ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં કાવી પોલીસ મથકની હદમાં બે વિધર્મીઓએ અનુસૂચિત જાતિની બે સગી સગીર વયની બહેનોને ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ જઈ સગીરાઓ પર દુષ્કર્મ આચરતા પોલીસે બંને વિધર્મીઓ સામે બળાત્કાર, અપહરણ, પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી 3 દિવસનાં રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતે વાત કરીએ તો જંબુસરનાં કાવી પોલીસ મથકમાં ભોગ બનાનરનાં વાલીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કરાયો છે કે ગત 09 સપ્ટેમ્બરની રાત્રિએ કોઈ અજાણયા ઈસમો ફરિયાદીની બંને સગીર વયની દીકરીઓનું અપહરણ કરી લઈ ગયા હતા. જે અંગે પોલીસને જાણ કરાઈ હતી. જો કે, 13 સપ્ટેમ્બરનાં રોજ સગીરાઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળતા પીડિતાઓની પૂછપરછમાં આરોપી શાહરુખ પઠાણ તથા સાજિદ પટેલ દ્વારા મુસ્લિમ હોવા છતાં એકે કિશન તથા બીજાએ સુનિલ તરીકેનાં નામ ધારણ કરી ખોટી ઓળખ આપી સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી હોવાનું ખુલ્યું હતું.
ત્યાર બાદ સગીરાનો વિશ્વાસ જીતી ફોસલાવી અપહરણ કરી આરોપી કિશન ઉર્ફે શાહરુખ ઐયુબ પઠાણ તથા સુનિલ ઉર્ફે સાજિદ શબ્બીર પટેલે (બંને રહે. શનિયાનો વડ નવી નગરી જંબુસર) દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને બંને આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, પોક્સો તથા એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માગ કરતા કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડની મંજૂરી આપી છે.