ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાશ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે ગુજરાત સરકારે માનવતા અને સંવેદનશીલતાની તમામ હદ વટાવી શિક્ષકોને હવે તીડ ભગાડવાના કામમાં જોતરવાના આદેશ કર્યા છે. થરાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીના પરીપત્ર ક્રમાંક તા.પં./એડીએમાતીડ ઉપદ્રવ/વશી/ / ૨૦૧૯ ના તા. ૨૩-૧૨-૨૦૧૯ ના પરીપત્ર મુજબ પંચાયત અને કૃષિ વિભાગના કર્મચારીઓને તીડ ભગાડવાની કામગીરી સોંપાય ત્યાં સુધી સમજી શકાય છે પરંતુ એમા પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને કેમ જોતર્યા તે આશ્ચર્ય પમાડે છે.
શ્રી જયરાજસિંહે વધુમાં જણાવ્યું છે કે વિજયભાઈનું હીન્દીમાં ભાષણ સભામાંની ભીડ ભગાડવા કામે લાગે એ ઠીક પણ શિક્ષકો તીડ કેવી રીતે ભગાડી શકે તે સમજાય તેમ નથી. શિક્ષણ સિવાયના તમામ કામમાં શિક્ષકને જોતરવા ટેવાયેલી ગુજરાત સરકાર હવે તીડ ભગાડવાનું કામ પણ તેમની પાસે કરાવશે. સાચું જ છે જે રાજ્યમાં વિદ્યાર્થીઓ એ ભણવાના બદલે પંક્યર કરતા જ શીખવાનું હોય ત્યાં શિક્ષકોને આવી ઈતર પ્રવૃત્તિ જ સોંપવી પડે. સરકાર શું શિક્ષકોને ખેતરમાં ચાડીયા બનાવીને ઉભા રાખશે ? કે પછી બુમો પાડતાં પાડતાં તીડના ટોળાઓ પાછળ દોડાવશે? સારૂ છે વિજયભાઈને દીપડા ભગાડવાનું કામ સોંપી શિક્ષકને શહીદ કરવાનું ના સુઝક્યુ. આવનાર દિવસોમાં સરકાર વસ્તી ગણત્રીને બદલે દારૂ સામેના અભિયાનમાં શિક્ષકોને બુટલેગરોની ગણતરી તથા રાજ્યમાં ચાલતા દારૂના અડ્ડાઓની માહિતી એકત્ર કરવા મોકલે તો નવાઈ નહીં. ભલુ પુછવુ આ સરકારનું કે શિક્ષકો પાસે મંદીરની અંદર મુતિ સાચવવાનો કે રોજ લુટાતા એ.ટી.એમ. સાચવવાના પરિપત્ર ના કરે તો જ આશ્ચર્ય થશે. સરકાર પોતાના કર્મચારીઓ પર કામનું ભારણ અને માનસિક ત્રાસ આપ્યા પછી એટલી નિર્દયી પણ નથી એ સંદેશો પણ આપ્યો છે અને સરકારી કર્મીઓને માનસિક ત્રાસ આપ્યા બાદ વિપશ્યના માટે દસ દીવસની રજાઓ પણ આપી જ છે. એટલે આડકતરી રીતે સરકારે એમના દ્વારા કર્મચારીઓ પરનો અમાનુષી માનસિક અત્યાચાર પણ સ્વિકાર્યો છે.
સરકારી ઉત્સવો, મેળાવડા, વાઈબ્રન્ટના તાયફામાં વ્યસ્ત રહેતા શિક્ષકો શિક્ષણ સિવાયનું તમામ કામ કરે છે પણ તેઓ બંધવા મજુર (Bonded labour) હોય તેમ તીડ ભગાડવાની કામગીરી સોંપી ભાજપ સરકારે ગુરૂદ્રોહની સાથે સાથે પોતાની વહીવટી અણઆવડત સિધ્ધ કરી છે અને શિક્ષકને “ગુરુ” ને બદલે “લઘુ” બનાવી દીધો છે.
