તમે ભારતમાં વોલમાર્ટ, ટોમી હિલ્ફીગર, પુમાથી લઇને ગેપ સુધી સુપર બ્રાન્ડના રેડીમેડ ગારમેન્ટ્સ હજારોની કિંમતમાં ખરીદો છો, તે મોટાભાગે બાંગ્લાદેશમાં બનાવવામાં આવે છે. ત્યાર બાદ તેને ભારત, યુરોપ અને અમેરિકાના બજારોમાં વેચવામાં આવે છે. આ બ્રાન્ડેડ ગાર્મેન્ટ્સની કિંમત ભારતમાં હજારો રૂપિયામાં છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે તેમને તૈયાર કરવા માટે બનાવનાર કારીગરોને કેટલા પૈસા મળતા હશે?
તમને જાણીને આશ્ચર્ય થશએ કે આ કપડા તૈયાર કરનાર કારીગરોને પ્રતિ કલાક દસ રૂપિયા પણ નથી મળતા. તેથી ટી-શર્ટ બનાવવાનું મહેનતાણું ભાગ્યે જ 80 પૈસાની આસપાસ છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકાની બે બાજુઓ છે. એક બાજુ સ્વચ્છ રસ્તાઓની બંને બાજુ ઉંચી દિવાલોની પાછળ વૈભવી બંગલામાં રહેતા અને તમામ સુખ-સુવિધાઓનો આનંદ માણતા લોકોની છે. બીજી બાજુ 4,000થી વધુ રેડીમેડ ગારમેન્ટ ફેક્ટરીઓની આસપાસ સતત વિસ્તરતી ઝૂંપડપટ્ટીમાં રહેતા લાખો કામદારો અને નાના કારીગરોની છે. ઢાકામાં ચાર મિલિયનથી વધુ કામદારો અને નાના કારીગરો રહે છે. આ શહેરમાં મજૂરોની સંખ્યા સતત વધી રહી છે. આપને જણાવી દઇએ કે ઢાકા વિશ્વમાં સૌથી ઓછી મજૂરી ચુકવતું શહેર છે.
બાંગ્લાદેશમાં વિશ્વની સૌથી મોટી રેડીમેડ બ્રાન્ડના વસ્ત્રો બનાવવામાં આવે છે. જેર્મી સીબ્રુકના પુસ્તક ‘ધ સોંગ ઓફ શર્ટ’માં તેના વિશે વિસ્તારથી લખવામાં આવ્યું છે. એક સમયે દર વર્ષે પૂર અને તોફાનનો ભોગ બનતો આ નાનો દેશ હવે ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો રેડીમેડ ગાર્મેન્ટ્સ નિકાસકાર દેશ બની ગયો છે. અહીં બનેલા ટી-શર્ટ, સ્વેટર, ટ્રાઉઝર, પુરુષો અને વીમેન્સ શર્ટ વિશ્વના દરેક ખૂણામાં સપ્લાય કરવામાં આવે છે. અહીંના 5500થી વધારે કારખાનાઓમાં દરરોજ 1.25 લાખ ટી-શર્ટ્સ બને છે. આ કારખાના ઢાકા, ચટગાંવ અને આસપાસના વિસ્તારોમાં આવેલા છે.
વિશ્વની મોટાભાગની સૌથી મોટી ગારમેન્ટ બ્રાન્ડ્સ તેમના પ્રોડક્ટ્સને બાંગ્લાદેશથી જ આઉટસોર્સ કરે છે. કારણ કે બાંગ્લાદેશ પાસે વિશ્વનું સૌથી સસ્તું શ્રમ છે. તેનાથી બ્રાન્ડ્સના ખર્ચમાં ઘટાડો થાય છે. તેમના કામમાં ઘણું ફિનિશિંગ હોય છે. તેમ છતાં હજારો રૂપિયામાં વિદેશમાં વેચાતા આ વસ્ત્રો બનાવતા બાંગ્લાદેશી કારીગરો અને કામદારોને શર્ટ બનાવવાના 10 રૂપિયા પણ મળતા નથી. યુરોપની સૌથી મોટી રેડીમેડ રિટેલર હેન્સ એન્ડ મોરિટ્ઝ એટલે કે એચ એન્ડ એમનું અડધું કામ બાંગ્લાદેશમાં જ થાય છે. વિશ્વની સૌથી મોટી રિટેલ બ્રાન્ડ વોલમાર્ટ, બ્રિટનની પ્રાઇમર્ક, ઇટાલીની રાલ્ફ લોરેન બાંગ્લાદેશમાં સતત ઓર્ડર વધારી રહી છે.
