રેલવેનું સિગ્નલ રિપેર કરતી વખતે લોકલ ટ્રેન સાથે અથડાતાં વેસ્ટર્ન રેલવેના ત્રણ કર્મચારીઓનાં મૃત્યુ થયાં હોવાની ઘટના બની છે. આ અકસ્માત સોમવારે રાતે લગભગ નવ વાગ્યે વસઈ રોડ અને નાયગાંવ રેલવે સ્ટેશન વચ્ચે થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લેતાં આ મામલે વેસ્ટર્ન રેલવેએ તપાસનો આદેશ આપ્યો છે.
જોકે રાતે નવ વાગ્યાની આસપાસ આ ત્રણેય કર્મચારીઓ સ્પીડમાં આવતી લોકલ ટ્રેન સાથે અથડાતાં મૃત્યુ પામ્યાં હતાં. આ અકસ્માતમાં ચીફ સિગ્નલ કન્ટ્રોલર ૫૭ વર્ષના વાસુ મિત્રા, ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઇન્સ્પેક્ટર ૩૭ વર્ષના સોમનાથ લેમ્બતુરે અને ૩૭ વર્ષના અસિસ્ટન્ટ સચિન વાનખેડેનો સમાવેશ થાય છે. આ ત્રણેયનો વસઈ રેલવે સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર અકસ્માત થયો હતો. નાયગાંવ અને વસઈ સ્ટેશન વચ્ચે ટ્રૅક બદલવા માટેનું પૉઇન્ટ મશીન નિષ્ફળ જતાં એનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. દરમ્યાન વિરારથી ચર્ચગેટ જતી ૮.૫૦ વાગ્યાની લોકલ ટ્રેન પ્લૅટફૉર્મ નંબર-બે પરથી ચર્ચગેટ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણ કર્મચારી ટ્રેન નીચે આવતાં મૃત્યુ પામ્યાં હતાં.
આ બનાવ વિશે વસઈ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન ઇંગવાલેએ જણાવ્યું હતું કે ‘રિપેરિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક લોકલ ટ્રેન આવી રહી હતી, પરંતુ તેમણે એનું અનુમાન લગાવ્યું નહોતું કે ટ્રેન કયા ટ્રૅક પર આવશે એટલે આ અકસ્માત થયો હતો. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.’
વેસ્ટર્ન રેલવેએ મરનારના પરિવારજનોને તાત્કાલિક રાહત તરીકે ૫૫,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી છે તેમ જ તેમને મદદ તરીકે આગામી ૧૫ દિવસમાં નિયમ મુજબ આર્થિક સહાય આપવામાં આવશે. વેસ્ટર્ન રેલવે દ્વારા મળેલી માહિતી મુજબ સોમનાથ લાંબતુરે અને સચિન વાનખેડેના પરિવારોને ૪૦ લાખ રૂપિયા અને વાસુ મિત્રાના પરિવારને એક કરોડ ૨૪ લાખ રૂપિયા આપવામાં આવશે.
આ રેલવે-અકસ્માતમાં એકસાથે ત્રણ કર્મચારીનાં મોતથી વસઈ સહિત મુંબઈ ડિવિઝનના તમામ રેલવે-કર્મચારીઓ સહિત મરનારનાં સગાંસંબંધીઓ શોકની લાગણીમાં આવી ગયાં છે. ત્રણેય મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. સોમનાથ લાંબતુરેના મૃતદેહને તેમના વતન સોલાપુર લઈ જવામાં આવ્યો હતો, જ્યારે સચિન વાનખડેના મૃતદેહને નાગપુર અને વાસુ મિત્રાના મૃતદેહને વસઈ લઈ જવામાં આવ્યો હતો.