સ્ટેશનની ડિઝાઈન કોણાર્ક અને અડાલજ વાવ થીમ પર તૈયાર,સારંગપુર બ્રિજથી કાલુપુર બ્રિજ સુધીનો 10 મીટર ઉંચો એલિવેટેડ રોડ તેમજ 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનશે
અમદાવાદ
ગુજરાત નાં સૌથી મોટા રેલ્વે સ્ટેશન અમદાવાદના 161 વર્ષ જૂના કાલુપુર રેલવે સ્ટેશનની રિ-ડેવલપમેન્ટની રૂ. 2,350 કરોડના ખર્ચે કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે.આવનારા ત્રણ જ વર્ષમાં કાલુપુર રેલવે સ્ટેશન ની કાયાપલટ જોવા મળશે.રેલવે સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટની કામગીરી પુરજોશમાં શરૂ થઇ છે.હાલમાં 40 વર્ષ પહેલાં તૈયાર કરાયેલા બિલ્ડિંગને તોડવાનું કામ ચાલી રહ્યું છે.અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પાસે હાલ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે.ડેવલપમેન્ટની કામગીરીને પગલે ઘણી ટ્રેનોનું સંચાલન પણ સાબરમતી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી કરવામાં આવી રહ્યું છે. નવા સ્ટેશનની ડિઝાઈન કોણાર્ક અને અડાલજ વાવ થીમ પર તૈયાર કરાઈ છે. સારંગપુર બ્રિજથી કાલુપુર બ્રિજ સુધીનો 10 મીટર ઉંચો એલિવેટેડ રોડ બનાવાશે. તેમજ 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનશે જેમાં પાર્કિંગની સાથે રેલવેની ઓફિસ અને મુસાફરો માટે ફૂડકોર્ટ અને રેસ્ટ રૂમ પણ બનાવાશે. દેશમાં ત્રણ રેલવે સ્ટેશનનોને ‘આઇકોનિક’ તરીકે વિકસીત કરવા માટે જાહેરાત કરાઇ હતી જેમાં દિલ્હી, મુંબઇની સાથે અમદાવાદ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.અન્ય પ્લેટફોર્મ પર જતાં મુસાફરો ડાયરેક્ટ વોક-વે બ્રિજ પર જઇ શકે તે માટે ટેમ્પરરી બ્રિજ પર ડ્રોપની વ્યવસ્થા કરાઇ છે.એન્ટ્રી ગેટથી એક ટેમ્પરરી બ્રિજ પણ તૈયાર કરાયો છે. જેને પગલે પ્લેટફોર્મ નં 2થી 9 પર જવા માટેના ડાયરેક્ટ વોક-વે બ્રિજને કનેક્ટ કરાયો છે. જેથી પ્લેટફોર્મ 1 પર મુસાફરોની ભીડને પણ ઓછી કરી શકાય. અમદાવાદ રેલવે સ્ટેશનના 9 પ્લેટફોર્મની સાથે 16 રેલવે ટ્રેક પણ છે જેથી ટ્રેનોની પણ અવરજવર વધારે જોવા મળતાં મુસાફરોની ભીડ પણ જોવા મળે છે. કાલુપુર ખાતેના અમદાવાદ રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે. તબક્કાવારની કામગીરીને પગલે મુસાફરોને અને ટ્રેનના સંચાલનમાં કોઇ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યેં છે. રેલવે સ્ટેશન પર આવેલ હેરિટેજ ઇમારતોને પણ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખીને કામગીરી કરવામાં આવશે.