દેશમાં કોરોના વાયરસના પગલે અર્થતંત્રની હાલ સ્થિતિ કપરી છે. ત્યારે ઇકોનોમીક રીવાઈવલ માટે અઢીયા સમિતિએ આપેલા વચગાળાના અહેવાલ મુજબ ગુ.સરકારે સરકારી સેવાઓમા કાપ મૂકવાની તૈયારી શરૂ કરી દીધી છે. શુક્રવારે નાણાવિભાગે ગુજરાત સરકાર અને રાજ્યની ગ્રાન્ટ મેળવતી તમામ સંસ્થાઓ, એકમોમાં મંજૂર કરેલા નવા વાહનો, ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ ફર્નિચરની ખરીદી ઉપર ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધી પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ કરકસરથી સરકારના ખર્ચમાં રૂ.૮૭૦ કરોડની બચત થશે એમ કહ્યું હતું. આ અંગે પ્રસિદ્ધ થયેલા ઠરાવમાં કહેવાયુ છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સિવાય તમામ વિભાગો, તેને અધીન રાજ્યભરમાં આવેલી કચેરીઓ, જાહેર સાહસો, મંડળ, બોર્ડ- નિગમો, કંપનીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, પાલિકા- પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીઓ તેમજ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં અગાઉ મંજૂર કરવામાં આવેલી તમામ નવા વાહનોની ૩૧મી માર્ચ સુધી સ્થગિત કરી દેવાઈ છે. આઉટસોર્સ કે ભાડેથી વાહન મેળવવાનું પણ બંધ રહેશે. સરકારી સેવામાં કોમ્પ્યૂટર, પ્રિન્ટર, ઝેરોક્સ મશીન, એરકન્ડિશનર સહિતના મશીનો સહિત ઇલેક્ટ્રોનિક્સ સાધનોની ખરીદી બંધ રહેશે. અધિકારી- કર્મચારીઓને એસી, કૂલર, કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઇલ જેવી કાર્યાલય સેવાઓના વપરાશ માટે પણ સરકારની સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. જે કચેરીઓમાં ફર્નિચરના ટેન્ડર ઇશ્યૂ ન થયું હોય ત્યાં ખરીદી જ બંધ રહેશે. ટેન્ડર બહાર પાડચું હોય પણ ઓપન ન કર્યું હોય, બંધ ભાવ ઓપન કર્યા હોય પણ ઓર્ડર ન આપ્યો હોય તો ૩૧ માર્ચ સુધી ખરીદી નહીં થઈ શકે.
કઇ ખરીદી અટકતાં કેટલી બચત
- વ્હીકલની ખરીદી ૧૮૬ કરોડ
- ફર્નિચર ઈક્વિપમેન્ટ ૧૫૧ કરોડ
- કમ્પ્યુટર, આઈટી ૫૩૩ કરોડ