કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે લાફાકાંડનો વિવાદ વધુ વકર્યો છે. કલોલ નગરપાલિકામાં ભાજપના 33માંથી 12 કોર્પોરેટરે રાજીનામાં આપતાં રાજકરણ ગરમાયું છે. હજુ વધુ 8 કોર્પોરેટર રાજીનામાં આવે એવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કલોલના લાફાકાંડ મામલે ભાજપના ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનાં જૂથ વચ્ચે સમાધાન ના થતાં આ પગલું ભર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 3 દિવસ પહેલાં રાજીનામું આપ્યું હતું. જ્યારે આજે અન્ય 11 કોર્પોરેટરે રાજીનામાં આપ્યાં છે. જો આમ બનશે તો નગરપાલિકામાં ભાજપ લઘુમતીમાં આવી શકે એમ છે.
આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે ધારાસભ્યની તાનાશાહી સામે અમે રાજીનામું આપ્યું છે. તેઓ કહે એમ અમારે કરવાનું એવું તેમનું કહેવું છે અને અમે એમ કરવાના નથી. અમારે નગરપાલિકા ચલાવવાની છે એટલે અમે રાજીનામાં આપ્યાં છે. મેં તો ત્રણ દિવસ પહેલાં જ રાજીનામું આપ્યું હતું, પણ મને ખબર પડી કે હજુ એ પાસ નથી થયું. એટલે મારી જોડે બીજા 11 કાઉન્સિલરે રાજીનામાં આપ્યાં છે અને બીજા 8 લોકો આવતીકાલે સવારે રાજીનામાં આપશે. હવે અમે આ રાજીનામાં પાછાં ખેંચવાનાં નથી, પરંતુ પાર્ટીમાં રહીને જ કામ કરવાના છીએ, પાર્ટી છોડવાના નથી. મેં પહેલાં પાર્ટીમાં વાત કરી હતી, પણ કોઈ રિસ્પોન્સ ન મળતાં મેં સભ્યપદ અને ચેરમેનપદથી રાજીનામું આપ્યું છે. અત્યારસુધીમાં 12 રાજીનામાં પડ્યાં છે અને હજુ 8-10 આવશે એવી અમને આશા છે. શહેર સંગઠનમાંથી પણ રાજીનામાં પડવાનાં છે.
ઉલ્લેખનીય છે કે કલોલ નગરપાલિકામાં ભાજપના 33માંથી 12 કોર્પોરેટરનાં રાજીનામાં બાદ હાલ ભાજપના 21, કોંગ્રેસ 10 અને અપક્ષ 1ના એક કોર્પોરેટર છે. જો હજુ વધુ 8 રાજીનામાં પડશે તો રાજકીય સમીકરણ બદલાઈ જશે. ભાજપ લઘુમતીમાં આવશે. તો હવે આગળ શું થશે એ જોવાનું રહ્યું.
1. પ્રકાશ વર્ગડે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
2. ઉષાબેન દિનેશભાઈ રાવળ વોર્ડ નંબર-4
3. મુકુંદ જશવંતલાલ પરીખ વોર્ડ નંબર-4
4. કિંજલબેન રિલેશભાઈ પરમાર વોર્ડ -3
5. નિખિલભાઇ બંસીલાલ બારોટ વોર્ડ નંબર-5
6. જલ્પાબેન ધર્મેન્દ્રભાઈ શાહ વોર્ડ -5
7. હિમાક્ષીબેન સોલંકી વોર્ડ -11
8 . પટેલ અલ્પાબેન ભાવેશકુમાર વોર્ડ -9
9. રમીલાબેન ભગવાનદાસ પટેલ વોર્ડ -1
10. શૈલેન્દ્રસિંહ વાઘેલા વોર્ડ – 1
11. લક્ષ્મીબેન ભૂતડિયા વોર્ડ – 1
12. રાઠોડ વિરેન્દ્ર સિંહ વોર્ડ – 3
કોંગ્રેસ દંડક સંજયભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપના 12 સભ્યે ભ્રષ્ટાચાર વિરુદ્ધ રાજીનામાં આપ્યાં છે. દરેક સભ્ય અમારા સંપર્કમાં છે. ભાજપમાં રાજીનામાં આપવાની એક ફેશન થઈ ગઈ છે. ઉચ્ચ કક્ષાએથી દબાણ આવતાં આ રાજીનામાં પાછાં ખેંચી લેવાશે. આ લોકો અમારી સાથે આવવા તૈયાર હશે તો અમે પણ તૈયાર છીએ. આગળનો નિર્ણય અમે પ્રદેશ કક્ષાએ પૂછીને લઈશું. અમે બહારથી બિનશરતી ટેકો આપીશું.
