પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
જે રીતે પ્રકૃત્તિ ઉપર આક્રમણ કરવામાં આવી રહ્યું છે તેમાં નેચરલ અને ઓર્ગેનિક ફાર્મિંગ મુશ્કેલ બન્યુ છે. હવે પ્રાકૃત્તિક સ્થિતીમાં સુધારો કર્યા વગર માત્ર યુનિવર્સિટી સ્થાપી દેવાથી કોઈ સુધારો થવાનો નથી :કેન્દ્ર સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી કરતા ૧૦,૨૭,૮૬૯ ખેડૂતોને રૂપિયા ૮,૧૮૪.૮૧ કરોડની મદદ કરી છે, તેમાં ગુજરાતના એકપણ ખેડૂતનો સમાવેશ થતો નથી : અર્જુન મોઢવાડિયા
જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી દરિયામાં ઠાલવવાની યોજના પડતી મુકી, પાણીને ત્યાં જ શુદ્ધ કરવાના ઉપાયો અંગે વિચારવુ જોઈએ, આ યોજના આગળ વધારવા પ્રયત્ન થશે તો પણ અમે તેમ થવા નહીં દઈએ – અર્જુન મોઢવાડિયા
અમદાવાદ
રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (સુધારા) વિધયક- 2023 વિધાનસભામાં રજુ કરવામાં આવ્યુ. જે સંદર્ભે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીનું પહેલુ બિલ ૨૦૧૭ માં આવ્યુ હતું. આજે લગભગ ૬ વર્ષ થઈ ગયા. ૬ વર્ષમાં આ ત્રીજી વખત સુધારા વિધયક આવ્યુ છે. ત્રણે વખત ખાલી બિલના નામ બદલવામાં આવ્યા છે, તે છીવાય કંઈ પણ નવુ નથી. આમ પણ ભાજપ સરકારમાં માત્ર નામ બદલવાની પ્રક્રિયા બહુ ચાલે છે. જે યુનિવર્સિટીની વાત કરવામાં આવી છે તે માત્ર એક નાનકડા મકાનમાં ચાલે છે. અત્યાર સુધી માત્ર ૨ સરક્યુલર બહાર પાડ્યા છે અને એક જ એમ.એસ.સી. ની ડીગ્રી આપે છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે સરકાર દ્વારા જે રીતે પ્રકૃત્તિ ઉપર આક્રમણ કરવામાં આવી રહ્યું છે તેમાં નેચરલ અને ઓર્ગેનિક ફાર્મિંગ મુશ્કેલ બન્યુ છે. હવા પ્રદુષણ, જમીન પ્રદુષણ અને જળ પ્રદુષણમાં મોટાપાયે વધારો થયો છે. હવે પ્રાકૃત્તિક સ્થિતીમાં સુધારા વગર માત્ર યુનિવર્સિટી સ્થાપી દેવાથી કોઈ સુધારો થવાનો નથી. આવી કોઈ યુનિવર્સિટી વગર સિક્કિમ આખુ રાજ્ય ઓર્ગેનિક થઈ ગયુ, પરંતુ ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી આગળ વધી રહી નથી. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજે ૯૬ લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે. તેમાંથી માત્ર ૩૨,૦૦૦ હેક્ટર જમીનમાં ઓર્ગેનિક ખેતી (તે પણ કાગળ ઉપર) થાય છે. ૬ વર્ષ પહેલા ૩૦,૦૦૦ હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી થતી હતી. આ યુનિવર્સિટી બન્યા પછી તેમાં માત્ર ૨,૦૦૦ હેક્ટરનો વધારો થયો. કેન્દ્ર સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી કરતા ૧૦,૨૭,૮૬૯ ખેડૂતોને રૂપિયા ૮,૧૮૪.૮૧ કરોડની મદદ કરી છે, તેમાં ગુજરાતના એકપણ ખેડૂતનો સમાવેશ થતો નથી. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સુરત થી ભરૂચ સુધીના જમીનના પટ્ટા ઉપર અમુક પ્રકારના એલીમેન્ટ હવામાં ભળે છે એના કારણે ખેતી અને પાક બન્નેને મોટાપાયે નુકશાન થાય છે. તેને રોકવા કોઈ પ્રયત્નો થતા નથી. મેં વર્ષ ૨૦૧૭ માં કિનાર બચાવો યાત્રના નામે બોટ યાત્રા કરી હતી. તે દરમિયાન સ્પષ્ટ જણાયું કે સુરતથી વાપી સુધીનો દરિયા પટ્ટો પણ પ્રદુષણની ભેટ ચડી ગયો છે. જેના કારણે ત્યાં માછીમારીની પ્રવૃત્તિ પણ બંધ થઈ ગઈ છે. અમે સ્થાનિક આગેવાનો હજીરામાં લઈ ગયા, જ્યાં એકપણ ઘર એવું ન હતું કે ત્યાં કેન્સરના દર્દીઓન ના હોય, એટલુ બધુ કેમિકલ પોલ્યુશન જમીન, પાણી અને હવામાં ઘુસી ગયું છે. આવી સ્થિતીમાં ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે પ્રાકૃત્તિક ખેતી શક્ય નથી. જ્યાં સુધી પ્રદુષણ માફિયાઓને રોકવામાં નહીં આવે ત્યાં સુધી સ્થિતી સુધરવાની નથી. સૌરાષ્ટ્રમાં પણ જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી જુનાગઢ, ભેંસાણ, ઘંધુસર ગામથી વંથલી સુધી પહોંચેલુ છે. આખી ભાદર નદી પ્રદૂષિત થઈ ચુકી છે તેના પાણી નવીબંદર ગામ સુધી આવે છે. ખેડૂતોની રજુઆતો આવી તો સરકારે હવે આ કેમિકલ યુક્ત પાણી પાઈપલાઈન મારફતે દરિયામાં નાંખવાની યોજના ઘડી કાઢી, પરંતુ આ પાણીને ટ્રીક કરી તેને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે માટે કોઈ પ્રયત્નો કરવામાં નથી આવતા. એટલે ઓર્ગેનિક યુનિવર્સિટી ભલે લઈ આવ્યા, પણ જ્યાં સુધી આ પ્રદુષણને રોકવામાં નહીં આવે ત્યાં સુધી ઓર્ગેનિક યુનિવર્સિટી કંઈ કરી શકવાની નથી. એટલે મારી સરકારને વિનંતી છે કે આપણી યુનિવર્સિટી આના ઉપર સંશોધન કરે અને એક ડોક્યુમેન્ટ બહાર લઈ આવે. પોથીમાંથી રિંગણા કાઢવાની જગ્યાએ નિષ્ણાંતોની ટીમ બનાવી પ્રકૃત્તિ ઉપર જે આક્રમણ થઈ રહ્યૂં છે તેને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ જ પ્રકૃત્તિની ખેતી છે વધારે કંઈ કરવાની જરૂર નથી. મારી ખાસ વિનંતી છે કે જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી ત્યાં જ શુદ્ધ કરી પુનઃ વપરશ કરી શકાય તે માટે બે હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડે તો ખર્ચો, પરંતુ તેને દરિયામાં નાખવાની હઠ છોડી દો, જો આવો પ્રયત્ન થશે તો અમે તેમ થવા પણ નહીં દઈએ. સાથે જ મારી વિનંતી છે કે યુનિવર્સિટીઓ તો બનાવીએ પણ તેના માટે નિષ્ણાંતો ઉભા કરવા જોઈએ.