કોગ્રેસના વરિષ્ઠ નેતા અને મનમોહન સિંહ સરકારમાં ગૃહમંત્રી રહી ચૂકેલા સુશીલ કુમાર શિંદેએ PM મોદીના વખાણ કર્યા છે. તેમણે PM મોદીને સખત મહેનતુ ગણાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે PM નરેન્દ્ર મોદી બધી જ મુશ્કેલી લઇ લે છે. હિમાચલ ચૂંટણીનો ઉલ્લેખ કરતાં સુશીલ શિંદેએ કહ્યું કે, મેં તેમને હિમાચલ ચૂંટણીમાં મેનેજમેન્ટ તરીકે કામ કરતા જોયા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા સુશીલ કુમાર શિંદે પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે તે સમયનો ઉલ્લેખ કર્યો, જ્યારે તેઓ કેન્દ્રીય મંત્રી હતા અને PM નરેન્દ્ર મોદી ગુજરાતના CM હતા.
શુભંકર મિશ્રાને આપેલા એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં સુશીલ શિંદેને દિગ્વિજય સિંહના નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર કોણ જાણે છે. શિંદેને પૂછવામાં આવ્યું કે શું તમે લોકોએ UPA-2 દરમિયાન વિચાર્યું હતું કે PM નરેન્દ્ર મોદી ત્રણ વખત PM બનશે? તેના જવાબમાં UPA સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા સુશીલ કુમાર શિંદેએ PM નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા.
PM નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા સવાલ પર સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે, જ્યારે અમે UPA-2 સરકારમાં હતા ત્યારે એવું વિચાર્યું ન હતું કે, તેઓ ત્રણ વખત કેન્દ્રમાં સરકાર બનાવશે અને ત્રણ વખત PM બનશે. જો કે, તે સખત મહેનત કરે છે અને ઘણી મુશ્કેલીઓ લઇ લે છે. તે સમયે હું હિમાચલનો મહાસચિવ પણ હતો, તેઓ પણ મહાસચિવ હતા. તેઓ ગુજરાતના CM હતા, હું પણ CM હતો. ત્યાર પછી હું કેન્દ્રમાં ઉર્જા મંત્રી હતો અને તેઓ CM તરીકે મારી પાસે ગુજરાત માટે વીજળી માંગવા આવતા હતા. આનો અર્થ એ નથી કે, આપણે તેમના પર વધુ પડતી ટિપ્પણી કરવી જોઈએ. તેઓ બીજી પાર્ટીમાં છે.
સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે, તે સમયે અમે PM નરેન્દ્ર મોદીને ઘણી મદદ પણ કરી હતી. અમે ઊર્જા પૂરી પાડવામાં મદદ કરી. દેશ ચલાવવામાં જ્યાં પણ જરૂરી હોય ત્યાં અમે PM નરેન્દ્ર મોદી માટે જ નહીં, કોમ્યુનિસ્ટ પાર્ટી માટે પણ કર્યું. પશ્ચિમ બંગાળને પણ સહકાર આપ્યો. અમે બધાને મદદ કરતા. સુશીલ શિંદેએ કહ્યું કે, PM નરેન્દ્ર મોદી સખત મહેનતુ છે. તેઓ ઘણી મુશ્કેલીઓ લઇ લે છે. અત્યારે હું જે જોઉં છું તેના પરથી પક્ષની વિચારસરણી ક્યારેક તેમને બહાર નીકળવા નથી દેતી. જો આવું ન હોત તો તેઓ તેનાથી પણ મોટા હોત.
સુશીલ કુમાર શિંદેએ તેમની ત્રણ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, તે સમયે પાવર સેક્ટરને ઉપર લેવામાં આવ્યું હતું. ગરીબો અને દલિતો માટે ઘણું કામ કર્યું છે. તેમણે પંડિત જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન એક સવાલ ઉઠાવવામાં આવ્યો કે, શું તેમણે મનમોહન સિંહને કામ કરતા જોયા છે. જ્યારે તેમણે PM મોદીને કામ કરતા જોયા, ત્યારે સુશીલ કુમાર શિંદેના પ્રિય PM કોણ હતા? આ સવાલના જવાબમાં શિંદેએ ઈન્દિરા ગાંધીનું નામ લીધું.
સુશીલ કુમાર શિંદે ઈન્દિરા ગાંધીને પોતાના સૌથી પ્રિય PM ગણાવ્યા. તેમણે પોતાની વાત રજૂ કરવા માટે એક કહેવતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, તેઓ સિંહની જેમ બહાદુર અને શિયાળની જેમ ખૂબ જ ચાલાક હતા. બાંગ્લાદેશનું યુદ્ધ તેમણે કેવી રીતે જીત્યું તેના પરથી તેમની સ્થિતિ સમજી શકાય છે.