લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ હવે પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરિણામ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ છે અને તેની જગ્યાએ બીજા નવા પ્રદેશ અધ્યક્ષની નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. કાર્યકર્તાઓને નેતાઓમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામની જોર શોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે નામોની જો વાત કરીએ તો કાર્યકર્તાઓમાં કેટલાક જૂના નેતાઓની નામની ચર્ચા ચાલી રહી છે.અમદાવાદના એક ધારાસભ્યના નામની ચર્ચા પણ જોર શોરથી ચાલી રહી છે.
અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. અમદાવાદમાં શહેર તેમજ પ્રદેશ સંગઠનના કાર્યકર્તાઓ અને નેતાઓમાં પ્રદેશ અધ્યક્ષ બનવાની હરોળ લાગી છે જેમાં શહેરના બીજા કેટલાય નેતાઓ પ્રદેશ અધ્યક્ષ બનવાના હોય એમ કાર્યકર્તાઓ પર રોફ જમાવી રહ્યા છે. અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ ચર્ચામાં પ્રથમ હરોળમાં ચાલી રહ્યું છે. અમિત ઠાકરને આગામી પ્રદેશ અધ્યક્ષ બની શકે છે ત્યારે તેને લઈને કાર્યકર્તાઓમાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ છેલ્લા કેટલાય વર્ષોથી સંગઠનમાં કામ કરતા નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી પાર્ટી પ્રત્યે વફાદારી દાખવી કામ કર્યું છે ત્યારે ધારાસભ્યને સીધા જ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે તો તેમનું પત્તું કપાશે તેવો ડર કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. સાથે જ જો આ ધારાસભ્યને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે તો તે તેમનું લોબીંગ કરે તેવો ગણગણાટ કાર્યકરોમાં થઇ રહ્યો છે.