સાત દિવસ પહેલાં ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. કલોલ નગરપાલિકામાં વિકાસનાં કામોના રિટેન્ડરિંગને લઇ ચાલી રહેલી મિટિંગમાં મામલો ઉગ્ર બન્યો હતો. એ બાદ ઉશ્કેરાયેલા લોકોએ એકાએક કોર્પોરેટર ઉષાબેન રાવળના પતિ એવા દિનેશ રાવળને લાફાવાળી શરૂ કરી દીધી હતી. જ્યારે ટેબલ પર ચડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેનો ટપલીદાવ કર્યો હતો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેએ જણાવ્યું હતું કે ધારાસભ્યની ઓફિસમાં કામ કરતા છોકરાઓને એવું છે કે આખા કલોલમાં રાજાશાહીની જેમ રાજ કરવું છે. કોઈના હાથમાં સત્તા આપવી નથી, બધું જ ધારાસભ્યએ ચલાવવું છે.
ત્યારે કલોલ નગરપાલિકામાં બનેલી ઘટના અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેએ જણાવ્યું હતું કે અમે લોકો કલોલ પોલીસ સ્ટેશને ટોળા વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા છીએ તેમજ આ અંગે ઉપર સુધી અમિત શાહની ઓફિસ, જિલ્લાપ્રમુખ સહિતના આગેવાનોને રજૂઆત કરી છે. જો પાર્ટી એક્શન નહીં લે તો અમે અમારા સભ્યપદ અને ચેરમેનપદેથી રાજીનામાં આપી દઈશું. ધારાસભ્યની ઓફિસમાં કામ કરતા છોકરાઓ હતા. તેમને એવું છે કે આખા કલોલમાં રાજાશાહીની જેમ રાજ કરવું છે. કોઈના હાથમાં સત્તા આપવી નથી, બધું જ ધારાસભ્યએ ચલાવવું છે. આ ટોળામાં ભાજપના ચાલુ કોર્પોરેટર પણ હતા.
ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીનાં દૃશ્યો સામે આવતાં ચકચાર મચી જવા પામી હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, કલોલ નગરપાલિકામાં વિકાસનાં કામોના રિટેન્ડરિંગને લઇ સાત દિવસ પહેલાં વિવાદ સર્જાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલાં કામોનું ફરીથી રિટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. રિટેન્ડરિંગની માગણી કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેનો ઊધડો લીધો હતો અને પ્રશ્નો કર્યા હતા કે તમે રિટેન્ડરિંગ કેમ માગ્યું, તમે વિકાસનાં કામમાં કેમ રોડા નાખો છો, એમ કહીને ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે હાજર લોકોએ મારામારી કરી હતી અને ખુરસી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. અહીં હાજર લોકોનું કહેવું હતું કે પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે. ત્યારે આ કામોની ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરાતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડે સહિતના હોદ્દેદારો સાથે ઉગ્ર બોલાચાલી બાદ લોકોએ ટપલીદાવ શરૂ કરી દીધો હતો, જ્યારે કોર્પોરેટરના પતિને ફડાકાવાળી કરી હતી.
ઉશ્કેરાયેલું ટોળું ત્યાર બાદ ચીફ ઓફિસરની ઓફિસમાં ગયું હતું અને તેમને પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં હાજર કોર્પોરેટરોએ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ટોળું માનતું નહોતું. એ બાદ પોલીસ આવી જતાં મામલો થાળે પડ્યો હતો. નગરપાલિકામાં આવી ચડેલા ટોળાએ માટલાં ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચાર કર્યા હતા.
આ ઘટનાને લઈને કલોલ નગરપાલિકાના વિપક્ષ નેતા સદુલ્લાખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં ભાજપના સત્તાધારી પક્ષના સભ્યો પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કલોલ નગરપાલિકામાં સત્તામાં બેઠેલા ભાજપ બોડીના સભ્યોના વોર્ડનાં કામો સમયસર નહીં થતાં હોય, જેથી આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભાજપ પક્ષમાં જ નગરપાલિકાના વહીવટદારો સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ કેટલો ભ્રષ્ટાચાર કરતો હશે? આ બાબતે વિપક્ષ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેમના વોર્ડનાં કામો પણ આ સત્તાધારી ભાજપના ભ્રષ્ટ શાસકો દ્વારા કરવામાં આવતાં નથી. આજે સત્તાધારી પક્ષના સભ્યો જ સત્તામાં હોવા છતાં તેમનાં કામો કેમ થતાં નથી, એને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. કલોલ નગરપાલિકા વિસ્તારની જનતાના વિકાસનાં કામો નગરપાલિકા દ્વારા જુલાઇ માસમાં પાસ થયેલાં ટેન્ડરો મુજબ નહીં કરવામાં આવતાં વિપક્ષ સત્તાધીશોના ભ્રષ્ટાચાર સામે ઉગ્ર આંદોલન કરશે.