આજના દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની એક ટ્વિટ ચર્ચામાં રહી. આ ટ્વિટની ઇમેજ નીચે મૂકવામાં આવી છે. એમાં મોઢવાડિયા કહે છે કે ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાત થઈ રહી છે. જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.’
અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે એવી અટકળો છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી હતી. હજી પાંચ દિવસ પહેલાં ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું. એટલે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે એવી અટકળો સૂત્રના હવાલાથી મીડિયામાં વહેતી થઈ હતી એને વેગ મળ્યો. કોંગ્રેસે પણ અર્જુનભાઈ પક્ષ છોડીને જતા ન રહે એ માટે મનામણા શરૂ કર્યાના પણ વચ્ચે વાવડ હતા.
ઊગતા સૂરજને સૌ પૂજે એવી ઉક્તિ પ્રમાણે ભાજપની ચડતી છે એટલે કોઈ નેતા ભાજપમાં જોડાવાના છે એવી સામાન્ય એવી અટકળ પણ લોકોને સ્વભાવિક લાગવા માંડે. અર્જુનભાઈ વિશે માધ્યમોમાં ચાલી રહેલી આ અટકળને અમુક મીડિયામાં તો છેક ‘રાજીનામા’ સુધી લંબાવી દેવામાં આવી. છેવટે આજે આ પીઢ ધારાસભ્યએ ટ્વિટર પર ગળું ખોંખારીને ખુલાસો કરવો પડ્યો. જોકે એઓ આટલા દિવસ સુધી કેમ મૂક રહ્યા એ વિશે પણ તજ્જ્ઞો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. અલબત્ત, આજની એમની આ ચોખવટ કેટલી હદે એમની મક્કમતાનો સંકેત આપે છે એ પણ એક પ્રશ્ન છે. એઓ કોંગ્રેસ પ્રત્યેની વફાદારી કેટલી હદ સુધી જાળવી શકે છે એ આવનાર સમય જ કહી શકે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં રાજકીય ઉથપાથલ જોવા મળી રહી છે. ભાજપે ગઈકાલે 2024ની લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું. તમામ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યા.
ગુજરાતમાં ઓપરેશન લોટસ હેઠળ કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં પોતાની સાથે જોડવા ઉત્સુક છે. પોતાની વિકાસની રાજનીતિ પર મુસ્તાક આ પક્ષે અન્ય પાર્ટીઓમાં ભાંગફોડ કરવાની કેમ જરૂર પડે છે? એવો સવાલ પણ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં 2012થી કોંગ્રેસના નેતાઓની ભાજપમાં એન્ટ્રી થવી એ સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60થી વધુ મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે જેમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થયા છે.
સૌ પહેલાં નરહરિ અમીન કે જેઓ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા બાદ નરહરિ અમીન રાજ્યસભાના સાંસદ બન્યા. ત્યાર બાદ જુઓ કયા-કયા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા એ જોઈએ.
વિઠ્ઠલ રાદડિયા પણ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. બાદમાં 2017માં વિઠ્ઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયા મંત્રી બન્યા. લીલાધર વાઘેલા 2012 કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. લીલાધર વાઘેલા પાટણના સાંસદ પણ ભાજપમાંથી બન્યા. પરબત પટેલ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા જેઓ રાજ્યકક્ષાના મંત્રી બન્યા. તેઓ હાલ બનાસકાંઠાના સાંસદ છે. પરિવારની લડાઈમાં પૂનમ માડમે 2012માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. બાદમાં તેઓ ભાજપમાં આવ્યા અને 2014 અને 2019માં બે ટર્મથી સાંસદ છે. દેવુસિંહ ચૌહાણ 2007માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. હાલ ભાજપની સરકારમાં કેન્દ્રીય રાજયમંત્રી છે. રામસિંહ પરમાર 2017માં ભાજપમાં જોડાયા. હાલ રામસિંહ પરમાર અમુલના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.