો ભારતીયોને થનારા ફાયદા અને નુક્શાન અંગે
સરકારના રિપોર્ટમાં દર્શાવેલ એક સકારાત્મક બાબત એ છે કે આ પ્રતિબંધો ફક્ત સ્ટુડન્ટ વિઝા પર યુકે આવતા લોકો માટે જ લાગુ પડે છે. તેમજ પોલિસીમાં કરાયેલ આ ફેરફાર માત્ર પોસ્ટગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓને જ અસર કરે છે. કારણ કે યુકેમાં સ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર તેમની સાથે આશ્રિતોને લાવવા માટે પહેલેથી જ પ્રતિબંધિત હતો, તેથી નિયમમાં થયેલા આ બદલાવથી તેમને કોઈ અસર થશે નહીં.
જણાવી દઈએ કે, યુકેમાં પોસ્ટગ્રેજ્યુએશન કોર્સીસને પૂર્ણ થવામાં માત્ર એક વર્ષનો સમય લાગે છે, જે વિશ્વના અન્ય દેશોની તુલનામાં ખૂબ જ ટૂંકો સમયગાળો છે. જયારે અનુસ્નાતક વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈ જાય અને તેઓ ગ્રેજ્યુએટ રૂટ વિઝા મેળવે પછી તેમના પરિવારના સભ્યો ડિપેન્ડન્સી વિઝા માટે પાત્ર બને છે.
જોકે, યુકે સરકારે આ નિયમ બદલવાના કારણે ખોટ ખાવાનો વારો આવી શકે છે, કારણ કે પોલિસી બદલાવાના કારણે ભારતીયો અન્ય દેશમાં અભ્યાસ અર્થે જવાની વિચારણા કરી શકે છે. પરિણામે યુકેના ગ્રેજ્યુએટ રૂટ વિઝા અન્ય દેશોના વિઝાની સરખામણીએ નબળો થશે. તો બીજી તરફ ઑસ્ટ્રેલિયા જેવા દેશો વિદ્યાર્થીઓ માટે વધુ અનુકૂળ પોલિસી લોન્ચ કરી રહ્યા છે, જેમ કે ઑસ્ટ્રેલિયન ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા. આ વિઝાની મદદથી તમામ અભ્યાસ સ્તરે વિદેશી વિદ્યાર્થીઓને ફાળવેલ પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પિરિયડમાં વધારો થયો છે.