લોકસભા ચૂંટણીને લઈ આજે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પ્રચાર વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક ખાનગી મીડિયા સાથેની મુલાકાતમાં દાવો કર્યો હતો કે, અમેઠીની જગ્યાએ રાયબરેલીથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી ત્યાંથી પણ ચૂંટણી હારી જશે.
આ સિવાય અમિત શાહે રાહુલ ગાંધી પાસેથી 5 સવાલોના જવાબ પણ માંગ્યા છે અને આશા વ્યક્ત કરી છે કે, તેઓ ચૂંટણી પૂરી થાય તે પહેલા જવાબ આપશે.
તાજેતરમાં જ રાયબરેલીમાં અમિત શાહ જાહેર સભા કરનાર છે. આ પહેલા અમિત શાહે રાયબરેલીથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધીને પણ 5 પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું, મેં રાયબરેલીમાં પણ રાહુલને 5 પ્રશ્નો પૂછ્યા હતા અને હવે હું અહીંથી તે જ પ્રશ્નો પૂછી રહ્યો છું. શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ આ 5 પ્રશ્નોના જવાબ હા કે નામાં આપવા જોઈએ. શું તેઓ ટ્રિપલ તલાક પરત લાવવા માંગે છે? શું તે મુસ્લિમ પર્સનલ લો બોર્ડને પરત લાવવા માંગે છે? શું તે સર્જિકલ સ્ટ્રાઈકને સમર્થન આપે છે કે નહીં.
અમિત શાહે રાહુલને પૂછ્યું, કૃપા કરીને જવાબ આપો કે તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટેના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શા માટે ભાગ ન લીધો ? તેમણે એ પણ જણાવવું જોઈએ કે શું તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું સમર્થન કરે છે કે નહીં ? તેઓએ આ પ્રશ્નો પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. મને આશા છે કે, તેઓ ચૂંટણી પહેલા આ પ્રશ્નોના જવાબ આપશે.
આ તરફ ચોથા તબક્કાની ચૂંટણી અંગે અમિત શાહે કહ્યું, આ ચોથા તબક્કામાં જ લોકસભાની ચૂંટણીમાં NDAને સૌથી વધુ ફાયદો મળવાનો છે. અમે ચોક્કસપણે 400નો આંકડો પાર કરીશું. રાયબરેલી વિશે દાવો કરતા અમિત શાહે કહ્યું કે, બીજેપી ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ અહીંથી ચૂંટણી જીતશે. રાહુલ ગાંધીની અમેઠી જેવી સ્થિતિ અહીં પણ બનવાની છે. અમિત શાહે કહ્યું, નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે. અમે કલમ 370 હટાવીશું. અમે GST વિશે કહ્યું હતું તે લાવવામાં આવ્યું હતું. કોમન સિવિલ કોડ લાવવાની વાત થઈ હતી. તેની શરૂઆત ઉત્તરાખંડથી થઈ હતી. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના વચનની કોઈ કિંમત નથી.