ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ સામે હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ત્રણ નેતાઓમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણભાઇ કાછડિયા તથા બે ભૂતપૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે.પ્રદેશ નેતાગીરીએ રજૂઆત થઇ છે કે, આ ત્રણેય નેતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઇએ કે જેથી દાખલો બેસે.
જોકે, ભાજપ હાઇકમાન્ડ લોકસભાની ચૂંટણીનાં પરિણામ સુધી રાહ જોવાના મૂડમાં છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતશે તો આ ત્રણેય નેતાને કાઢી મૂકાશે એવી હાઇકમાન્ડે પ્રદેશ નેતાગીરીને ખાતરી આપી છે.
નારણભાઇ કાછડિયાએ પોતાને હરાવવા માટે પ્રયત્નો કર્યા હોવાની ફરિયાદ અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ કરી છે. નારણભાઇ કાછડિયાએ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિનભાઇ પટેલ ઉર્ફ બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પ્રદેશ નેતાગીરી તેમના પર ભડકેલી છે.
જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને હરાવવા માટે ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજાએ ભરપુર પ્રયત્નો કર્યા હોવાની રજૂઆત માડમે કરી છે. પરશોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને હકુભા જાડેજાએ પૂનમબેન માડમ સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઇ છે. હકુભાએ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે.પી.મારવિયા સાથે મળીને ક્ષત્રિય અને પાટીદારો પાસે ભાજપ વિરોધી મતદાન કરાવ્યું છે. હકુભા પોતે લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં દેખાતા નથી.
માણાવદરમાં જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી છે. ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોથી બિલકુલ દૂર છે.