નદીઓને પુનર્જીવિત કરવા માટે આપણે આપણાંથી બનતું બધું જ કરવું જોઈએ!
અમદાવાદ
વિશ્વ જળ દિન નિમિતે, “ જળ- શાંતિ પ્રેરક છે” : વર્તમાન વર્ષ ૨૦૨૪નું વિષય બિંદુ છે. જળ, જીવન સાથે ગહનતાથી જોડાયેલુ છે. જળ માટે અન્ય એક સંસ્કૃત શબ્દ છે, “આપ:”, જેનો એક બીજો અર્થ “પ્રિયજન” પણ થાય છે. ભારતમાં ગંગા-યમુના, ઈજીપ્તમાં નાઈલ અને દક્ષિણ અમેરીકામાં એમેઝોન, આમ વિશ્વની બધી જ પુરાતન સંસ્કૃતિઓ નદીઓ નાં તટ ઉપર જ વિકસિત થઈ છે. ભારતમાં તો નદીઓ સાથેનું સાંસ્કૃતિક સાયુજ્ય અનોખુ અને ગહન છે. ભગવાન શ્રીરામ એ પોતાનું જીવન સરયૂ નદીના તટ પર વિતાવ્યું. ગંગા નદીનું પ્રકટીકરણ જ ભગવાન શિવની જટામાંથી થયું છે અને ગંગા કિનારે હજારો વર્ષોથી યોગીઓ તપસ્યા કરતા આવ્યા છે. ગંગા એ જ્ઞાનનું પ્રતીક છે અને યમુના ભક્તિનું પ્રતીક છે. પ્રભુ શ્રીકૃષ્ણ પરત્વે, ગોપીઓનો નિર્મળ અને અથાક સ્નેહ તથા અનન્ય ભક્તિ યમુના કિનારે જ ખીલ્યાં છે. તો, નદીઓને પુનર્જીવિત કરવા માટે આપણે આપણાંથી બનતું બધું જ કરવું જોઈએ!
અહી શ્રદ્ધાની મુખ્ય ભૂમિકા છે. શ્રદ્ધા, વ્યક્તિને સ્વધર્માનુસાર ચાલવા માટે પ્રેરિત કરે છે, શ્રદ્ધા દ્વારા જ મનુષ્ય નદીઓ, પર્વતો, અરણ્યો, અન્ય જળ સ્ત્રોત તથા સંપૂર્ણ પ્રકૃતિની સંભાળ માટે પ્રતિબદ્ધ થાય છે. આપણી પાસે સર્વોત્તમ નીતિશાસ્ત્ર અને નિયમો હોય, પરંતુ તેનું પાલન તો અંતે એક વ્યક્તિએ જ કરવાનું હોય છે અને તેથી જ અહી શ્રદ્ધા અને માનવીય મૂલ્યો નાં આધાર પર સ્થાપના પામેલ સંસ્થાનો શ્રેષ્ઠ ભૂમિકા નિભાવી શકે છે.
*ભારતમાં જળ-સંરક્ષણ પ્રતિ સજગતા: બુનિયાદી સ્તર પર કાર્ય કરવું એ જ ઉપાય!
વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સૌને પાણી ઉપલબ્ધ થતું રહે, તે ખૂબ આવશ્યક છે. આર્ટ ઓફ લિવિંગ એ ભારતમાં એ દિશામાં જ પ્રયાસો હાથ ધર્યા છે. સમાજનાં મૂળભૂત સ્તર પર જઈને, લોકોના સાથ-સહકારથી આર્ટ ઓફ લિવિંગ એ એવી 70 જેટલી નદીઓ નું નવીનીકરણ કર્યું છે કે જેઓ માત્ર આધારભૂત સૂચિમાં જ અસ્તિત્વ ધરાવતી હતી! પૂરને કારણે પાણી જળવાઈ રહ્યું ન હતું, મહિનાઓ સુધી દુષ્કાળ રહેતો અને નદીને બદલે સૂકા રેતાળ પટ જ અહી જોવા મળતા હતા. પાણીના અભાવથી ખેતરોમાં પાક ઉત્પન્ન નહોતો થતો અને ખેડૂતો નિરાશ બનીને જીવનનો અંત આણવાનાં પગલાં લેતા હતા. અહી નદીઓનાં પુનર્જીવન દ્વારા પરિવર્તન લાવવું અનિવાર્ય બની ગયું હતું. પરંતુ બહારનાં સ્તરે કોઈ પરિવર્તન લાવતાં પહેલાં ભીતર પરિવર્તન લાવવું પડે છે. જ્યારે આપનું હ્રદય વિશાળ બને છે ત્યારે આપ સેવા કર્યા વગર રહી શકતાં નથી. આર્ટ ઓફ લિવિંગ સાથે, આંતરિક પરિવર્તનની આ પ્રક્રિયા દ્વારા જ, અનેક સ્વયંસેવકો જોડાયા છે. પોતે ભીતર જે આનંદનો અનુભવ કર્યો છે, તે અનુભવ બીજાં પણ કરે, તેવી ભાવનાથી પ્રેરાઇને સ્વયંસેવકો ગામડે ગામડે જઈને લોકોને મળે છે. સૌને યોગ, પ્રાણાયામ, ધ્યાન અને પ્રસન્ન અને દ્રઢ રહેવા માટેનાં અભ્યાસનું શિક્ષણ આપે છે. આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકોએ ગ્રામજનો સાથે મળીને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે, હજારોની સંખ્યામાં ગ્રાઉંડ વોટર રિચાર્જ વેલ્સ નું નિર્માણ કર્યું છે. જેથી વરસાદનાં પાણીનો અહી સંચય કરી શકાય તથા ભૂમિની અંદર તેનું ઝરણ થઈ શકે અને એ રીતે ભૂગર્ભ જળના સ્તરમાં પણ વૃદ્ધિ થઈ શકે.એ જ રીતે આર્ટ ઓફ લિવિંગ સ્વયં સેવકો, અરણ્યો-જંગલોનાં પુન:નિર્માણનું સેવા કાર્ય પણ કરી રહ્યા છે. બાવળનાં વૃક્ષોને સ્થાને સ્થાનીય આંબા, પીપળા જેવા વૃક્ષોને જતનપૂર્વક ઉછેરવામાં આવી રહયાં છે. ભૂમિના આવશ્યક અભ્યાસ અને પૃથક્કરણ પછી જે રિચાર્જ સંરચનાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તથા ચોક્કસ પ્રજાતિના લાખો વૃક્ષોને ઉછેરવામાં આવ્યાં છે તેનાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યાં છે. 5 રાજ્યોમાં, હજારોની સંખ્યામાં જળ સંસ્થાનો તથા તળાવો અને 70 જેટલી નદીઓ પાણીથી છલકાઈ ઉઠેલ છે. પક્ષીઓએ આ સ્થાનો પર પુન: આવવાનું શરૂ કરી દીધું છે. આ વિસ્તારો પુન: વર્ષાનાં વાદળોથી આચ્છાદિત થવા લાગ્યા છે. આર્ટ ઓફ લિવિંગ આશ્રમ બેંગલોર ખાતે, ગત વર્ષે મે મહિનામાં, વિદર્ભ દેશમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તથા આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકોનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. તેઓ તેમની મૂળ આવક કરતાં ચાર ગણી આવક હાલમાં મેળવી રહ્યા છે, તેનું શ્રેય તેઓ સંસ્થાને આપે છે. છેલ્લાં 2 વર્ષમાં 19500 જેટલાં ગામો આ સેવા કાર્યથી લાભાન્વિત થયાં છે. જ્યારે વ્યક્તિ તણાવમુક્ત હોય છે ત્યારે તેની દ્રષ્ટિ સ્પષ્ટ બને છે, તે વધુ સંવેદનશીલ બને છે તથા અન્ય વ્યક્તિઓ નાં જીવનમાં પોતાનું સકારાત્મક યોગદાન આપવા પ્રતિબદ્ધ અને સક્ષમ બને છે. આર્ટ ઓફ લિવિંગ જેવી સંસ્થાઓની આ જ ભૂમિકા છે. વ્યક્તિનાં માનસિક સ્વાસ્થ્યને દ્રઢ કર્યા પછી જ તેઓને સેવા કાર્ય માટે પ્રેરિત કરી શકાય છે. આવાં સેવા કાર્યોના પરિણામરૂપે પુનર્જીવન પામેલી નદીઓ વડે સમાજમાં સમૃદ્ધિ, સ્થિરતા અને શાંતિનું સિંચન શક્ય બને છે.