જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા એક વેપારી યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. પ્રેમિકાના પૂર્વ મંગેતર અને તેના અન્ય ચાર સાગરીતો એ ધોકા-પાઈપ, લાકડી સાથે ધસી આવી હુમલો કરી પ્રેમી યુવાનને ગંભીર સ્વરૂૂપે ઘાયલ કર્યો હતો, ઉપરાંત પ્રેમિકા અને પ્રેમિકાના પરિવારજનો પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરાઈ હતી. જે મામલે પાંચેય આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા મોહમ્મદ હનીફભાઈ ઇજારાવાલા નામના 22 વર્ષ ના મેમણ યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે તેમજ માથું ફોડી નાખવા અંગે મહારાજા સોસાયટીમાં રહેતા સલમાન લાખાભાઈ દલ, અલફાઝ અલાદભાઈ દલ, ઈરફાન મેરૂભાઈ દલ, ફૈઝલ સાબિદ ભાઈ દલ, અને ગુલમામદ અબ્દુલભાઈ દલ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ફરિયાદી યુવાનને ઇજા થતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ ઉપરાંત તેની પ્રેમિકા એવી પત્ની યાસ્મીનબેન અને તેના પરિવારના સભ્યો ઉપર પણ હુમલો કરી ઘરમાં તોડફોડ કરવામાં આવી હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.
ફરિયાદી મોહમ્મદ ઇજારાવાલાએ યાસ્મીન બેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે યાસ્મીનનું સગપણ અગાઉ આરોપી સલમાન લાખાભાઈ દલ સાથે થયું હતું, પરંતુ પ્રેમ લગ્ન બાદ આ સગપણ તૂટી ગયું હતું. જેનો ખાર રાખીને આરોપી સલમાન પોતાના અન્ય સાગ્રીતો સાથે ધસી આવ્યો હતો, અને આ હુમલો અને તોડફોડ કરી હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે પાંચેય આરોપીઓ સામે પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.