રશિયા-યુક્રેન સંકટ બાદ યુરોપમાં માંગમાં ઘટાડા અને ચીન દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાના કારણે ગુજરાતના ડાયસ્ટફ ઉદ્યોગ ઉપર તેની ગંભીર અસર પડી રહી છે. આ કેમિકલની માંગના અભાવે માત્ર અંકલેશ્વર ક્લસ્ટરના 200 થી વધુ ઉદ્યોગો માંદા પડ્યા છે અથવા તેમની સામે કંપની બંધ કરવાના કઠણ નિર્ણય લેવાની ફરજ પડે તેવા સંજોગો સર્જાયા છે. એક સમયે વૈશ્વિક બજારમાં ડંકો જમાવનાર ભારતીય ડાયસ્ટફ અને પીગ્મેન્ટ ઉદ્યોગો ઓર્ડર વગર ઠપ્પ થવાના આરે પહોંચ્યા છે. અંકલેશ્વરમાં આ કપરી પરિસ્થિતિની અસર ડાઇઝ, ડાઇઝ ઇન્ટરમિડિયેટ્સ અને તેના રો મટિરિયલના ઉદ્યોગો ઉપર પડી છે. માંગમાં તીવ્ર ઘટાડો અને ઉચ્ચ ઉત્પાદન ખર્ચને કારણે ગુજરાતમાં ડાઇસ્ટફ ઉત્પાદન એકમોને ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. કાપડ અને વસ્ત્રોના સુસ્ત સ્થાનિક વપરાશ અને નિકાસમાં ઘટાડાને કારણે માંગની તંગી ઉભી થઇ છે. ડાઈસ્ટફનો ઉપયોગ રંગ , કાપડ, કાગળ, ચામડા અને પ્લાસ્ટિક ઉત્પાદનો સહિત વિવિધ ઉત્પાદનોને રંગ આપવા માટે થાય છે.
અંકલેશ્વરના ઉદ્યોગકાર પ્રવીણ તેરૈયાએ જણાવ્યું હતું કે ડાઈસ્ટફ એકમો હાલમાં કુલ ક્ષમતાના 50% સ્થિતિ પર કાર્યરત છે. ઉદ્યોગોને સંકટ અને નોકરીઓમાં ઘટાડા તરીકે અસર સામે આવે છે. અંકલેશ્વર ક્લસ્ટરનું મોટાભાગનું ઉત્પાદન નિકાસ થતું હોય છે. આ કેમિકલ યુરોપ અને ચીનમાં નિકાસ થતું હતું. બંને રીજીયનમાં ભારતીય રસાયણની માંગ નહિવત સમાન છે.
ગુજરાત ડાઈસ્ટફ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GDMA) ના પ્રમુખ હરેશ ભુટાએ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. “આ ક્ષેત્ર લગભગ એક વર્ષથી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. મુખ્ય કારણોમાં વૈશ્વિક સંજોગો અને સમગ્ર વિશ્વમાં ભૌગોલિક-રાજકીય તણાવનો સમાવેશ થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુ.એસ. અને ચીન વચ્ચેના તણાવને કારણે યુરોપિયન યુનિયન પ્રદેશ અને યુએસમાં માંગ ઘટી છે જે ક્ષેત્ર તેમજ ઔદ્યોગિક વપરાશકર્તાઓ માટે સૌથી મોટા નિકાસ સ્થળો હતા”તેમ તેમણે જણાવ્યું હતું.
જાણીતા કેમિકલ એક્સપોર્ટર અનિષ પરીખે જણાવ્યું હતું કે ચીન ભારતીય ઉદ્યોગોને ફટકો પાડવા સમયાંતરે ગતકડાં કરે છે. યુરોપમાં મંગમાં ઘટાડા સાથે ચીને એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી દઈ ભારતીય ડાઇઝ અને ઇન્ટરમિડિયેટ્સ ઉદ્યોગોને ચિંતામાં ગરકાવી દીધા છે. સમસ્યા ખુબ વિકટ છે જેના કારણે સ્થાનિક ઉદ્યપગો ટપોટપ બંધ થવાના અરે પહોંચી ગયા છે.