ગાંધીનગરના દશેલા ગામના ખાયણા તળાવનાં ઊંડા પાણીમાં પરમ દિવસે ધોધમાર વરસાદના કારણે રાજસ્થાનની સહેલગાહથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર સાથે ગરકાવ થઈ ગયા હતા. ગઈકાલે ગાંધીનગર ફાયર બ્રિગેડ ધ્વારા ચાર યુવાનોની લાશ તળાવમાંથી કાઢવામાં આવી હતી. પરંતુ પાંચમા મિત્રનો પત્તો લાગ્યો ન હતો. આથી આજે ફરીવાર ફાયર બ્રિગેડની ટીમે તળાવમાં શોધખોળ આદરીએ પાંચમા યુવાનની પણ લાશ બહાર કાઢવામાં આવી છે.
ગાંધીનગર પાસેના દશેલા ગામની સીમમાં આવેલા ખાયણાં તળાવ સોમવારની રાત્રે વરસેલા ધોધમાર વરસાદના કારણે ઓવરફલો થઇ ગયું હતું. જેનાં કારણે રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા. એ વેળાએ પાંચ મિત્રો કાર સાથે તળાવમાં ગરકાવ થઈ ગયા હતા. આ પહેલા કારમાં સવાર ગૌરાંગ યોગેશભાઈ ભટ્ટે તેના પિતાને કાર તળાવમાં ઉતરી ગઈ હોવાની જાણ કરી હતી.
જોકે વધુ ખ્યાલ આવે એ પહેલાં જ ગૌરાંગનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. આથી પોલીસને જાણ કરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાદમાં લોકેશનનાં આધારે તપાસ કરી ફાયર બ્રિગેડની મદદથી તળાવમાંથી ગૌરાંગ ભટ્ટ(દશેલા), નરોડાના નિમેષ ગણપતભાઈ પરમાર, ભરત મહેંદ્રભાઈ સોલંકી, વિનય હિતેશભાઈ નાયીની લાશ બહાર કાઢવામાં આવી હતી.
મોડી સાંજ સુધી શૈલેષ જગદીશભાઈ રાઠોડનો પત્તો લાગ્યો ન હતો. આ મામલે ચીલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ચારેય મિત્રોનું પેનલ ડોક્ટરોની ટીમ થકી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પાંચેય મિત્રો ત્રણ દિવસથી રાજસ્થાનના ઉદેપુર ફરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ ગૌરાંગને દશેલા ગામમાં ઉતરવા જઈ રહ્યા હતા. એ વખતે આ કરુણાંતિકા સર્જાઈ હતી. બીજી તરફ આજે સવારે ફરીવાર ફાયર બ્રિગેડની ટીમે તળાવમાં શોધખોળ કરીને શૈલેષ રાઠોડ ની પણ લાશ બહાર કાઢવામાં આવી હતી. એકસાથે પાંચ યુવાનો તળાવમાં ડૂબીને અકાળે મોતને ભેટતા ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.