કોઈપણ દેશમાં લોકોની આવક કેટલી વધી કે ઘટી રહી છે તેના માપન માટે કેપિટા ઈનકમની મદદ લેવામાં આવે છે. એટલે કે દેશનાં લોકોની વ્યક્તિદીઠ આવક કેટલી છે તે જાણવામાં આવે છે. આપણા દેશની વાત કરીએ તો ભારતનાં લોકોની આવક તો વધી રહી છે પણ પૈસાની બચત નથી થઈ રહી. સામાન્ય ભાષામાં કહીએ તો લોકો જે કમાઈ રહ્યાં છે તે બધું જ ઊડાડી રહ્યાં છે. RBIએ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે.
ભારતીય રિઝર્વ બેંકની હાઉસહોલ્ડ એસેટ અને લાયબિલિટીઝની રિપોર્ટ અનુસાર ભારતમાં હાઉસહોલ્ડ સેવિંગ 50 વર્ષનાં સૌથી નીચેનાં સ્તર પર આવી ગઈ છે. તેના કારણે લોકો લોન લે છે. ચિંતાનો વિષય તો એ છે કે લોકો બચત તો દૂર લોન લઈને મોજ શોખ પૂરા કરી રહ્યાં છે. RBIનાં આંકડા અનુસાર 2022-23 દરમિયાન ભારતની હાઉસહોલ્ડ સેવિંગ ઘટીને 5.1% પર આવી ગઈ છે.
RBIની રિપોર્ટ અનુસાર ભારતની જીડીપીનાં હિસાબથી બચતનાં આંકડાઓ જોઈએ તો નેટ સેવિંગ ઘટીને 13 લાખ કરોડ જેટલી થઈ ગઈ છે. આ આંકડો છેલ્લા 50 વર્ષોમાં સૌથી ઓછો છે. RBIની રિપોર્ટ અનુસાર તેની પાછળ મોંઘવારી એક મહત્વનું કારણ છે. મોંઘવારીનાં લીધે લોકો બચત નથી કરી શક્યાં. અને જરૂરિયાતો પૂરી કરવા માટે લોનનો સહારો લેવો પડે છે.
RBIની રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકોની ફાઈનેંશિયલ લાયબિલિટી ઝડપથી વધી રહી છે. જેના કારણે લોકો નાની-નાની વસ્તુઓ માટે પણ લોન લે છે. વર્ષ 2021-22માં ફાઈનેંશિયલ લાયબિલિટીઝ માત્ર 3.8% હતી. જે વર્ષ 2022-23માં વધીને 5.8% થઈ ગઈ છે. આજનાં સમયમાં લોકો જમીન, મકાન, દુકાન ખરીદવા માટે લોન લઈ રહ્યાં છે. સાથે જ લગ્ન અથવા તો હનીમૂન માટે પણ લોન લઈ રહ્યાં છે. કોરોના બાદ લોકોનું કંઝપ્શન વધી ગયું છે. લોકોની કમાણી તો વધી છે પરંતુ કમાણીની સરખામણીએ ખર્ચ ઘણો વધી ગયો છે.
મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેંટેશનનાં આંકડાઓ અનુસાર ભારતનાં લોકોની ઈનકમમાં વધારો થયો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર ભારતની પર કેપિટા ઈનકમ વર્ષ 2011-12ની સરખામણીએ 35% વધી છે. વર્ષ 2014-15માં ભારતનાં લોકોની પર કેપિટા ઈનકમ 72805 રૂપિયા હતી જે વર્ષ 2022-23માં વધીને 98374 રૂપિયા થઈ છે. પણ સામે પક્ષે મોંઘવારી અને ખર્ચામાં પણ ઘણો વધારો થયો છે.