શહેરના રૈયા ટેલિફોન એકસચેન્જ હરિનગરમાં રહેતી મહિલાને તેના પતિના મુંબઇ સ્થિત મિત્રએ અનેક વખત ફોન કરી તારા પતિને મારી નાખવો છે તેવી ધમકી આપી હતી. મહિલાના પતિના ફોટા એડિટ કરી તે ચીટર છે તેવા ફોટા બનાવી તેના સંબંધીઓને મોકલી બદનામ કરવાનો પ્રયાસ કર્યેા હતો.આ અંગે મહિલાએ યુનિ. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.રૈયા ટેલિફોન એકસચેન્જ પાાસે હરિનગરમાં આવેલા સનપ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા કૃતિબેન શ્યામભાઇ ભૂત (ઉ.વ.૩૨) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇના કાંદીવલીમાં રહેતા પ્રતિક ડાયાભાઇ ચોવટિયાનું નામ આપ્યું હતું.
કૃતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં પોતે તેના પતિ તથા પુત્ર સાથે મુંબઇ ગયા હતા ત્યારે તેના પતિ શ્યામ ભૂતના ધંધાકીય મિત્ર પ્રતિક ચોવટિયા સાથે પૈસાની લેતીદેતી બાબતે મુંબઇમાં માથાકૂટ થઇ હતી અને પ્રતિકે શ્યામનો મોબાઇલ લઇ લીધો હતો. માથાકૂટ થતાં કૃતિબેન રાજકોટ આવી ગયા હતા યારે પોલીસ ફરિયાદ કરવા માટે તેના પતિ શ્યામ મુંબઇમાં રોકાઇ ગયા હતાં.
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩થી કૃતિબેન રાજકોટમાં તેના સાસુ-સસરા સાથે રહે છે. પ્રતિક ચોવટિયા અવાર નવાર કૃતિબેનને મેસેજ તેમજ વોઇસ મેસેજ કરી તારો પતિ કયાં છે તેવું પુછતો હતો અને ધમકી આપતો હતો. પ્રતિકે વોટસએપ વોઇસ કોલ કરીને ધમકી આપી હતી કે, તું સફેદ સાડી લઇ રાખજે, તારા પતિનું તું ધ્યાન રાખજે, ત્રણ કરોડ બગાડવા પડે તો બગાડીશ પણ તારા પતિ શ્યામને જીવતો નથી મૂકવો જાનથી મારી નાખવો છે.
પ્રતિક માત્ર કૃતિબેનને જ નહીં પરંતુ તેમના સાસુને પણ મેસેજ કરતો અને શ્યામને મારી નાખવાની ધમકી આપતો હતો. તે શ્યામના ફોટા એડિટ કરી શ્યામ ચોર-ચીટર છે તેવા લખાણ કરી ફોટા સાથેના તેવા લખાણ શ્યામના સંબંધીઓને મોકલીને બદનામ કરતો હતો. કૃતિબેનના પુત્રને તેના સસરા સ્કૂલે મૂકવા જતા હોય તેવા વીડિયો મોકલી ધમકાવતો હતો.
ગત તા. નવેમ્બર ૨૦૨૩માં પરિણીતા ઘર પાસે હતા ત્યારે આરોપી અહીં કાર લઇને ધસી આવી પરિણીતાના પતિને મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રતિક ચોવટિયા આ રીતે પરેશાન કરતો હોય કૃતિબેને અગાઉ બે વખત પોલીસમાં અરજી કરી હતી આમ છતાં તેનો ત્રાસ નહીં અટકતાં અંતે પોલીસમાં ફરિયાદ કરી હતી.આ અંગે મહિલાની ફરિયાદ પરથી યુનિ.પોલીસે ગુનો નોંધી આરોપી પ્રતિકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવની વધુ તપાસ પીએસઆઇ વી.એન.બોદર ચલાવી રહ્યા છે.