શ્રી જયરાજસિંહે જણાવ્યું છે કે એકબાજુ શાળા સંચાલકોને ઊંચી ફી વસુલવાની છુટ અને બીજી બાજુ શિક્ષકોને ટુંકા અને ફીક્સ પગારમાં સરકારના ગુલામ હોય તેવા દ્રષ્ટિકોણથી તમામ બિનશૈક્ષણીક જવાબદારી આપવાની બેવડી નિતિએ શિક્ષણની ઘોર ખોદી નાખી છે. સરકારે શિક્ષકો દ્વારા કરાવતા અન્ય કામો માટે શિરપાવ આપવાને બદલે અપૂરતો પગાર આપીને શિક્ષકોનું શોષણ કર્યું છે એટલું જ નહીં પરંતુ હાઇકોર્ટે ફુલ પગાર આપવાના કરેલા હુકમ સામે સુપ્રીમમાં પણ ગઈ છે. આજે ફિક્સ પગારમાં ઘર ના ચાલે તો વ્યક્તિનું ઈમાન ક્યાંથી ચાલે ? છતાં પણ શિક્ષકો ઈમાનદારીથી પોતાની ફરજો અને બળજબરી ઠોકી બેસાડેલી ફરજો પણ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.
શ્રી જયરાજસિંહે જણાવ્યું છે, કે સરકાર માટે ભીડ ભેગી કરવા શિક્ષકો પર નજર પડે ઉત્સવો અને સરકારી મેળાવડાના તાયફા કરવા હોય તો શિક્ષકો પર મદાર રાખવાનો. વસતી ગણતરી હોય, રોગચાળાના સર્વે, પોલિયોના ટીંપા આપવા, મતદાર યાદી, ખેલ મહાકુંભ, લોકમેળામાં સરકારી કાર્યક્રમમાં હાજરી, શૌચાલય બનાવવા લોકો ને સમજાવવા, ઘેર ઘેર જવું આધાર કાર્ડ કઢાવવા, ચૂંટણી કાર્ડ, ચૂંટણીની દરેક કામગીરી, વિવિધ સાપ્તાહની ઉજવણી, અસરગ્રસ્તોને રાહત સામગ્રી વિતરણ, બાયસેગ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીની અનુકૂળતાએ થતા એકતરફી વાર્તાલાપ ટી.વી. પર બાળકોને તથા ગ્રામજનોને આ કાર્યક્રમ જોવા ફરજિયાત ભીડ ભેગી કરવી, પ્રવેશોત્સવની ઉજવણી, SPC ની કામગીરી વગેરે કામો તો કરાવાય જ છે. ટૂંકમાં શિક્ષણ સિવાયની બીજી મોટા ભાગની કામગીરી ફરજીયાત ના છુટકે પણ કરવી જ પડે છે. ગુણોત્સવની ઉજવણી, શિક્ષક પાસે શિક્ષણ માટે કેટલો સમય રહે એ સમજી લો, નિરક્ષરોનો સર્વે, મતદાર યાદી સુધારણા માટે દરેક ગામનાં શિક્ષકો જોડે કાયમી કામગીરી, વાવાઝોડાની કામગીરી કંટ્રોલરૂમ કામગીરી, એસ.એમ.સી., વાલી મિટિગ વારંવાર બોલાવવી વારંવાર તાલીમ, વારંવાર મિટિગ, માહિતીનું પુનરાવર્તન, શિષ્યવૃતિ માટે બેંક એકાઉન્ટની જવાબદારી, ડેગ્યું કે સ્વાઈન ફ્લે કામગિરી મા ઘરે ઘરે સર્વે એન.પીઆર.ની કામગીરી, મધ્યાહન ભોજનના હિસાબો, ઓડિટ, શાળા સ્વચ્છતા તથા ગ્રામસફાઇ લટકામાં શિક્ષક શાળાકીય પ્રવૃત્તિ કરી શકે તે સ્થિતિમાં જ નહીં રાખવાનો અને છતાં ગુણોત્સવની અપેક્ષા રાખવાની. આ અપમાન અને શોષણની પરાકાષ્ઠા છે.