હાલ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણી પુર્વે મતક્ષેત્રોની પરીસ્થિતિ અંગે આંકલન કરવા ગુજરાત ભાજપના ધારાસભ્યો જે ગઈકાલથી એકશનમાં આવ્યા છે તેમાં પાટીદાર અનામત આંદોલનના એક સમયના નેતા અને હવે વિરમગામમાંથી ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ઈન્દોરની પાંચ નંબરની ધારાસભાની બેઠકની જવાબદારી સોપવામાં આવી હતી પણ આ બેઠક પર કોંગ્રેસના ટિકીટના દાવેદાર સત્યનારાયણ પટેલના ભત્રીજા સાથે હાર્દિક પટેલની ‘મિત્રતા’ હોવાનું જાણ થતા જ ભાજપે હાર્દિક પટેલ પાસેથી આ બેઠકની જવાબદારી લઈ લીધી છે અને હવે તેને સાંવેર વિધાનસભા બેઠકની જવાબદારી સુપ્રત કરી છે. હાર્દિક પટેલ અને કોંગ્રેસના સ્થાનિક નેતા સત્યનારાયણ પટેલ વચ્ચે કૌટુંબિક સંબંધો પણ છે. આ ઉપરાંત સત્યનારાયણ પટેલ જે સતુ પટેલ તરીકે અહી જાણીતા છે તેના મોટાભાઈ રાધેશ્યામ પટેલના પુત્ર રાહુલ પટેલ અને હાર્દિક પટેલ બન્ને ખાસ મિત્રો છે અને બન્ને પરિવારો એક બીજાને ત્યાં આવતા જતા રહે છે અને પરિવારના પ્રસંગોમાં પણ સાથે જ હોય છે.
આ માહિતી ભાજપ સંગઠન ઈન્ચાર્જને મળતા તેઓએ હાર્દિક પટેલને હવે અન્ય વિધાનસભા બેઠક ‘સાંવેર’ની જવાબદારી સોપી છે. જો કે હાર્દિક પટેલે કહ્યું કે મિત્રતા અને સંબંધો વ્યક્તિગત છે અને હું અહી પક્ષની જવાબદારી સાથે આવ્યો છું પણ પક્ષે જે નિર્ણય કર્યો તે સ્વીકાર્ય છે. હવે તેના સ્થાને ઈન્દોર-5 બેઠક પર સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈને નિયુક્ત કરાયા છે. નંબર બે માં સંગીતાબેન પાટીલ નંબર 3માં કેતનબેન રોકડીયા અને ચારમાં કૌશિકભાઈ જૈનને જવાબદારી સોંપાઈ છે.