ભારતમાં ઉર્જાની જરૂરિયાતમાં ગયા વર્ષ કરતા 13.2%નો ધરખમ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો છેલ્લા 12 વર્ષમાં સૌથી મોટો છે. ગુજરાતમાં આ ઘટાડો દેશની સરેરાશથી પણ વધુ 18.8%ના ઘટાડા પર છે.
એશિયાના મોટા અર્થતંત્રમાં ગણાતા ભારતમાં સરકારના અથાગ પ્રયત્નો પછી પણ મંદીનો ગાળિયો કસાતો જાય છે અને રોજ નિરાશાજનક આંકડા આ પરિસ્થિતિનો ચિતાર આપે છે. દક્ષિણ એશિયાના વિકાસશીલ દેશ તરીકે ભારતને વૃદ્ધિ પામતા અર્થતંત્ર માટે વીજળીની જરૂરિયાત રહે તે સ્વાભાવિક છે. પરંતુ વીજળીની માંગમાં તોતિંગ 13.2%નો ઘટાડો એ 2024માં 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનો ધ્યેય રાખી રહેલા ભારત દેશ માટે માઠા સમાચાર છે. ભારતના જૂન ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6 વર્ષના તળિયે બેસી ગયો હતો. અર્થશાસ્ત્રીઓના મતે આ ઘટેલી માંગ વધી રહેલા ઇકોનોમિક સ્લોડાઉન તરફ ઈશારો કરે છે. તજજ્ઞોના મતે આ સ્લોડાઉન ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાંથી ખસવાનું નામ નથી લઇ રહ્યું. આ ઘટના આગામી નાણાકીય વર્ષના વૃદ્ધિ દરોના અંદાજા ઉપર માઠી અસરો પાડી શકે છે. મહારાષ્ટ્ર અને ગુજરાત દેશના સૌથી વધુ ઉદ્યોગો ધરાવતા પ્રદેશો છે. અહીં વીજળીની માંગમાં 22.4% અને 18.8%નો ઘટાડો નોંધાયો છે. દેશમાં ઉત્તર અને પૂર્વના 4 રાજ્યો સિવાય તમામ પ્રદેશોમાં માંગમાં ઘટાડો નોંધાયો છે. સરકારના પ્રયત્નો છતાં સપ્ટેમ્બરનો ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ 5.2% ઘટ્યો છે જેણે દેશની ચિંતામાં વધારો કર્યો છે. દેશની બળતણ માટેની માંગમાં થતી વૃદ્ધિ 6 વર્ષની સૌથી ધીમી છે. આર્થિક મંદીએ ટાંકણી થી લઇને ટેન્ક બનાવવા સુધીની તમામ નાની થી મોટી ઇન્ડસ્ટ્રીમાં ગોબો પાડ્યો છે અને મોટા પ્રમાણમાં નોકરી પરથી કર્મચારીઓને છુટા કરાયા છે. કંપનીના વેચાણના આંકડા પણ નિરાશાજનક રીતે ઘટયાં છે. આ વર્ષે પણ આર્થિક વિકાસ 6% ઓછો આવે તેવી શક્યતા છે. જો કે સરકાર હજી આ અંદાજો 7% જેટલો બતાવે છે. નવા આંકડા આ મહિનાના અંત સુધી આવી જશે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા ગીચ વસ્તી ધરાવતા રાજ્યોમાં પણ વીજળીની જરૂરિયાત ઘટી છે. મધ્ય પ્રદેશમાં 25% અને ઉત્તર પ્રદેશમાં 8.3% જેટલી માંગ ઘટી છે.