કન્સલ્ટન્સી ફર્મ મેકેન્ઝીએ દાવો કર્યો હતો કે, 2020 સુધીમાં બાંગ્લાદેશ તૈયાર વસ્ત્રોની નિકાસમાં ચીનને પાછળ છોડી દેશે. જોકે, 2020માં કોરોનાના લીધે વિશ્વભરમાં નિકાસ સહિતની તમામ વ્યવસાયિક પ્રવૃત્તિઓ અટકી ગઇ હતી. લગભગ 200 વર્ષ પહેલા ઢાકાના મલમલ અને મુર્શિદાબાદના રેશમનું ભરતકામ કરવામાં આવતું હતું. બંગાળના વસ્ત્રોની કારીગરી દુનિયાભરમાં પ્રખ્યાત હતી. પરંતુ અંગ્રેજોએ પોતાના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે બંગાળના આ ઉદ્યોગને બરબાદ કરી નાંખ્યો.
બ્રિટિશરોએ માન્ચેસ્ટરમાં બનાવેલા સસ્તી ક્વોલિટીના કપડાથી ભારતીય બજારોને પટકી દીધા હતા. પરિણામે બંગાળના મલમલ અને રેશમ કારીગરોએ તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય ધંધા શરૂ કર્યા. તેમ છતાં કપડાં પર બારીક કામ કરવાની કારીગરી તેમના ડીએનએમાં જ રહી, જે ફરી એકવાર માથું ઊંચકી રહી છે. જણાવી દઈએ કે બાંગ્લાદેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ સતત વધી રહ્યો છે. આ સાથે જ માન્ચેસ્ટરની ટેક્સટાઇલ ફેક્ટરી અને રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગને તાળાં લાગી ગયા છે.
બાંગ્લાદેશના રેડીમેડ ઇન્ડસ્ટ્રીના પિતા તરીકે જાણીતા નુરુલ કાદર ખાને 1978માં પહેલી વખત 130 યુવાનોને સાઉથ કોરિયામાં ટ્રેનિંગ માટે મોકલ્યા હતા. જ્યારે આ યુવાનો ટ્રેનિંગ બાદ પરત ફર્યા ત્યારે બાંગ્લાદેશની પ્રથમ ગારમેન્ટ ફેક્ટરી ખોલવામાં આવી હતી. બહારથી કામ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં એક પછી એક અનેક ફેક્ટરીઓનો પાયો નંખાવા લાગ્યો. બાંગ્લાદેશની રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી 1985માં 380 મિલિયન ડોલરની હતી. પછી 2019 સુધીમાં તે 22.49 અબજ ડોલરની બની હતી. બાંગ્લાદેશની નિકાસની કમાણીનો લગભગ 80 ટકા હિસ્સો આ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. બાંગ્લાદેશમાં સારા કોટનથી બનેલી ટી-શર્ટની કિંમત 1.60 ડોલરથી 6.00 ડોલર સુધીની છે. જે પછી મોંઘા ભાવે વેચાય છે.
વોલમાર્ટ, એચએન્ડએમ, હ્યુગો બોસ, ટોમી હિલ્ફીગર, પ્રાઇમર્ક, બેનેટન, ગેપ, રિપ્લી, જી-સ્ટાર રો, જ્યોર્જિયો અરમાની, કેલ્વિન ક્લેઇન, પુમા, રોલ્ફ રુલેનના કપડા બાંગ્લાદેશમાં બને છે. હવે આ ઇન્ડસ્ટ્રીના અર્થશાસ્ત્રને સમજીએ તો એક કિલો કોટનમાં ચારથી પાંચ ટી-શર્ટ બનાવવામાં આવે છે. એક કિલો બાંગ્લાદેશી કપાસનો ભાવ લગભગ 3.80 ડોલર છે. જ્યારે 1 કિલો અમેરિકન કોટન 5.50 ડોલરની આસપાસ મળે છે. તેમાં પોલિએસ્ટર અને વિસ્કોઝ મિક્સ કરવામાં આવે છે. બાંગ્લાદેશમાં એક કલાકની મજૂરી લગભગ 9 રૂપિયા છે. એક ટી-શર્ટનો કુલ ખર્ચ 1.60 ડોલરથી 6 ડોલર સુધી જાય છે. બાંગ્લાદેશના ફેક્ટરીના માલિકો એક ટી-શર્ટમાં લગભગ 11 રૂપિયાનો નફો કરે છે. તો વિદેશી બજારોમાં વેચીને કંપનીઓ તેમાંથી તગડી કમાણી કરે છે.