કોઈપણ ક્રાઈમ થ્રિલર ફિલ્મ માટે ઈન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ અને સસ્પેન્સની જરૂર પડે છે. આવી જ એક ઘટના પંજાબમાં બની છે. આ ઘટના જાણીને તમને વેબ સિરીઝમાં‘મની હાઈસ્ટ’ યાદ આવશે. પંજાબના લુધિયાણામાં હાલના સમયની સૌથી મોટી લૂંટમાં એ દરેક એલિમેન્ટ છે જે કોઈ ક્રાઈમ થ્રિલર મૂવી કે વેબ સિરીઝમાં હોય છે.
લૂંટારુઓની એકબીજા સાથે મુલાકાત થવી. એ પછી ફિલ્મની જેમ લૂંટનો માસ્ટર પ્લાન બનાવવવો અને તે પ્લાનને અસલ ફિલ્મી ઢબે અંજામ આપવો. વારદાતને અંજામ આપ્યા બાદ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જતા જ પોલીસનાં સંકજામાં ફસાઈ જવું. આ આખી ઘટના પંજાબના લુધિયાણામાં બની છે.
લુધિયાણાની CMS સિક્યુરિટી કંપનીમાં 10 જૂનની મધરાતે ડાકુ હસીનાએ તેના સાગરિતો સાથે મળીને 8 કરોડ 49 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. તેની શોધખોળ કરતી પંજાબ પોલીસને બાતમી મળી હતી કે, સફળ રીતે લૂંટ બાદ ડાકુ હસીના માનતા પૂરી કરવા પતિ જસવિંદર સાથે હેમકુંડ સાહિબમાં ધાર્મિક સ્થળો પર દર્શન કરવા ગઈ છે.
જેથી પોલીસે ડાકુ હસીના અને તેના પતિને પકડવા માટે પ્લાન બનાવ્યો. તે પ્લાન મુજબ, હેમકુંડ સાહિબ બહાર ફ્રૂટીનું ફ્રીમાં વિતરણ શરૂ કર્યું. મોના ઉર્ફે ડાકુ હસીના અને તેનો પતિ ફ્રીની ફ્રૂટી પીવા માટે આવી. આ ફ્રૂટી પીવા માટે મોનાએ માસ્ક હટાવતા પોલીસની ટીમે તેની ઓળખ કરી. બસ એ પછી, મોના અને તેના પતિને પોલીસે ઝડપી લીધા.
પંજાબ પોલીસે અલગ-અલગ જગ્યાએથી રોકડ રિકવર કરી છે. કાર, ગટરનું નાળુ, સ્કૂટીની ડિક્કી, ઘરના બેડ સહિતની જગ્યા તેમજ મોના ઉર્ફે ડાકુ હસીના પાસેથી લૂંટના રૂપિયા રિકવર કર્યા છે. કુલ 8 કરોડ 49 લાખની લૂંટમાંથી પોલીસે અંદાજીત 6 કરોડ 96 લાખ રૂપિયા રિકવર કર્યા છે.